મોરબી સત્યાગ્રહ (1931) : પરદેશી કાપડના વેપાર સામે સ્વદેશી માલ વાપરવાની ચળવળના ભાગ રૂપે થયેલો સત્યાગ્રહ. આઝાદી પહેલાં, સૌરાષ્ટ્રમાં જાડેજા વંશની રિયાસતોમાં મોરબી પ્રથમ વર્ગનું રાજ્ય હતું. લખધીરસિંહ ઠાકોર (અમલ 1922–1948) મોરબીના રાજા અને પુરુષોત્તમદાસ ગોરડિયા ત્યાંના દીવાન હતા. સવિનય કાનૂનભંગની ચળવળ (1930–32) દરમિયાન સૌરાષ્ટ્રના ફૂલચંદભાઈ શાહ, શિવાનંદજી વગેરે આગેવાનો પરદેશી કાપડનો બહિષ્કાર કરી ખાદી અને સ્વદેશી માલ વાપરવાનો પ્રચાર અને તે માટે પિકેટિંગ પણ કરતા હતા. તેમણે ફેબ્રુઆરી, 1930માં મોરબીના વેપારીઓને સમજાવીને પરદેશી કાપડ વેચતાં અટકાવ્યા હતા; પરંતુ ગાંધી-ઇર્વિન કરાર (1931) થયા બાદ વેપારીઓએ પરદેશી કાપડનો વેપાર શરૂ કર્યો. તેથી ફૂલચંદભાઈ અને શિવાનંદજી 31 માર્ચ, 1931ના રોજ મોરબી ગયા. રાજ્યના પોલીસો તેમને પકડી, હદપાર કરી, જડેશ્વરના જંગલમાં મૂકી આવ્યા. રાજ્યમાં લોકોને ખાદી વેચવાની, રચનાત્મક પ્રવૃત્તિઓ કરવાની, ભેગા થવાની, પ્રાર્થના કરવાની અને ગાંધીજીની જય બોલાવવાની મનાઈ ફરમાવવામાં આવી. તેથી કાઠિયાવાડ સંગ્રામ સમિતિએ સત્યાગ્રહ ચાલુ રાખ્યો. વઢવાણથી 13 એપ્રિલના રોજ મોરબી ગયેલ 45 સત્યાગ્રહીઓને સ્થાનિક પોલીસે ખૂબ માર્યા. મોરબીના મહાજનના સમાધાનના પ્રયાસો નિષ્ફળ ગયા. વૈદ્ય લક્ષ્મીશંકરે રાજ્યના અત્યાચારો સામે ઉપવાસ શરૂ કર્યા. હળવદથી ગયેલ સત્યાગ્રહીઓને મોરબીમાં હન્ટર વડે મારવામાં આવ્યા. ત્યારબાદ 15 એપ્રિલ, 1931ના રોજ સમાધાન થતાં સ્વદેશીનો પ્રચાર તથા પરદેશી માલનો બહિષ્કાર કરવાની લોકોને છૂટ મળી. આ દરમિયાન 21 જૂન, 1931ના રોજ સ્થાનિક કાર્યકર ચંપકલાલ વોરાએ ગોઠવેલી જાહેર સભા પર રાજ્યે પ્રતિબંધ મૂકી સમાધાનનો ભંગ કર્યો; જેને લીધે ફરી વાર સત્યાગ્રહ શરૂ થયો. વઢવાણથી સત્યાગ્રહીઓની ટુકડી મોરબી ગઈ. રાજ્યે સભાસરઘસબંધી, હદપારી, લાઠી અને હન્ટર વડે મૂઢમાર, ધરપકડ વગેરે દ્વારા અત્યાચારો ગુજાર્યા. ગાંધીજીને આ માહિતી મળતાં તેમણે મહાદેવભાઈ દેસાઈને મોરબી મોકલી સમાધાન કરાવ્યું. જુલાઈ, 1931માં સત્યાગ્રહનો અંત આવ્યો. ગાંધીજીએ 19 જુલાઈ, 1931ના રોજ ‘નવજીવન’માં લેખ લખી રાજા તથા સત્યાગ્રહીઓને સમાધાન કરવા માટે શાબાશી આપી.

જયકુમાર ર. શુક્લ