મોરોની (Moroni) : આફ્રિકા ખંડના પૂર્વ ભાગની મુખ્ય ભૂમિથી અગ્નિકોણમાં તથા માડાગાસ્કરથી વાયવ્યમાં આવેલા ટાપુદેશ – કૉમોરોસનું પાટનગર અને સૌથી મોટું શહેર. તે 11° 41´ દ. અ. અને 43° 16´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. મોરોની મોઝામ્બિકની ખાડીના ઉત્તર તરફના પ્રવેશદ્વાર પર આવેલું છે. તે બંદર પણ છે. ત્યાંથી વૅનિલા, કેકાઓ, કોકો (cacao, cocoa) અને કૉફીનો વેપાર થાય છે. મોરોની દેશનું વહીવટી સ્થળ હોવા ઉપરાંત વેપારી મથક તેમજ પ્રવાસનું મથક પણ છે. આ શહેર ખાતે આવેલી સુંદર મસ્જિદમાં દેશ-વિદેશથી ઘણા મુસલમાનો ઇબાદત માટે આવે છે. કૉમોરોસની માધ્યમિક શાળા આ શહેરમાં આવેલી છે. 2009 મુજબ મોરોનીની વસ્તી 1,44,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા