મોદી, રુસી (જ. 17 જાન્યુઆરી 1918, મુંબઈ; અ. 16 મે 2014 કૉલકાતા) : ભારતમાં ઔદ્યોગિક વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત, ‘ટિસ્કો’ના નિવૃત્ત ચૅરમૅન તથા ‘મૅન મૅનેજર’(‘Man Manager’)નું બિરુદ પ્રાપ્ત કરનાર કુશળ સંચાલક. પિતા સર હોમી પી. મોદી વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પૂર્વ સભ્ય, જાણીતા ઉદ્યોગપતિ, સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયાના પૂર્વ ચૅરમૅન તથા મુંબઈ અને ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ હતા. માતાનું નામ જેરબાઈ. સમગ્ર શિક્ષણ ઇંગ્લૅન્ડમાં. 1927માં નવ વર્ષની ઉંમરે બ્રિટનની જાણીતી હૅરો પબ્લિક સ્કૂલમાં દાખલ થયા અને ત્યારબાદ ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ ખાતેની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. આ ગાળા દરમિયાન પાછળથી મહાન બનેલા ઘણા માણસોના સંપર્કમાં આવ્યા; જેમાં વિશ્વવિખ્યાત ન્યૂક્લિયર વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો પણ સમાવેશ થતો હતો. તેમણે નેપોલિયન બોનાપાર્ટ, સર વિન્સ્ટન ચર્ચિલ, લૉઇડ જૉર્જ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ જેવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી હતી, જે પાછળથી વ્યાવસાયિક કારકિર્દીમાં ખપ લાગી. ભારત પાછા આવ્યા બાદ 1939માં જમશેદપુરની ટાટા સ્ટીલ કંપનીમાં શારીરિક શ્રમથી ભરપૂર એવા તદ્દન નીચલી પાયરીના પદ પર દાખલ થયા; જ્યાં તેમનું રોજિંદું વેતન માત્ર આઠ આના હતું. આ જ સ્ટીલ કંપની તેમની કર્મભૂમિ બની, જ્યાં 1984માં તેમણે જે. આર. ડી. ટાટા પાસેથી ‘ટિસ્કો’ના ચૅરમૅનપદનો કાર્યભાર સંભાળ્યો હતો. દરમિયાન 1947માં તેમને ‘ટિસ્કો’ના ડેપ્યુટી કોલ સુપરિન્ટેન્ડન્ટ બનાવવામાં આવેલા. થોડાક જ વખત પછી કારખાનાના પર્સનલ ડિપાર્ટમેન્ટની જવાબદારી તેમને સોંપવામાં આવી, જ્યાં 1953માં તેમને બઢતી સાથે ડિરેક્ટર ઑવ્ પર્સનલનું પદ આપવામાં આવ્યું. આ પદ પર કામ કરતી વેળાએ જ રુસી મોદીએ તેમની વ્યવસ્થાપન અંગેની ફિલસૂફીનો સફળ પ્રયોગ કર્યો, જે ત્રણ ‘સીઝ’(credibility : વિશ્વાસપાત્રતા, courage : હિંમત અને compassion : કરુણા)ની વ્યવસ્થાપન-ફિલસૂફી તરીકે ઓળખાય છે. 1955માં તેમને કૉલકાતા ખાતે ડેપ્યુટી એજન્ટ બનાવવામાં આવ્યા અને જામાદોબા કોલસાની ખાણોના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. 1965માં તેમને ડિરેક્ટર ઑવ્ મટીરિયલ્સનું પદ, 1970માં ડિરેક્ટર ઑવ્ ઑપરેશન્સનું પદ અને 1972માં ‘ટિસ્કો’ના જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટરનું પદ બહાલ કરવામાં આવ્યું. એપ્રિલ 1974માં તેઓ ‘ટિસ્કો’ના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર બન્યા.
1995માં દેશના તત્કાલીન પ્રધાનમંત્રી પી. વી. નરસિંહરાવની પહેલથી રુસી મોદીને ઇન્ડિયન ઍરલાઇન્સ તથા ઍર ઇન્ડિયા ઇન્ટરનેશનલ – આ બંને નાગરિક વિમાનસેવાઓના જૉઇન્ટ ચૅરમૅન પદ પર નીમવામાં આવ્યા અને આ બંનેના વિલીનીકરણની જવાબદારી તેમને સોંપવામાં આવી. 1995માં પ્રધાનમંત્રીએ પોતે સંગઠિત કરેલા ચૌદ સભ્યો ધરાવતા બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સમાં રૂસી મોદીનો સમાવેશ કરવામાં આવ્યો; પરંતુ ટૂંક સમયમાં જ રુસીને ખ્યાલ આવી ગયેલો કે વ્યવસ્થાપન અને સંચાલન અંગે કોઈ પણ નિર્ણય લેવાની અને તેના પર અમલ કરવાની સત્તા વાસ્તવમાં તેમની પાસે ન હતી. તેથી ડિસેમ્બર, 1996માં તેમણે તેમાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેમણે ‘મોબાર’ નામની વ્યાપાર અને વાણિજ્યકંપનીનું ચૅરમૅનપદ સ્વીકાર્યું હતું.
