મોહોરવિસિક, એન્ડ્રિજા

March, 2002

મોહોરવિસિક, એન્ડ્રિજા (જ. 23 જાન્યુઆરી 1857, વોલોસ્કો, ક્રોએશિયા, ઑસ્ટ્રિયા; અ. 18 ડિસેમ્બર 1936, ઝાગ્રેબ, યુગોસ્લાવિયા) : ભૂભૌતિકશાસ્ત્રી. પૃથ્વીના પોપડા અને ભૂમધ્યાવરણ વચ્ચેની સીમા શોધી આપનાર. આ સીમાને પછીથી ‘મોહોરવિસિક સાતત્યભંગ’ નામ આપવામાં આવેલું છે.

તેમના પિતા નૌકાજહાજવાડામાં સુથાર તરીકે કામ કરતા હતા અને મા તો તેઓ શિશુ અવસ્થામાં હતા ત્યારે મરણ પામેલી. તેથી તેમના બાળપણની કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ રીયેકની પ્રાથમિક શાળામાં તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. 15 વર્ષની નાની વયે તો તેઓ ક્રોએશિયન ઉપરાંત ઇંગ્લિશ, ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષાઓ બોલી શકતા હતા, જેમાં પછીથી લૅટિન, ગ્રીક, ચેક અને જર્મન ભાષાઓનો પણ ઉમેરો થયો. પ્રાગ યુનિવર્સિટીમાં અર્ન્સ્ટ મેક નામના જાણીતા ભૌતિકશાસ્ત્રી અને દાર્શનિકના હાથ નીચે તેમણે અભ્યાસ કર્યો. ગણિતશાસ્ર અને ભૌતિકશાસ્ત્રના સ્નાતક બન્યા. વર્ષો સુધી માધ્યમિક શાળામાં અધ્યાપનકાર્ય કર્યા પછી તેમને રીયેક પાસેના બાકરની રૉયલ નૉટિકલ સ્કૂલમાં નિમણૂક મળવાથી આબોહવાશાસ્ત્ર અને સમુદ્રવિદ્યાના વિષયોનું અધ્યાપનકાર્ય કર્યું. ત્યાં તેમણે 1887માં હવામાન (meteorological) મથક તૈયાર કરાવી આપ્યું. 1891માં ઝાગ્રેબની ‘મેઇન ટૅકનૉલૉજિકલ સ્કૂલ’માં પ્રાધ્યાપક તરીકે નિમાયા. ત્યાં તેમણે પોતાનું અભ્યાસકાર્ય પણ ચાલુ રાખ્યું. 1892માં ત્યાંની હવામાન-વેધશાળાના નિયામક બન્યા. 1897માં ઝાગ્રેબની યુનિવર્સિટીમાંથી Ph.D.ની પદવી પ્રાપ્ત કરી. આ ગાળા દરમિયાન ઝાગ્રેબની વેધશાળાને વૈજ્ઞાનિક સ્વાયત્તતાનો મોભો મળે તે માટે પ્રયાસો આદરેલા, જે 1910માં ફળીભૂત થયા. 1908માં ઝાગ્રેબની આ વેધશાળા માટે ભૂકંપીય સાધનસામગ્રી મેળવી આપવામાં તેઓ સફળ રહ્યા અને આ વેધશાળાને યુરોપની વિકસિત, પ્રધાન વેધશાળાઓ પૈકીની એક તરીકે પણ પ્રસ્થાપિત કરી આપી. બીજા જ વર્ષે 1909ના ઑક્ટોબરની 8મી તારીખે યુગોસ્લાવિયાની કલ્પા ખીણમાં વિનાશક ભૂકંપ થયો, તેની નોંધ અહીં થઈ. અહીંની અને અન્ય મથકોની ભૂકંપનોંધની માહિતીનો તલસ્પર્શી અભ્યાસ કરતાં માલૂમ પડ્યું કે ભૂકંપ-તરંગોની ગતિમાં અમુક તલસપાટીમાંથી પસાર થતી વખતે એકાએક ફરક પડી જતો હતો. આ બાબતનો વ્યવસ્થિત અભ્યાસ કરીને તેમણે પોપડા અને ભૂમધ્યાવરણની સંપર્કસપાટી પર રહેલા ખડકો અલગ બંધારણવાળા હોવાની રજૂઆત કરી. આ તલસપાટીનું નામ તેમના નામ પરથી ‘મોહોરવિસિક સાતત્યભંગ’ આપવામાં આવ્યું.

તેઓ અત્યંત મિલનસાર તેમજ સહકાર્યકરોમાં પ્રિય હતા. તેમણે તેમનું પ્રયોગાત્મક કાર્ય, આંખો નબળી પડી ગઈ હોવા છતાં પણ, તેમની 70 વર્ષની વય સુધી ચાલુ રાખેલું.

ગિરીશભાઈ પંડ્યા