મોરકામ્બેનો ઉપસાગર : ઉત્તર ઇંગ્લૅન્ડના પશ્ચિમ કિનારે આવેલો આયરિશ સમુદ્રનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : ઉત્તર તરફ તે ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા (કુંબરલૅન્ડ) પરગણાથી તથા દક્ષિણ તરફ લૅંકેશાયરથી ઘેરાયેલો છે. તેની ઉત્તર અને દક્ષિણ તરફના પ્રદેશોના કિનારા પર બૅરો-ઇન-ફર્નેસ, મોરકામ્બે અને હેયશામ નગરો આવેલાં છે. લેક ડિસ્ટ્રિક્ટનાં શિખરજૂથોમાંથી નીકળીને વહેતી નદીઓ આ ઉપસાગરમાં ઠલવાય છે. મોરકામ્બે નગર પરથી તેને આ પ્રમાણેનું નામ અપાયેલું છે.
ગિરીશભાઈ પંડ્યા