મૌર્ય કળા (ઈ. પૂ. આશરે 260થી ઈ. પૂ. 232 સુધી) : મૌર્ય યુગની ભારતીય કળા. સિંધુ નદીની ખીણની સંસ્કૃતિના અવશેષો પછી દોઢ હજારથી પણ વધુ વરસોના સ્થાપત્ય કે કલાના અવશેષો ભારતમાં પ્રાપ્ત થયા નથી. પણ પછીના મૌર્ય સામ્રાજ્યના અવશેષો મળ્યા છે. એનું પણ કારણ છે. સિંધુ સંસ્કૃતિના અસ્ત પછી સેંકડો વરસના લાંબા ગાળા બાદ મૌર્ય રાજવંશ દરમિયાન પથ્થરમાંથી સ્થાપત્ય અને શિલ્પ બન્યાં, જે પછી બચી ગયાં. અગાઉનાં સેંકડો વરસોમાં લાકડાનું માધ્યમ વપરાશમાં હતું. લાકડું ભારતના તીવ્ર ભેજયુક્ત અને ભારે વરસાદવાળા વાતાવરણમાં ગરમી તથા ફૂગ અને ઊધઈ સામે લાંબા સમય સુધી ટકી શકતું નથી. તેથી લાકડામાંથી થયેલા શિલ્પસ્થાપત્યના અવશેષો મળી શક્યા નથી.
મૌર્ય રાજા ચંદ્રગુપ્ત મૌર્યને પહેલો ભારતીય સમ્રાટ કહી શકાય; કારણ કે એનું રાજ્ય પૂર્વમાં બંગાળથી પશ્ચિમમાં બલૂચિસ્તાન સુધી અને ઉત્તરમાં ગાંધાર-અફઘાનિસ્તાનથી દક્ષિણમાં કૃષ્ણા નદી સુધી વિસ્તર્યું હતું. એના મહાન પૌત્ર સમ્રાટ અશોકના રાજ્યકાળમાં પથ્થરમાંથી કોતરેલાં શિલ્પ ભારતદેશમાં અસ્તિત્વમાં આવ્યાં. એ સમય હતો ઈ. સ. પૂ. આશરે 273થી 232 વચ્ચેનાં વર્ષોનો. કલિંગ યુદ્ધને કારણે અશોકના હૃદયમાં જાગેલી અનુકંપા અને તેને કારણે તેણે બૌદ્ધ ધર્મ ધારણ કર્યો તે હકીકત સુવિદિત છે. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેણે બુદ્ધના નાશવંત દેહના અવશેષો ઉપર દેશભરમાં 84,000 સ્તૂપો બંધાવ્યા હતા. આ ઉપરાંત અસંખ્ય શિલાલેખો અને સ્તંભો તેણે પથ્થરમાંથી બનાવડાવેલા. અગાઉનાં વર્ષોમાં લાકડામાં કંડારેલાં શિલ્પો નાશવંત સાબિત થયાં. એનાથી વિપરીત અશોકે કંડારાવેલા સ્તંભો અને તેના શીર્ષ પરનાં પશુઓ પથ્થરમાં કંડારેલાં હોવાને કારણે તેમાંથી કેટલાંક આજદિન સુધી ટક્યાં છે.
અશોકે ઊભા કરાવેલા આવાં સ્તંભ-શીર્ષોમાંથી અસલ હાલતમાં સૌથી સારી રીતે ટક્યું હોય તો તે છે નેપાળની સરહદ નજીક બિહારમાં નંદનગઢ લૌરિયા ખાતેનું સ્તંભશીર્ષ : રેતિયા પથ્થરનો એ સ્તંભ 9.8 મીટર (બત્રીસ ફૂટ) ઊંચો છે. સ્તંભને માથે ઊંધું કમળ છે, જેની ઉપર એક સિંહ બેઠેલી મુદ્રામાં બિરાજમાન છે. પથ્થરમાંથી કંડારેલી આ સમગ્ર રચના પર સુંદર પૉલિશ છે; જેથી તેની સપાટીને સુંદર ચળકાટ મળે છે. આ વિશિષ્ટ ચળકાટ ‘મૌર્યન પૉલિશ’ નામે જાણીતો છે. પચાસ ટન વજનનો આ થાંભલો સવા બે હજાર વરસથી અડીખમ સીધો ઊભો છે એ જ એક મોટી ઇજનેરી સિદ્ધિ છે.
પણ મૌર્ય રાજવંશ દરમિયાન શ્રેષ્ઠ સ્તંભશીર્ષ રચાયો હતો સારનાથ ખાતે. વારાણસી ખાતે ગંગાના થોડા ઉપરવાસ નજીક ચુનાર નામની ખાણોમાંથી મળી આવેલ ચુનાર નામના રેતિયા પથ્થરમાંથી આ શીર્ષ કંડારેલ છે. તેનો રંગ લાલાશ પડતો કેસરી છે. આ શિલ્પમાં ઊંધા કમળ પર પાતળા આડા ઢોલની રચના છે. તેની ઉપર થોડાંક ઉપસાવીને ચાર દિશામાં બુદ્ધનાં ચાર ધર્મચક્ર કંડાર્યાં છે અને ચાર ચક્રો વચ્ચે ચાર રાજવી પશુઓ, આખલો, ઘોડો, હાથી અને સિંહને પણ થોડાક ઉપસાવીને (અર્ધમૂર્ત) કંડાર્યાં છે. એ જમાનામાં બુદ્ધને માનવી રૂપે કદી પણ કંડારવામાં કે ચીતરવામાં આવતા નહોતા. ચોવીસ આંકાવાળું ચક્ર એ ધર્મચક્ર રૂપે બુદ્ધનું પ્રતીક હતું અને તેમના અસ્તિત્વની રજૂઆત આ ચક્રની રજૂઆત વડે પ્રતીકાત્મક રૂપે થતી હતી. આજે આધુનિક ભારતમાં આ આખી આકૃતિ ભારતીય ગણરાજ્યના અધિકૃત ચિહન (emblem) તરીકે સ્વીકૃત છે અને બુદ્ધનું ધર્મચક્ર અશોકચક્ર તરીકે જાણીતું થયેલું છે. બુદ્ધની રજૂઆત હજી સુધી માનવઆકૃતિ રૂપે થઈ નહોતી. તેથી આવાં પ્રતીકોનો આશરો લેવામાં આવતો હતો.
આ ચક્ર એક નૈતિક, ન્યાયપૂર્ણ, સહાનુકંપિત, સુવ્યવસ્થિત રાજ્યની ઘોષણા કરે છે. ઢોલને મથાળે ચાર દિશામાં મોં કરીને ઊભેલા ચાર સિંહ પૂર્ણમૂર્ત રીતે કંડારેલા છે. એ જમાનામાં ભારતનાં જંગલો સિંહથી ભરેલાં હતાં. સિંહ જેમ જંગલનો રાજા તેમ અશોક એ વખતે ભારતવર્ષના અને બુદ્ધ માનવમાત્રના રાજા હોવાનું ગર્ભિત સૂચન એમાં છે. સિંહની ત્રાડની જેમ અશોકના આદેશ અને બુદ્ધના ઉપદેશની નૈતિક ધાક છે એવું પણ આડકતરું સૂચન એમાંથી મળે છે. ચારેય સિંહો એકબીજાને પીઠના પાછલા ભાગ ચોંટાડીને ઊભા છે. ચારેયના આગલા પંજાનાં આંગળાંના સ્નાયુઓ એટલા બધા તણાવગ્રસ્ત કંડાર્યા છે કે એવું લાગે છે કે જાણે હમણાં જ એ હવામાં છલાંગ મારશે ! મુખનો ભાવ રૌદ્ર છે; અને એમની ગીચ કેશવાળી ખભા, ગળા, છાતીને ઢાંકતી છેક પેટ સુધી પહોંચે છે. કેશવાળીની લટો એકસરખી છે. સિંહોને કંડારવાની શૈલી પર ઈરાની શિલ્પકલાની થોડી અસર છે; પરંતુ જોન ઇર્વિન જેવા વિદ્વાનના મતાનુસાર બુદ્ધની અગાઉની ભારતીય શિલ્પપરંપરાનો જ આ વિસ્તાર છે. આ શિલ્પ ભવ્ય ભારતીય જાહોજલાલીનું પ્રતીક છે. સમકાલીન ગ્રીક એલચી મેગેસ્થેનિસે તો પાટલિપુત્ર(હાલનું પટણા)માં લાકડામાંથી બનેલ વિશાળ કિલ્લા અને મહેલનાં વર્ણન પણ કર્યાં છે, જેમાંથી આજે દુર્ભાગ્યે, કશું બચ્યું નથી.
સારનાથના સિંહો કરતાં પણ વધુ આકર્ષક શિલ્પો છે દીદારગંજ–યક્ષિણી અને પટણા–યક્ષ. પાતાળલોકનાં દેવદેવી. યક્ષ-યક્ષિણીને આર્યો અને અનાર્યો બંનેય પૂજતા. યક્ષ અને યક્ષિણી ભરાવદાર અંગો ધરાવતાં હોય છે. આ બંને શિલ્પો ઉપર પણ લાક્ષણિક મૌર્ય ચળકાટ જોવા મળે છે. (જે ચળકાટ મૌર્ય રાજવંશના અંત સાથે અદૃશ્ય થઈ ગયો.) ચુનાર પથ્થરમાંથી કંડારવામાં આવેલી 1.62 મીટર(પાંચ ફૂટ ચાર ઇંચ)ની ઊંચાઈ ધરાવતી દીદારગંજ–યક્ષિણીએ ડૂંટીની નીચે માત્ર ધોતિયા જેવું અધોવસ્ત્ર પહેર્યું છે, એનાં છાતી અને પીઠ ખુલ્લાં છે. ગળામાં બે માળા છે. જમણા હાથમાં ચામર છે. જમણો હાથ તૂટી ગયો છે. સ્તનો, નિતંબો અને સાથળો રતિભાવને પ્રેરક બને તેવાં ખૂબ પુષ્ટ છે. મોં પર આછું સ્મિત છે.
પટણા–યક્ષની ઊંચાઈ 1.65 મીટર(પાંચ ફૂટ પાંચ ઇંચ)ની છે. એનું માથું અને બંને હાથ તૂટી ગયેલાં છે. ગળામાં જાડી માળા અને કેડથી ખભે ત્રાંસી દિશામાં જતો જનોઈ જેવો જાડો એક પટ્ટો છે. પેટ પર સહેજ ફાંદ છે. ડૂંટી નીચે લુંગી પહેરી છે. એણે બાજુબંધ પહેરેલા છે. આ શિલ્પ રેતિયા પથ્થરમાંથી કંડારેલ છે.
મથુરા નજીક પરખમ ગામેથી મળી આવેલ પરખમ-યક્ષની ઊંચાઈ 2.64 મીટર(આઠ ફૂટ આઠ ઇંચ)ની છે. બાવડાથી નીચેના તેના બંને હાથ તૂટી ગયેલ છે. આ શિલ્પમાં નથી મૌર્ય ચળકાટ કે નથી મૌર્ય શૈલીની પ્રશિષ્ટ સપ્રમાણતા. મૌર્ય શૈલીની સમાંતર ચાલી આવતી લોક-પરંપરાનું દ્યોતક આ શિલ્પ છે. આ પણ રેતિયા પથ્થરમાંથી કંડારેલ છે, પણ તેમાં પુરોગામી કાષ્ઠ-શિલ્પ-પરંપરાનાં લક્ષણો જોવા મળે છે. આ શિલ્પ ઘણું રુક્ષ છે અને તેની પહોળી કમર અને મોટી ફાંદને કારણે તે ધનપતિ કુબેરયક્ષ છે તેમ લાગે છે. (કુબેર યક્ષગણનો રાજા ગણાય છે.) તેના મુખ પરનો ભાવ પણ કરડાકીભર્યો છે. મૌર્ય યુગમાં જ ભારતમાં સૌપ્રથમ વાર પથ્થરમાંથી સ્થાપત્યની રચના કરવાની પ્રથા શરૂ થઈ. પહાડની ભેખડ કોતરીને બનાવેલી બે ગુફાઓ – ‘લોમસ ઋષિ’ અને ‘સુદામા’ – એના શ્રેષ્ઠ નમૂના છે. અર્ધનળાકાર આકારની છત ધરાવતી આ બંને ગુફાઓ અગાઉના યુગના કાષ્ઠ-સ્થાપત્યની પરંપરાનું બરાબર ચુસ્ત પાલન કરે છે. પથ્થર કોરીને ગુફા બનાવવામાં ટેકા માટે આડા પાટાની જરૂર નથી હોતી; છતાં તે કંડાર્યા છે, તેના ઉપરથી લાકડામાંથી બનાવેલ અગાઉના સ્થાપત્યનો પણ અંદાજ આવે છે. બારાબાર ખાતે આવેલી લોમસ ઋષિની ગુફા દ્વારકમાન ઘોડાની નાળના આકારની છે. તેમાં પણ નીચે વાંસના ટેકાની અનુકૃતિ પથ્થરમાં કંડારી છે. ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં કંડારવામાં આવેલી આ બે ગુફાઓ પછી દોઢ હજાર વરસ સુધી ભારતમાં ખડક કોતરીને ગુફાઓ બનાવવાની ભવ્ય પરંપરા ઊભી થઈ. આમ લાંબી ભારતીય કલાપરંપરાને દિશાસૂચન કરવાનું શ્રેય મૌર્યયુગને મળ્યું છે.
અમિતાભ મડિયા