મોથ : એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી (મુસ્તાદિ) કુળમાં આવેલી એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cyperus rotundus Linn. (સં. જલતૃણ, નાગરમુસ્તા, મુસ્તા; ભદ્રમુસ્તા, કુરુબિલ્વ, હિં. મોથ, મુથ, નાગરમોથ; બં. મુથ, મુથ, નાગરમુથી, મ. મોથ, લહવાળા; ગુ. મોથ, ચીઢો, ચિયો, ગુંદરડો, નાગરમોથ, તા. કોરે કિલંગુ, તુંગગડાઈ; તે. તુંગમુસ્તે, નાગરમુસ્તા; મલ. કરિમુતાના; ક. નાગરમુસ્તા, તુંગેગડ્ડે; અ. સોએડ, સોએડેકુફી; ફા. મુશ્કે જમી; ઉ. સાદ કુફી; અં. નટગ્રાસ) છે. C. scarious R. Br.ને પણ નાગરમોથ કહે છે.
વિતરણ મોથ સર્વત્ર થતું અપતૃણ છે. તે દુનિયાના ઉષ્ણકટિબંધ, ઉપોષ્ણકટિબંધ અને સમશીતોષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. ભારતમાં લગભગ 1800 મી.ની ઊંચાઈ સુધી બધે થાય છે.
બાહ્યલક્ષણો : તે કીટધારક (pestiferous) બહુવર્ષાયુ નાજુકશાકીય સ્વરૂપ ધરાવતી વનસ્પતિ છે. તે વિસ્તીર્ણ ભૂમિગત તંત્ર ધરાવે છે; જે કંદો, ગાંઠામૂળીઓ (rhizomes) અને તંતુમય મૂળોનું બનેલું હોય છે. ભૂમિગત કંદમાંથી ઘેરા લીલા રંગના અરોમિલ (stolon), ત્રિકોણીય (trigonous) સાંઠા (culms) ઉદભવે છે. તેઓ 1560 સેમી. ઊંચા હોય છે. વિરોહ લાંબા અને પાતળા હોય છે. તેઓ જમીનમાં સખત, અંડાકાર, છિન્નત (truncate), કાળા રંગના સુગંધીદાર કંદ ધરાવે છે. પર્ણો લાંબાં, ઘણુંખરું મૂળપર્ણો, 0.40થી 0.85 સેમી. પહોળાં, સાંકડાં, રેખીય, અણીદાર ટોચવાળાં, ચપટાં એક મુખ્ય શિરા ધરાવતાં, સાદાં, એકાંતરિત અને ત્રિપંક્તિક (tristichous) હોય છે. પુષ્પો સાદાં કે સંયુક્ત છત્રક (umbel) ઉપર ઉદભવે છે. તે 38 દંડ ધરાવે છે. સૌથી લાંબો દંડ 7.5 સેમી. લાંબો હોય છે. આ દંડ ઉપર ટૂંકી શુકીઓ (spikes) આવેલી હોય છે. પ્રત્યેક શુકી શુકીકાઓ (spikelets) ધરાવે છે. આ શૂકીકાઓ રતાશ પડતી બદામી રંગની હોય છે. શૂકીકાનો અક્ષ સંકોચિત (compressed) હોય છે. તેના ઉપર 1050 પુષ્પો આવેલાં હોય છે. તુષનિપત્રો (glumes) રાતાં-બદામી, લંબચોરસ, બુઠ્ઠાં, 37 શિરાવાળાં અને તેમની બાજુઓ, કિનારીઓ અને ટોચ કાચવત્ (hyaline) હોય છે. ફળ કાષ્ઠમય (nut), પ્રતિઅંડાકાર (obovate) અને ત્રિકોણીય હોય છે.
આ વનસ્પતિનું ભૂમિગત તંત્ર એટલું બધું ફેલાયેલું હોય છે કે તે જામી ગયા પછી તેને કાઢવાનું કામ ઘણું મુશ્કેલ હોય છે. એક અભ્યાસ મુજબ, એક અલગ કરેલા કંદને વાવતાં 3 અઠવાડિયામાં એક નવો કંદ ઉત્પન્ન થાય છે. અને 3.5 માસમાં 146 જેટલા કંદ એક કંદમાંથી ઉદભવે છે.
Cyperus rotundus, C. scariosus, C. bulbosus અને C. esculentus એકબીજા સાથે ગાઢ સામ્ય ધરાવતી મોથની જાતિઓ છે. તેમને ઉપલક ર્દષ્ટિએ ઓળખવી મુશ્કેલ હોય છે. બાહ્યાકારવિદ્યાની ર્દષ્ટિએ આ ચારે જાતિઓને ઓળખવાની ચાવી આ પ્રમાણે છે :
(i) ઉપર્યુક્ત ચારેય જાતિઓમાં શુકીકા અનેક પુષ્પો ધરાવે છે અને રેકિલા (rachilla) સપક્ષ તથા દીર્ઘસ્થાયી હોય છે. તેઓ ત્રણ પરાગાસનો અને ત્રિકોણીય કાષ્ઠફળ ધરાવે છે.
(ii) પર્ણો ટૂંકાં અને પ્રકાંડની લંબાઈ કરતાં ભાગ્યે જ અર્ધી લંબાઈ ધરાવે છે અથવા પર્ણો હોતાં નથી; ગાંઠામૂળી ટૂંકી કે લાંબી ભૂપ્રસારી (creeping), પ્રકાંડ ઘાસ જેવું અને પાતળું તથા વિરોહ પાતળા……….. C. scariosus (નાગરમોથ).
(iii) પર્ણો પ્રકાંડની અર્ધી લંબાઈ કરતાં લાંબાં અથવા પ્રકાંડની લંબાઈ કરતાં પણ વધારે લાંબાં હોય છે.
(iv) વિરોહ પાતળા, તરત આવશ્તિ પ્રકાલિકાઓમાં પરિણમે છે. પર્ણો પ્રકાંડના તલપ્રદેશથી કેટલાંક અંતરે ઉપર અને મધ્યભાગથી નીચે ઉત્પન્ન થાય છે……….C. bulbosus (ખસડિયો).
(v) વિરોહ પાતળા, દીર્ઘસ્થાયી અને અંડાકાર કાળા રંગના કંદ ધરાવે છે. પર્ણો મૂળપર્ણો શિથિલ અને ચપટાં હોય છે. પુષ્પવિન્યાસ સંયુક્ત છત્રક હોય છે. કંદ પંક્તિક હોય છે…..C. esculentus
(iv) કંદ પંક્તિક હોતા નથી; પ્રકાંડ તલભાગેથી ગાંઠોવાળું (nodose), જાડું અને એકાએક સંકોચાઈ તાર જેવા ગાંઠામૂળીમાં પરિણમે છે. વિરોહ કંદ ધરાવે છે……….C. rotundus (મોથ, ચિડો)
વનસ્પતિરસાયણ : આ છોડના મુખ્ય રાસાયણિક ઘટકો બાષ્પશીલ તેલો, ફ્લેવોનૉઇડો, ટર્પીનૉઇડો અને મોનોસેસ્કિલટર્પીનો છે. છોડમાં રહેલાં રાસાયણિક ઘટકો આ પ્રમાણે છે : સાયપ્રોટીન, એકોપીન, સાટોપરીન, સાયપરેનૉન, સાયપરોલૉન, D. કૉપેડાઇન, D. એપોક્સિગ્ળાઇન, એસેલિનીન, રૉટન્ડીન, વેલેન્સીસ, સાયપરૉલ, ગર્જુનીન, ટ્રાન્સ-કેલેમિનીન, d કેડિનીન, gકેલેકોરીન, કેડેલીન, ગોમા-સાયમીન, કોબુસૉન, આઇસો-કોબુસૉન, લિમોનીન, ઓલીએનૉલિક ઍસિડ, p-સાયમૉલ પેટ્ચૉલીનૉન, શેટન્ડીનૉલ, રોટન્ડૉન, સેલિનેટ્રાઇન, સિટેસ્ટેરૉલ, સુજીઓનૉલ, સુજીટ્રાઑલ, હ્યુમ્યુલીન, એમૂરોલીન, ગ્મૂરોલીન, સાયપરૉટન્ડોન, મસ્ટેકૉન, આઇસોસાયપરૉલ, એસાયપરૉન, 4, 11- સેલિન્નેડાએન-3-ઑન અને 1, 8- સિનીઑલ.
બાષ્પશીલ તેલમાં મોટે ભાગે સેસ્ક્વિટર્પીન હાઇડ્રૉકાર્બનો, એપૉક્સાઇડો, કીટૉનો, મોનોટર્પીનો અને એલિફેટિક આલ્કોહૉલો હોય છે. સૅસ્હિવટર્પીનોમાં, α અને β – સેલિનીન, આઇસોકકર્યુમીનૉલ, નૂટકેટૉન, એરિસ્ટોલોન, આઇસોરોટન્ડીન, સાયપ્રે-2, 4 (15) – ડાઇન અને નૉર્રોટન્ડીન તથા સૅસ્કિવટર્પીન આલ્કેલૉઇડડ ACનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે સાય્પરોલ, α – સાય્પરીન, રોટન્ડિન, α – અને β – સાય્પરૉન, α-અને β રોટનૉલ, α – કોપીન, વેલરનલ, મિર્ટેનૉલ, α – અને β પિનીન, કૅમ્ફિન, કૅયોફાયલીન ધરાવે છે.
તેનાં ઔષધોમાં Cu, Fe, Mg અને Ni સારા પ્રમાણમાં હોય છે. તેના કંદમાંથી એક ફલેબોનૉલગ્લાયકોસાઇડ, રહેમ્નેટિન 3–0–રહેમ્નોસીલ – (1–4) રહેમ્નોપાયરેનોસાઈડ અલગ તારવવામાં આવ્યો છે.
આ બધામાં α-સાય્પરોન, સૌથી વધારે સક્રિયતા (IC50, 5-5 માઇક્રોગ્રા./ મિલી.) દર્શાવે છે. સેસ્કિવટર્પીન-સંયોજનોના યુડેલેનસમૂહની હાજરી અને સૅસ્કિવટર્પીન આલ્કોહૉલ, આઇસોસાય્પરૉલ લિપિડ ચયાપચયમાં મહત્વનું યોગદાન આપે છે.
ઔષધવિજ્ઞાનીય (pharmcological) ગુણધર્મો તે પ્રતિ-ઉપચાયી (antioxidant), કૃમિઘ્ન (anthelmintic), ફૂગરોધી (antifungal), પુન:સ્થાપક (restorative), આમવાતરોધી (anti-rheumatic), ઉદ્વેષ્ટરોધી (antispasmodic, તાણરોધી), પ્રતિ-અતિગ્લુકોઝરક્ત(antihyperglycemic), વાજીકર (aphrodisiac), સ્તંભક (astringent, સંકોચક), વાતહર (carminative), પ્રસ્વેદક (diaphoretic), મૂત્રલ (diuretic), આર્તવજનક (cmmenogogue), યકૃતસંરક્ષી (hepataprotective), ઉત્તેજક (stimulant), ક્ષુધાવર્ધક (stomachic), અલ્પરક્તદાબી (hypotensive) અને શોથહર (anti inflammatory) ગુણધર્મો ધરાવે છે.
