મોદી, ઇન્દ્રવદન (જ. 18 ફેબ્રુઆરી 1926, હાંસોટ, જિ. ભરૂચ, દક્ષિણ ગુજરાત; અ. 26 નવેમ્બર 2012, અમદાવાદ) : ભારતના ફાર્માસ્યૂટિકલ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ. પિતા અંબાલાલ રેલવેમાં નોકરી કરતા હતા અને માતા કલાબા ગૃહકામમાં વ્યસ્ત રહેતાં. બાળપણમાં માતાનું અકાળ અવસાન થતાં દાદીમાએ તેમનો ઉછેર કર્યો અને તે જ તેમના ત્યારપછી માર્ગદર્શક રહ્યાં. તેમનું પ્રાથમિક શિક્ષણ જન્મસ્થાન હાંસોટમાં અને માધ્યમિક શિક્ષણ અંશત: મહેસાણા ખાતે અને બાકીનું સૂરત જિલ્લાના કઠોર ખાતે. વર્ષ 1943માં મૅટ્રિક થયા બાદ તેમણે વર્ષ 1947માં બી.એસસી.ની પદવી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી અને કેમિકલ ટૅકનૉલૉજીની પદવી મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. 1949માં તેમણે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં અમદાવાદની શેરીઓમાં સાઇકલપ્રવાસ ખેડીને દવા વેચતા અને એ રીતે ગુજરાન કરતા; પરંતુ નાનપણથી તેમના જીવનમાં સાહસિકતા અને વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રમાં જરૂરી ગણાતાં જોખમ ખેડવાના ગુણો વણાઈ ગયેલા અને તેને કારણે જ વર્ષ 1951માં રમણભાઈ પટેલ સાથે ભાગીદારીમાં તેમણે કૅડિલા લૅબોરેટરીઝ નામથી ફાર્માસ્યૂટિકલ ઔદ્યોગિક એકમની સ્થાપના કરી. વિવિધ પ્રકારની દવાઓ બનાવતા આ ઔદ્યોગિક એકમે તે પછીનાં 44 વર્ષ(1951–95)માં નેત્રદીપક પ્રગતિ કરી; દા. ત., જે એકમની પ્રથમ વર્ષમાં (1951) નાણાંની કુલ ઊથલપાથલ (turnover) માત્ર રૂપિયા 1,25,000 હતી તે જ ઔદ્યોગિક એકમની ત્યારપછીના ત્રણ દાયકાને અંતે નોંધાયેલી ઊથલપાથલ રૂપિયા એક અબજ (1,000 મિલિયન) જેટલી થઈ હતી અને વર્ષ 1996માં તે ચાર અબજ રૂપિયા (4,000 મિલિયન) સુધીનો આંક વટાવી ગઈ હતી. આ સિદ્ધિમાં ઇન્દ્રવદન મોદીની સાહસિકતા ઉપરાંત ધંધા-વ્યાપારમાં નૈતિકતાનાં ઉચ્ચ ધોરણોનો અમલ કરવાનો તેમનો આગ્રહ જવાબદાર ગણાય છે. કારકિર્દીની શરૂઆતથી તેમનો ર્દઢ વિશ્વાસ હતો કે દવા બનાવવાના દેશના ઊગતા ઉદ્યોગને દેશવિદેશના બજારમાં ટકવું હોય તથા વિકાસ અને વિસ્તરણ સાધવાં હોય તો ઉત્પાદન અને વેચાણ ચીલાચાલુ પદ્ધતિથી ન ચાલી શકે. તેમની આ કોઠાસૂઝ અને ર્દઢ માન્યતાને મૂર્ત રૂપ આપવા માટે તેમણે તેમના ઔદ્યોગિક એકમમાં વર્ષ 1970માં સુસજ્જ રીતે સંશોધન અને વિકાસ(R & D)ની પ્રવૃત્તિ શરૂ કરી. તે પૂર્વે 1967માં આ કારખાનાએ પોતાનું કામકાજ પોતાની માલિકીના સ્થળે અમદાવાદના વટવા વિસ્તારમાં શરૂ કરી દીધું હતું, જેને લીધે કારખાનાની તે પછીની ઉત્પાદન અને વિકાસની પ્રગતિને સતત વેગ મળતો રહ્યો. ઇન્દ્રવદન મોદીની બીજી લાક્ષણિકતા એ છે કે તેઓ તેમની ધંધા-વ્યાપારની પ્રવૃત્તિઓમાં, પછી તે ઉત્પાદનને