મૌલાના મુહંમદઅલી જૌહર (જ. 10 ડિસેમ્બર 1878; અ. 4 જાન્યુઆરી 1931, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી શાસન વિરુદ્ધની આઝાદીની ચળવળના અગ્રિમ કાર્યકર, કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા તથા કૉંગ્રેસપ્રમુખ અને ઉર્દૂ ભાષાના કવિ તથા અંગ્રેજી પત્રકાર. તેમનું નામ મુહંમદઅલી અને તખલ્લુસ ‘જૌહર’ હતું. તેમણે ગુજરાતમાં વડોદરાના ગાયકવાડી રાજ્યમાં મુલકી સેવામાં જોડાઈને કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને પૅલેસ્ટાઇનના મુફતીના આગ્રહથી બયતુલ મુકદ્દસ(જેરૂસલેમ)માં દફનાવવામાં આવ્યા હતા. તેમના મોટા ભાઈ શૌકતઅલી પણ કૉંગ્રેસી કાર્યકર હતા અને અવિભાજિત ભારતમાં મુહંમદઅલી-શૌકતઅલીની જોડી ‘અલી બિરાદરાન’ના નામે વિખ્યાત હતી.
મુહંમદઅલીએ અલીગઢ કૉલેજમાં શિક્ષણ લીધું હતું અને ઇંગ્લૅન્ડ જઈને ઑક્સફર્ડ યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. ઇંગ્લૅન્ડમાં ઇન્ડિયન સિવિલ સર્વિસની સ્પર્ધામાં તેઓ માત્ર ઘોડેસવારીની કસોટીમાં અનુત્તીર્ણ રહ્યા હતા. દેશમાં પાછા ફરીને થોડો સમય રામપુર સ્ટેટમાં શિક્ષણ ખાતામાં સેવા આપીને તેઓ વડોદરા સ્ટેટના નવસારી જિલ્લામાં કમિશનરના હોદ્દા ઉપર 6 વર્ષ સુધી રહ્યા હતા. એ સમયે તેમના અંગ્રેજી લેખો મુંબઈના દૈનિક ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં પ્રસિદ્ધ થતા હતા. 1911માં કૉલકાતાથી તેમણે ‘કૉમરેડ’ નામનું અંગ્રેજી પાક્ષિક શરૂ કર્યું અને તેઓ સક્રિય રીતે રાજકારણમાં જોડાયા. 1912માં અંગ્રેજો રાજધાની કૉલકાતાથી દિલ્હી લઈ ગયા તો મુહંમદઅલીએ પણ ‘કૉમરેડ’નું પ્રકાશન 12 ઑક્ટોબર, 1912થી દિલ્હીથી શરૂ કર્યું. તેમણે ખિલાફત ચળવળ દરમિયાન ગાંધીજી તથા કૉંગ્રેસને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. તેમને 1923માં કૉંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમણે કૉંગ્રેસના મુખપત્ર તરીકે દિલ્હીથી ઉર્દૂ અખબાર ‘હમદર્દ’ પણ શરૂ કર્યું હતું. તેઓ અંગ્રેજી શાસન વિરુદ્ધ ઉર્દૂ તથા અંગ્રેજી બંને ભાષાઓમાં, કોઈ પણ પ્રકારના પરિણામની પરવા કર્યા વગર બહુ તીખી ભાષામાં લખતા હતા. તેમને અંગ્રેજ સરકારે સૌપ્રથમ 1914માં છિંદવાડા(મધ્ય પ્રદેશ)ની જેલમાં કેદ કર્યા હતા. તેમને બયતુલની જેલમાં પણ રાખવામાં આવ્યા હતા. લગભગ 4 વર્ષના કારાવાસમાંથી છૂટીને તેઓ કૉંગ્રેસમાં સક્રિય બન્યા અને ગાંધીજીના સહાયક તરીકે દેશભરમાં પંકાયા. 1921માં ફરીથી તેમની ધરપકડ થઈ અને કરાંચીના કારાવાસમાં તેમને 2 વર્ષ માટે મોકલી દેવાયા. તે વખતે તેમણે ઉર્દૂમાં 2 કાવ્યરચનાઓ કરી હતી, જે લોકજીભે ચડી ગઈ હતી. 1923માં જેલ-મુક્ત થઈને તેમણે ફરીથી અંગ્રેજી-ઉર્દૂ સામયિકોનું સંપાદન સંભાળ્યું. મૌલાનાએ રાજકીય કારકિર્દી દરમિયાન પોતાના સ્વાસ્થ્ય અને કુટુંબીજનોની દેખરેખ રાખી ન હતી. પોતે મધુપ્રમેહથી અને તેમની દીકરીઓ ક્ષયરોગથી પીડાતી હતી. તેઓ 1929માં બીમાર અવસ્થામાં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઇંગ્લૅન્ડ ગયા હતા અને જીવનની છેલ્લી ક્ષણ સુધી દેશને આઝાદ કરાવવાના કાર્યમાં પરોવાયેલા રહ્યા હતા. તેમણે જાહેર કર્યું હતું કે જો મારા દેશને આઝાદી આપવામાં નહિ આવે તો આ દેશમાં મને દફન કરવા જમીન આપવી પડશે. તેઓ ઇંગ્લૅન્ડમાં અવસાન પામ્યા હતા. તે વખતે પૅલેસ્ટાઇન (હાલનું ઇઝરાયલ) અંગ્રેજોના તાબામાં હતું; તેથી તેમને જેરૂસલેમમાં દફનાવવામાં આવ્યા હતા. મુહંમદઅલી એક બુદ્ધિવાદી, અંગ્રેજી-ઉર્દૂના સારા વક્તા, ઉદારમતવાદી લેખક અને રાષ્ટ્રવાદી વિદ્વાન પુરુષ હતા. તેઓ રાજકારણમાં વિશાળ ર્દષ્ટિ ધરાવતા હતા. તેઓ મૌલવી હતા નહિ, છતાં ઇસ્લામ ધર્મ તથા કુરાનનું પણ સારું જ્ઞાન ધરાવતા હતા અને તેથી એક ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થાએ તેમને ‘મૌલાના’ની માનાર્હ પદવી આપી હતી.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી