મૌલવી, અબ્દુલ હક (જ. 1870, સરાના, મેરઠ; અ. 16 ઑગસ્ટ 1961, કરાંચી) : ઉર્દૂના મૂકસેવક, ખ્યાતનામ સંપાદક અને સમીક્ષક. પરંપરાગત પ્રાથમિક શિક્ષણ પિતા પાસેથી મેળવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અલીગઢમાં લીધું. શિક્ષક તરીકે પોતાની કારકિર્દી હૈદરાબાદમાં શરૂ કરી અને ઇન્સ્પેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા.
અબ્દુલ હકને શરૂઆતથી જ ઉર્દૂ ભાષા, તેનો ઇતિહાસ અને પ્રાચીન સામગ્રી વિશે ઉત્કટ રસ હતો. તેઓ 1917માં ઓસ્માનિયા યુનિવર્સિટીના અનુવાદ વિભાગમાં નિયામક તરીકે જોડાયા અને પછી ઓસ્માનિયા કૉલેજ – ઔરંગાબાદના પ્રિન્સિપલ નિયુક્ત થયા. આ જ સમય દરમિયાન ઔરંગાબાદ મુકામે તેમણે ‘અંજુમન તરક્કી-એ ઉર્દૂ’ની સ્થાપના કરી અને પોતે પૂરી નિષ્ઠાથી તેનાં પ્રચાર, પ્રસારણ અને પ્રકાશનનાં કામોમાં ઓતપ્રોત બની ગયા. તેમણે ‘ઉર્દૂ’ નામના એક સામયિકની શરૂઆત કરી અને તેની મારફત તેમણે વિદ્યાસાહિત્ય અને સંશોધનક્ષેત્રે નોંધપાત્ર સેવા કરી. હૈદરાબાદમાં આવેલ પ્રાચીન હકૂમતો કુતુબશાહી અને બીજાપુરની આદિલશાહી હકૂમતના શાસન દરમિયાન સાહિત્યક્ષેત્રે લખાયેલ ઉલ્લેખનીય રચનાઓ તથા ગ્રંથોની પ્રતો મૌલવી સાહેબે ભારે જહેમત લઈને શોધીને એકઠી કરી તેમજ ટીકાટિપ્પણીઓ અને ભૂમિકાઓ લખી તે પ્રકાશિત કરી. તેમની આ ભગીરથ વિદ્યાકીય અને નિ:સ્વાર્થ સેવાને લક્ષમાં લઈને લોકો તેમને ‘બાબા-એ ઉર્દૂ’ના હુલામણા નામે યાદ કરવા લાગ્યા. તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષપદે નિયુક્તિ પામ્યા. નિવૃત્તિ પછી અંજુમન તરક્કી-એ ઉર્દૂનું કાર્યાલય દિલ્હી ખસેડવામાં આવ્યું અને તેમાં વિશાળ ગ્રંથાલયની સ્થાપના કરી. તેમાં ઉર્દૂ ભાષાની હજારો પ્રાચીન હસ્તપ્રતો આજેય સચવાયેલી છે. તેમની આ પ્રશંસનીય સેવાની કદર રૂપે અલ્લાહાબાદ યુનિવર્સિટીએ એલએલ.ડી. અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ ડી.લિટ્.ની માનાર્હ ઉપાધિઓ આપી તેમનું સન્માન કર્યું હતું.
પાકિસ્તાનની સ્થાપના થતાં ઉર્દૂ ભાષાના સર્વાંગી વિકાસના પ્રચારના આશયથી તેઓ કરાંચી જઈ વસ્યા અને ત્યાં પણ તેમણે અંજુમન તરક્કી-એ ઉર્દૂની સ્થાપના કરી. મૌલવીસાહેબે સેંકડો લેખો, નિબંધો અને ભૂમિકાઓ લખ્યાં છે, જે 2 ભાગમાં છપાયાં છે. અંગ્રેજી-ઉર્દૂ શબ્દકોશ એ તેમનું યાદગાર પ્રદાન છે. ઉર્દૂનાં અનેક પ્રાચીન પુસ્તકો તેમના કારણે સુરક્ષિત રહી શક્યાં છે. ‘ઉર્દૂ કી નશ્વનમા મેં સૂફિયા કા કામ’, ‘ક્વાઇદે ઉર્દૂ’, ‘મરાઠી પર ફારસી કા અસર’, ‘ચંદ હમ અસર’ વગેરે તેમનાં લોકપ્રિય પુસ્તકો છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા