મોલાલિટી (Molality) : એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યની મોલસંખ્યા. મોલારિટી ઉપર તાપમાનની અસર થતી હોવાથી દ્રાવણના કેટલાક ગુણધર્મો જેવા કે હિમાંકબિંદુ(ઠારબિંદુ)નું અવનમન, ઉત્કલનબિંદુનું ઉન્નયન, બાષ્પદબાણમાં થતો ઘટાડો, અભિસરણ-દબાણમાં થતો ફેરફાર વગેરેના પરિમાપન માટે સાંદ્રતાના એવા માપક્રમની જરૂર પડે છે કે જે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલને દ્રાવકના કદને બદલે વજન સાથે સાંકળી લે. મોલાલિટી (m) એ આવો માપક્રમ છે. જો w ગ્રા. દ્રાવકમાં દ્રાવ્યના n મોલ ઓગાળવામાં આવે તો
આમ 34.2 ગ્રા. સુક્રોઝ(અણુભાર 342)ને 200 ગ્રા. પાણીમાં ઓગાળવામાં આવે તો તેનું સંકેન્દ્રણ 0.5 મોલ પ્રતિ કિગ્રા. (પાણી) થાય અને તેની મોલાલિટી 0.5m ગણાય.
મંદ જલીય દ્રાવણ માટે મોલાલિટી એ સારભૂત રીતે (essentially) મોલારિટી સાથે સર્વસમ (identical) હોય છે. દા.ત. 0.10 M ગ્લુકોઝનું દ્રાવણ પ્રાયોગિક કાર્ય માટે 0.10 m ગણી શકાય.
અવિયોજિત તેમજ સંપૂર્ણ આયનિક જાતિ (species) માટે મોલારિટી અને મોલાલિટી એકસરખાં હોય છે. પરંતુ જે દ્રાવણોની ઘનતા એકમ-મૂલ્યથી જુદી હોય તેમને માટે મોલારિટી અને મોલાલિટી અલગ હોય છે. આવે વખતે નીચેના સમીકરણનો ઉપયોગ કરીને મોલાલિટીની ગણતરી કરી શકાય.
જ્યાં d દ્રાવણની ઘનતા છે.
જ. પો. ત્રિવેદી