મોબાઇલ શિલ્પ : ગતિમાન શિલ્પ. આ આધુનિક શિલ્પ નૈસર્ગિક પવન અથવા વીજસંચાલિત મોટરથી હલનચલન પામે છે. અંગ્રેજીમાં તે મોબાઇલ ઉપરાંત કાઇનેટિક શિલ્પ તરીકે પણ ઓળખાય છે. અમેરિકન શિલ્પી ઍલેક્ઝાન્ડર કાલ્ડર પ્રથમ મોબાઇલ શિલ્પી છે. તેમનાં આ પ્રકારનાં શિલ્પોનું પ્રથમ પ્રદર્શન પૅરિસમાં યોજાયું ત્યારે માર્સેલ દ્યુશોંએ આ શિલ્પકૃતિઓને પ્રથમ વાર જ ‘મોબાઇલ’ શિલ્પનું નામ આપ્યું. કાલ્ડરનાં શિલ્પોમાં પવનથી હાલતી તેમજ વીજસંચાલિત મોટરથી હાલતી એમ બંને પ્રકારની કૃતિઓ જોવા મળે છે. તેમાં વળેલા વાયરો પર લટકતાં અને મોટરથી હાલતાં રંગરંગીન મોટા ગોળાકારો અને સ્ટીલનાં રંગેલાં પતરાં (‘લૉબ્સ્ટર ટ્રૅપ ઍન્ડ ફિશ ટૅઇલ’, 1939) જોવા મળે છે, જે આછા પવનની લહેરથી પણ હલી ઊઠે છે. ગતિમાન શિલ્પનો વિચાર સૌપ્રથમ 1920માં રશિયન શિલ્પી નુઆમ ગાબોને આવેલો, પરંતુ તેને પૂર્ણ મૂર્ત સ્વરૂપ કાલ્ડરે 1930થી 1935 દરમિયાન આપીને શિલ્પરચનાના આ ક્ષેત્રે પહેલ કરી.
અમિતાભ મડિયા