રુસી મોદીની ઔદ્યોગિક વ્યવસ્થાપન-ક્ષેત્રની પાંચ દાયકાની સળંગ કારકિર્દી દરમિયાન તેમણે અન્ય ઘણા ઔદ્યોગિક એકમો તથા સંસ્થાઓને ચૅરમૅન અથવા ડિરેક્ટર તરીકેની પોતાની સેવાઓ બક્ષી હતી; જેમાં ‘ટિસ્કો’ ઉપરાંત ટાટા લિમિટેડ, લંડન; ટાટા ઇન્કૉર્પોરેટેડ, ન્યૂયૉર્ક; ટાટા મેટૅલિક્સ લિમિટેડ; ઍર ઇન્ડિયા; ઇન્ડિયન ઍરલાઇન્સ; હૉટેલ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા લિમિટેડ; બિહાર સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન; હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ; ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑવ્ એમ્પ્લૉયર્સ; ઇન્ડિયન ચેમ્બર ઑવ્ કૉમર્સ; ઇન્ડિયન સ્ટૅન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ (ISI); પૉર્ટ ટ્રસ્ટ ઑવ્ કૉલકાતા; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (IIT); એન્જિનિયરિંગ એક્સપૉર્ટ પ્રમોશન કાઉન્સિલ જેવી પ્રથમ પંક્તિની સંસ્થાઓમાં પ્રેસિડેન્ટ, ચૅરમૅન કે ગવર્નર જેવાં પદો ઉલ્લેખનીય છે.
રુસી મોદીને અત્યાર સુધી જે ઍવૉડર્ઝ કે માનમરતબા મળ્યા છે તેમાં બિઝનેસ ઇન્ડિયા દ્વારા ‘બિઝનેસમૅન ઑવ્ ધી ઇયર’ (1983), ચેમ્બર ઑવ્ કૉમર્સ, કૉલકાતા દ્વારા અપાયેલો ઍવૉર્ડ (1988), ભારત સરકાર દ્વારા અપાતો ‘પદ્મભૂષણ’નો ખિતાબ (1989), ‘સ્ટીલમૅન ઑવ્ ધી ઇયર ઍવૉર્ડ ફૉર ધી ઇયર 1989’ (1990), શિરોમણિ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હી દ્વારા અપાતો ‘શિરોમણિ વિકાસ ઍવૉર્ડ’ (1990), ઇન્ટરનૅશનલ ફ્રેન્ડશિપ સોસાયટી ઑવ્ ઇન્ડિયા દ્વારા અપાયેલો ‘વિજયશ્રી ઍવૉર્ડ’ (1990), ભારત સેવાશ્રમ સંઘ દ્વારા અપાતો ‘માનવરત્ન ઍવૉર્ડ’ (1991), ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક સ્ટડિઝ, નવી દિલ્હી દ્વારા અપાતો ‘ઉદ્યોગરત્ન ઍવૉર્ડ’ (1991), હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઍવૉર્ડ્ઝ કમિટી દ્વારા અપાતો ‘એચ.આર.ડી. ઍવૉર્ડ ફૉર – 1990–91’ (1991), ફેડરેશન ઑવ્ ઇન્ડિયન એન્જિનિયર્સ (FIE) દ્વારા અપાતો ‘રત્નભૂષણ ઍવૉર્ડ’ (1991), ‘ફિલેન્થ્રપિ ઍવૉર્ડ 1990’ (1991), એન. આર. આઇ. (NRI) ઇન્સ્ટિટ્યૂટ, ન્યૂયૉર્ક દ્વારા અપાયેલો ‘પ્રાઇડ ઑવ્ ઇન્ડિયા ગોલ્ડ મેડલ’ (1991), શિરોમણિ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હી દ્વારા અપાયેલો ‘રાજીવ ગાંધી એક્સલન્સ ઍવૉર્ડ’ (1991) તથા ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન કમિટી, નવી દિલ્હી દ્વારા અપાયેલો ‘ભારત ઉદ્યોગ ઍવૉડર્ર્’ (1992) – એ સર્વનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે