મોમિનખાં (જ. 1800; અ. 1852) : ઉર્દૂના ગઝલકાર. આખું નામ હકીમ મોમિનખાં મોમિન. તેમના પિતા ગુલામનબીખાન તથા દાદા નામદારખાન હકીમ (તબીબ) હતા અને કાશ્મીર તેમનું મૂળ વતન હતું. દિલ્હીના મુઘલ બાદશાહ શાહઆલમના સમયમાં તેમના દાદાને જમીન-જાગીર મળ્યાં હતાં. અંગ્રેજી શાસનમાં પેન્શન બંધાયું હતું, જે મોમિનખાંને પણ મળતું હતું. તેઓ અરબી-ફારસી ઉપરાંત યુનાની તબીબીશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું અભૂતપૂર્વ જ્ઞાન ધરાવતા હતા. તેઓ વિલક્ષણ બુદ્ધિચાતુર્ય અને યાદશક્તિ પણ ધરાવતા હતા. ઉર્દૂ કવિતામાં તારીખ (chronogram) લખવામાં તેમણે નવીન અને મુશ્કેલ પદ્ધતિઓ વિકસાવી હતી. તેઓ શતરંજના ઉત્તમ ખેલાડી પણ હતા. તેઓ રૂપવાન, દેખાવડા અને આશિકમિજાજ માણસ હતા. તેમણે કોઈ રાજવી કે દરબારનો આશ્રય સ્વીકાર્યો ન હતો. પતિયાળાના મહારાજા અજિતસિંહે મોમિનને એક હાથી ભેટ મોકલ્યો હતો, તેના પ્રત્યુત્તરમાં તેમણે એકમાત્ર પ્રશંસાકાવ્ય (કસીદો) લખ્યું હોવાનું કહેવાય છે. મોમિને શરૂઆતમાં શાહ નસીર નામના કવિ પાસેથી ઇસ્લાહ લીધી હતી, પરંતુ થોડા સમય પછી પોતાની જન્મજાત શક્તિ ઉપર આધાર રાખીને કાવ્યરચનાઓ કરી હતી. તેમણે રામપુર, સેહસ્વાન, જહાંગીરાબાદ તથા સહરાનપુરનો પ્રવાસ ખેડ્યો હતો; પરંતુ દિલ્હીની સરખામણીમાં મોમિનને બીજું કોઈ સ્થળ પસંદ ન હતું. તેમના કાવ્યસંગ્રહ–દીવાન–માં ગઝલો ઉપરાંત 6 જેટલાં ટૂંકાં મસ્નવી કાવ્યોનો પણ સમાવેશ થાય છે. તેમના શાગિર્દ નવાબ મુસ્તુફાખાન શૈફતાએ તેમનો દીવાન સંપાદિત કર્યો હતો, જે 1846માં દિલ્હીથી પ્રગટ થયો હતો. તેઓ ઉર્દૂ કવિઓમાં ગઝલક્ષેત્રે એક નોખું સ્થાન ધરાવે છે. તેમની કવિતામાં નાજુક વિચારો ઉચ્ચ શૈલીમાં વ્યક્ત થયા છે. તેમના અલંકારો અસામાન્ય પ્રકારના હોય છે. તેઓ ઊર્મિઓને ખરા અંદાજથી રજૂ કરે છે. પ્રેમ-રસના વર્ણનમાં તેઓ અજોડ છે. તેમની કાવ્યપદ્ધતિનું બીજાઓએ પણ અનુકરણ કર્યું છે. તેઓ પોતાના પ્રેમની વાત પ્રેમિકાને એવી રીતે સમજાવે છે કે જેમાં પ્રેમિકાને પોતાનો લાભ દેખાય ! આ પ્રકારની તેમની પંક્તિઓ બહુ દિલચસ્પ હોય છે; પરંતુ જો તેમની વાતમાં અસ્પષ્ટતા રહી જાય (જેને ઉર્દૂમાં અબ્હામ કહેવામાં આવે છે) તો કવિતાનો સ્વાદ જતો રહે છે અને તે ઉખાણું બની જાય છે. તેઓ દ્વિઅર્થી શબ્દોના ઉપયોગમાં પણ નિપુણ હતા.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી