મોદી, અશ્વિન (જ. 1938, અમદાવાદ; અ. 4 સપ્ટેમ્બર 2013, અમદાવાદ) : ગુજરાતના ચિત્રકાર. જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની આર્ટ માસ્ટર્સ ડિપ્લોમા પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેમણે શાળામાં બાળકોના ચિત્રશિક્ષકની કારકિર્દી અપનાવેલી. મોદીએ ‘નવતાંત્રિક’ (Neotantric) શૈલીમાં ચિત્રકામ કર્યું છે. પોતાની કલા પર માણેકચોકની ચાંલ્લાઓળની પ્રભાવક અસર હોવાનો મોદીએ સ્વીકાર કર્યો છે. મૂર્તિઓનાં જડબાંની આંખો, થરમોકોલ, ફૉર્માઇકા, છીપલાં, કોડાં, ચાટલાં, જરીભરતની કિનારો ઇત્યાદિ વડે તેઓ યંત્રો અને મંડળોની રચના કરે છે. 1980માં મોદીના આ પ્રકારના કામનો સદંતર અંત આવ્યો અને તેમણે 15 વરસ માટે ચિત્રકળાનો પણ સમૂળગો ત્યાગ કર્યો. 1995 પછી મોદીએ ચિત્રકલાનો તદ્દન નવા અભિગમથી આરંભ કર્યો. હવે કાગળ પર જળરંગના આછા ધબ્બા સર્જી તેની પર તેઓ ચિત્રવિચિત્ર માનવપશુ-આકૃતિઓનું રૈખિક સર્જન કરે છે.

તેમને મળેલાં પુરસ્કારો, ઇનામોમાં 1964માં કૉલકાતા ફાઇન આર્ટ્સ અકાદમીનો ‘એચ. એચ. આગાખાન’ ઍવૉર્ડ; 1967, 1969, 1972 અને 1974માં ગુજરાત લલિત કલા અકાદમીનાં પ્રથમ ઇનામો; 1971માં ગ્વાલિયરની મધ્યપ્રદેશ કલા પરિષદનો શ્રેષ્ઠ પુરસ્કાર; 1983માં બૉમ્બે આર્ટ સોસાયટીનું ઇનામ; 1972માં ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટીનું ઇનામ મુખ્ય છે. 2000માં કેન્દ્ર સરકાર તરફથી તેમને ચિત્રકામ માટે સિનિયર ફેલોશિપ મળી છે.

1971, 1974, 1975માં મોદીએ મુંબઈમાં, 1971, 1976 અને 1979માં દિલ્હીમાં અને 1979માં અમદાવાદમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. આ ઉપરાંત કૉલકાતા, મુંબઈ, અમદાવાદ, દિલ્હી અને હૉંગકૉંગમાં પોતાનાં ચિત્રો સમૂહ-પ્રદર્શનોમાં રજૂ કર્યાં છે. નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી; મૅક્સમૂલર ભવન, કૉલકાતા; લલિત કલા અકાદમી, નવી દિલ્હી; આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ ઑવ્ રાજસ્થાન; ગુજરાત લલિત કલા અકાદમી, ગાંધીનગર અને હૈદરાબાદ મ્યુઝિયમ, હૈદરાબાદ ખાતે તેમનાં ચિત્રો કાયમી સ્થાન પામ્યાં છે. અંતિમ વર્ષોમાં તેમણે માનવ આકૃતિઓ આલેખવી શરૂ કરી હતી.

અમિતાભ મડિયા