મોદિલ્યાની, આમેદિયો (Modigliani, Amedio) (જ. 1884, લેગહૉર્ન; અ. 1920) : ઇટાલિયન યહૂદી વંશના ચિત્રકાર, શિલ્પકાર અને સૂત્રગ્રાહી (draughtsman). વેનિસ અને ફ્લૉરેન્સમાં અભ્યાસ કરી પૅરિસમાં સ્થાયી થયા (1906). તેમણે કલામાં જે મેળવ્યું તેમાં ઇટાલિયન પરંપરાનો ફાળો તો ખરો જ, પણ ટુલોઝ લુટ્રેક, સેઝાં અને પિકાસો જેવા, કલાકારો ઉપરાંત આફ્રિકન શિલ્પોના પ્રભાવનો ફાળો પણ ખરો. તેમની કળામાં ઘનવાદ અને રંગદર્શિતાવાદની અસર તરત પરખાઈ આવે છે. શિલ્પકામ કરતાં કરતાં તેની પથરી અને રજથી તેમનાં ફેફસાં નબળાં પડ્યાં; શિલ્પકામ છોડવું પડ્યું, છતાં તે કામની સમજ તેમનાં કરેલાં ચિત્રોમાં પણ ઊપસી આવી છે, જેનો અણસાર ખાસ કરીને લાંબાં મસ્તક, સીધું લાંબું નાક તથા ડોકની ઊંચાઈ વગેરેમાં વરતાય છે. મિત્રો તેમને તરંગી, ખુશમિજાજી, ગરીબ, અભિમાની, વિલાસી અને શરાબી તરીકે ઓળખાવતા હતા. નગ્ન નવયૌવનાઓ તથા યુવાન સ્ત્રીપુરુષો અને બાળકોનાં વ્યક્તિચિત્રો તેમની કલાના મુખ્ય વિષય રહ્યા છે. તેમની વિખ્યાત કૃતિઓમાં ‘જૅક્સ લિપચિત્ઝ ઍન્ડ હિઝ વાઇફ’, ‘ન્યૂડ ઑન એ કુશન’, ‘બ્રાઇડ ઍન્ડ ગ્રૂમ’ અને ‘ધ લિટલ પેઝન્ટ’ ઉલ્લેખનીય છે.
કનુ નાયક