મો યાન, ગુયાન (ઉપનામ : ‘મો યાન’) (Gvan Moye)

February, 2002

મો યાન, ગુયાન (ઉપનામ : ‘મો યાન’) (Gvan Moye) (જ. 17 ફેબ્રુઆરી 1955 ગાઓમી, શેંડિંગ, ચીન) : 2012નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ચીનના નવલકથાકાર અને લઘુકથા-લેખક.

તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ અગિયાર વર્ષના હતા ત્યારે ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ થઈ અને તેઓ ભણવાનું છોડીને ખેતીકામમાં જોડાઈ ગયા હતા. અઢાર વર્ષની ઉંમરે તેમણે કપાસના કારખાનામાં જવાનું શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન રાજકીય ચળવળના મર્યાદિત પ્રસંગો તેમની નવલકથામાં આલેખાયા છે. 1976માં સાંસ્કૃતિક ક્રાંતિનો અંત આવ્યો, ત્યારે તેઓ પીપલ્સ લિબરેશન આર્મીમાં જોડાયા હતા. તેઓ સૈનિક હતા તે જ સમયે તેમણે લેખનકાર્ય શરૂ કરી દીધું હતું. ક્રાંતિ પછીના સમયમાં તેઓ ગદ્ય-પદ્ય લખનારા લેખક તરીકે જાણીતા થયા હતા. ચીનની પરંપરાગત કથાઓ ઉપરાંત તેમણે વિદેશી ભાષામાંથી અનુવાદ પણ કર્યા હતા. 1979માં તેમણે ડૂ કિનલન (Du Qinlan) સાથે લગ્ન કર્યાં હતાં. 1981માં તેમના દીકરા ગુયાન ક્ષીયઓક્સિયાઓ(Guan Xiaoxiao)નો જન્મ થયો હતો.

1984માં તેમને ‘પીએલએ’ સામયિક તરફથી સાહિત્યનો પુરસ્કાર પ્રાપ્ત થયો. એમણે એ વરસથી જ પીપલ્સ લિબરેશન આર્મી કૉલેજમાં ભણવાનું શરૂ કરી દીધું. 1986માં તેઓ સ્નાતક થયા હતા. ત્યાં તેમણે ઉપનામ ‘મો યાન’ રાખ્યું હતું. તેમની નવલકથા ‘ટ્રાન્સપેરન્ટરેડિશ’ (Transparent Radish) 1984માં પ્રગટ થઈ હતી. ત્યારબાદ 1986માં રેડ સોરઘુમ (Red Sorghum) પ્રગટ થઈ હતી. ત્યારથી તેમની રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ ઊભી થઈ હતી. 1991માં તેમણે બીજિંગ નૉર્મલ યુનિવર્સિટીમાંથી સાહિત્યમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. મો યાન દ્વારા 1986થી 2009 દરમિયાન 11 નવલકથાઓ મળી છે. આ ઉપરાંત 75 કરતાં વધારે ટૂંકીવાર્તાઓ અને 25 કરતાં વધારે લઘુનવલકથાઓના પાંચ સંગ્રહો પણ પ્રગટ થયા છે. તેમના નિબંધ, નાટક, ભાષણો અને મુલાકાત અંગેનાં પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમની કથાઓમાં લોકકથા, ઇતિહાસ અને સમકાલીનતાનું ભ્રમણાભર્યું અસ્તિત્વ દૃષ્ટિગોચર થાય છે. 1987માં તેમની નવલકથા ‘રેડ સોરઘું કલાન’ પશ્ચિમમાં વધારે વંચાઈ અને તેના પરથી 2012માં ફિલ્મ પણ બની હતી.

મો યાનનો અર્થ બોલશો નહીં એવો થાય છે. તેમનાં માતાપિતાએ શીખ આપી હતી કે બહાર ક્યાંય તમારા વિચારો વ્યક્ત કરશો નહીં. 1950માં ચીનની રાજકીય ચળવળની પરિસ્થિતિને કારણે તેમના ઉછેર વખતે આ સલાહ આપવામાં આવી હતી. તેમનાં લખાણોમાં પણ ચીનની રાજકીય, જાતિવાદી તથા લૈંગિક ઐતિહાસિક બાબતોની છાપ સ્પષ્ટ રીતે ઊપસી આવે છે. પુરસ્કારની રકમ મેળવવા માટે તેમણે પોતાના ઉપનામને જ નામ બનાવી દીધું હતું.

લેખનની શરૂઆત તેમણે ચીનની ભાષામાં ટૂંકી વાર્તાઓ અને નવલકથા પ્રગટ કરવાથી કરી હતી. 1980માં આધુનિકીકરણને પગલે પરંપરાનો લોપ ન થાય એ માટે ચળવળ શરૂ થઈ હતી. તેમની પહેલી નવલકથા ‘ફૉલિંગ રેન ઑન અ સ્પ્રિંગ નાઇટ’ 1981માં પ્રગટ થઈ હતી. પરંપરાગત મૂલ્યો સાથે રહેલી શ્રદ્ધાને જોડીને ધીરે ધીરે ચીનના પરિવર્તનશીલ આધુનિકીકરણ આલેખવાની તેમને સારી ફાવટ છે. તેમની કથા ‘ધ ઓલ્ડ ગન’માં આ વસ્તુ જોવા મળે છે.

તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં છે. તેમાં ‘કિરિયામાં પ્રાઇઝ’ (2005); ઓપન યુનિવર્સિટી દ્વારા ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ (2005); ‘કૂકુઓકા એશિયન કલ્ચર પ્રાઇઝ’ (2006); ‘મૅન એશિયન લિટરરી પ્રાઇઝ’ (2007); ‘ન્યૂમૅન પ્રાઇઝ ફોર ચાઇનીઝ લિટરેચર’ (2009); ‘માઓ દૂન લિટરેચર પ્રાઇઝ’ (2011) અને સાહિત્યનો નોબેલ પુરસ્કાર – 2012 મુખ્ય ગણી શકાય.

તેમને જુદી જુદી યુનિવર્સિટીઓ તરફથી માનાર્હ ડૉક્ટરેટની પદવી આપવામાં આવી છે. તેમાં ધ સિટી યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ (2013), ફો ગુયાંગ યુનિવર્સિટી, તાઇવાન (2013) સોફિયા યુનિવર્સિટી, બલ્ગેરિયા (2014), ધ ઓપન યુનિવર્સિટી ઑવ્ હૉંગકૉંગ, ચીન (2014) ધ યુનિવર્સિટી ઑવ્ મકાઉ, ચીન (2014), હૉંગકૉંગ બેપ્ટિસ્ટ યુનિવર્સિટી, ચીન (2017)નો સમાવેશ થાય છે.

તેમની  સાહિત્યિક રચનાઓ ઉપરથી ફિલ્મો પણ બની છે. આજે પણ   લેખક અને શિક્ષક તરીકે તેઓ કાર્યરત છે.

કિશોર પંડ્યા