લગતી હોય કે વેચાણને લગતી, કાયદા દ્વારા નિર્ધારિત રીતરસમ અને નીતિનિયમોનું ચુસ્તપણે પાલન કરતા હોય છે. સાથોસાથ પોતાના કારખાનામાં કામ કરતા તકનીકી અને અન્ય કર્મચારીઓના કૌશલ્યમાં સતત વધારો થતો રહે તે ઇરાદાથી કર્મચારીઓને અવારનવાર અને સમયાંતરે અવનવી તાલીમ આપવાની ગોઠવણ પણ ઔદ્યોગિક એકમના ખર્ચે કરવામાં આવતી હોય છે અને આ પ્રકારની તાલીમ અમદાવાદ ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ (IIMA), હૈદરાબાદ ખાતેની ઍડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ (ASC), મુંબઈ ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (IIT), બૅંગાલુરુ ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, અમદાવાદ ખાતેની ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટર (PERD) જેવી સંસ્થાઓની નિશ્રામાં આપવામાં આવતી હોય છે.
સમાજસેવાના ક્ષેત્રમાં પણ ઇન્દ્રવદન મોદી સક્રિય રહ્યા છે અને તેના સંદર્ભમાં અન્ય પ્રવૃત્તિઓની સાથોસાથ તેમણે પોતાના જન્મસ્થાન હાંસોટ ખાતે ત્રીસ પથારીવાળી અદ્યતન વૈદકીય સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલ બંધાવી છે.
વર્ષ 1951માં ભાગીદારી સાથે સ્થાપન થયેલ કૅડિલા લૅબોરેટરીઝને વર્ષ 1995માં બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું અને ત્યારથી ઇન્દ્રવદન મોદી હવે કૅડિલા ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ (CPL) એકમના સંચાલક તરીકે સેવાઓ આપે છે, જે ભારતના દવા-ઉત્પાદનના ક્ષેત્રના ઔદ્યોગિક એકમોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
વર્ષ 2008 સુધી ઇન્દ્રવદન મોદીને મળેલા મહત્વના સોળ ઍવૉર્ડોમાં ઇન્ડિયન એક્સપ્રેસ જૂથ દ્વારા ફાર્મા ઇન્ડસ્ટ્રીને અપાતો ‘જીવનગૌરવ (lifetime contribution) ઍવૉર્ડ’, ‘શ્રૉફ મેમૉરિયલ નૅશનલ ઍવૉર્ડ’ (1992), ફેડરેશન ઑવ્ ગુજરાત મિલ્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝનો ‘આઉટસ્ટૅન્ડિંગ ઍન્ટ્રપ્રનર ઍવૉર્ડ’ (1993), જીવનવીમા કૉર્પોરેશન (LIC) દ્વારા પ્રયોજિત ‘ટૉપ પ્રોફેશનલ મૅનેજર ઑવ્ ધ યર ઍવૉર્ડ’ (1992), ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા પ્રયોજિત ‘જીવનગૌરવ ઍવૉર્ડ’ (2004–05), ‘ગુજરાત ફાર્મા સેન્ટેનરી ઍવૉર્ડ’ (2008), દિવ્ય ભાસ્કર પ્રયોજિત ‘જીવનગૌરવ ઍવૉર્ડ’ (2008) તથા ‘યુનિવર્સિટી ઑવ્ બૉમ્બે ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ ટૅકનૉલૉજી (UDCT–1994) ઍવૉર્ડ’નો સમાવેશ થાય છે.
સાઠીના દાયકામાં 1965–71 દરમિયાન ઇન્દ્રવદન મોદી ગુજરાત યુનિવર્સિટીની સિંડિકેટ(એક્ઝિક્યુટિવ કાઉન્સિલ)ના ચૂંટાયેલા સભ્ય રહી ચૂક્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે