મોહુકો (Crow, Pheasant) : ભારતભરમાં જોવા મળતું નિવાસી પક્ષી. અં. ક્રો-ફેઝન્ટ; હિં. મહોખ; ગુ. મેહુકો અને હોક્કો પણ કહેવાય છે. તેનાં નવાં નામ ધુકિયો અને ધોમરો પણ છે. તેને ‘જામનગરી કાગડો’ પણ કહે છે. નર-માદાનો રંગ એકસરખો. કદ 50.80 સેમી. કદમાં કાગડા કરતાં મોટો; માથું, ડોક ને છાતીનો ઉપલો ભાગ ઘેરા રાખોડી કાળાશ પડતા ધુમાડિયા રંગનાં હોય છે. પાંખો ઘેરા બજરિયા રંગની, લાલ ચટકદાર આંખો અને જરા ચડઊતરી પીંછાંવાળી ગોળાકાર લેતી લાંબી ભરાવદાર પૂંછડી. પગનાં આંગળાં બે આગળ અને બે પાછળ હોવાથી તેને કોયલ કુળમાં લેવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં, શહેરોમાં અને ગાઢ જંગલોમાં તે જોવા મળે છે. તે પરોપજીવી નથી. તેનો માળો તેની જાતે બાંધે છે. આ પંખીનું દર્શન શુકનવંતું ગણાય છે.

મોહુકો એટલે કોયલનો ભાઈ. ઘણા તો તેને કોયલ જ માને ! તેને જમીન પર ફરતો જોઈ શકાય છે; પણ તેને સરખું ચાલતાં ફાવતું નથી. પહોળી પાંખો કરીને ‘ગુહુક, ગુહુક’ એવા ઘેરા સાદે બોલતો કોયલ જેવો અવાજ કરે ત્યારે તે મીઠો લાગે છે. પાંખો ટૂંકી હોવાથી તે બહુ ઊડી શકતો નથી. ઊંચે આકાશમાં ભાગ્યે જ ઊડે છે. એક ઝાડથી બીજા ઝાડ સુધી ઊડ્યા કરે.

તે ખાસ તો વાડમાં ફરતો દેખાય છે. વાડમાંથી ઉંદર, કાચીંડા અને નાના સાપ શોધીને આરોગે છે. એ રીતે ખેતીના પાકને તે લાભ કરી આપે છે. બીજાં પંખીનાં ઈંડાં અને બચ્ચાં પણ ખાઈ જાય. કચ્છમાં તે ઓછો જોવા મળે છે.

તેની ખાસિયત એ છે કે તે ઝાડની ઘટામાં, નીચી કે ઊંચી ડાળીઓ વચ્ચે ગોળ દડા જેવો માળો બનાવી બાજુમાં દરવાજો રાખે છે. તેમાં 3-4 સફેદ ઈંડાં મૂકે છે. તેનું જતન અને બચ્ચાંનો ઉછેર નર અને માદા બંને કરે છે. તેની ઋતુ ઉનાળો અને ચોમાસું છે. તે મોર અને કૂકડા વર્ગનું પંખી ગણાય છે. ગુજરાતમાં તે ‘કાકડિયો કુંભાર’ તરીકે પણ જાણીતો છે.

તે પૂંછડીનો પંખો કરી ઘડીભર થનગની લે છે. કોયલ ઘેરા સાદે બોલતી હોય એમ ‘કુહુ’ને બદલે ‘ગુહુક’ કે ‘મોહોક’ એવો અવાજ કરે છે.

દમના રોગીને તેનું રાધેલું માંસ ફાયદાકારક હોવાનું મનાય છે.

બળદેવભાઈ કનીજિયા