કંદો આમવાતરોધી સક્રિયતા દર્શાવે છે અને હાઇડ્રૉકોર્ટિસ્તેન કરતાં આઠ ગણા અસરકારક હોય છે. ઔષધમાં રહેલ b – સિટોસ્ટેરૉલ ઉંદરોમાં કેરેજીનન અને કપાસની ગોળી-પ્રેરિત શોથ (oedema) સામે નોંધપાત્ર શોથહર સક્રિયતા દાખવે છે; જે અંત:ઉદરાવરણ-(introperitomeum)માં આપેલ હાઇડ્રૉકોર્ટિસોન અને ફિનાઈલબ્યુટેઝોન સાથે તુલના કરી શકાય તેટલી હોય છે.
કંદો(તાન્ઝાનિયાના)નો ડાઇક્લોરોમિથેન નિષ્કર્ષ Plasmodium falciparumની K1 જાત (જે બહુઔષધરોધી જાત છે)ની સામે પાત્રે (in vitro) નોંધપાત્ર મલેરિયારોધી (antimalarial) સક્રિયતા દર્શાવે છે. મૂળ સિવાયના સમગ્ર છોડનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Plasmodium berghei (NK 65 જાત) સામે અંત:જીવે (in vivo) મલેરિયારોધી સક્રિયતા પ્રદર્શિત કરે છે.
કંદોના આલ્કોહૉલીય અને જલીય નિષ્કર્ષો લિપોસંલાયી(lipolytic) ગુણધર્મ ધરાવે છે. તેથી શરીરમાં રહેલી લિપિડનું વિઘટન થાય છે. વળી તેઓ મગજમાં આવેલા ચેતાંતો (nerve terminals)માંથી જીવજનિત(biogenic) ઍમાઇનોને વર્ધિત (enhanced) સાંદ્રતાએ મુક્ત કરી ક્ષુધાકેન્દ્ર (appetite centre)ને અવરોધે છે. તેથી વ્યક્તિની સ્થૂળતા(obesity)માં ઘટાડો થાય છે. કંદો સ્તનગ્રંથિઓમાં નલિકાઓને સાફ કરી સ્થૂલકાયતા (corpulency) ઘટાડે છે.
તેઓ ‘અમૃતબિંદુ’ (ઔષધીય સ્વાસ્થ્યપ્રદ આહાર)નું એક મહત્ત્વનું ઘટક છે. નાઇટ્રોસેમાઇન-પ્રેરિત પ્રતિઉપચાયી ઉત્સેચકો અને ગ્લુરાથિયૉન તથા વિટામિન A, C અને E જેવા પ્રતિઉપચાયી અપમાર્જકો (scavengers)ના થતા ઘટાડાના નિવારણ (prevention) માટે તેનો ઉપયોગ થાય છે.
વનસ્પતિનો આલ્કોહૉલીય નિષ્કર્ષ CCl4 દ્વારા પ્રેરિત ઉંદરોમાં યકૃતની હાનિ સામે યકૃતને રક્ષણ આપે છે. મિથેનૉલીય નિષ્કર્ષ સંવર્ધિત વર્ણકોષો(melanocytes)માં મેલેનિનનું ઉત્પાદન ઉત્તેજે છે. સૌંદર્યપ્રસાધનની અને ઔષધીય યોગ (preparation)માં ત્વચા અને વાળની વર્ણકતા (pigmentatation) માટે મોથનો નિષ્કર્ષ ઉમેરવામાં આવે છે. ‘સુન્તાન જેલ’ના એક ઘટક તરીકે તેનો ઉપયોગ થાય છે. મોથની સળીઓની ચટાઈઓ બનાવવામાં આવે છે.
કંદમાંથી પ્રાપ્ત થતા બાષ્પશીલ તેલ (0.50.9 %)નો અત્તર ઉદ્યોગ, સાબુની બનાવટમાં અને કીટપ્રતિરક્ષી મલમ માટે ઉપયોગ થાય છે. વનસ્પતિમાં d – કેડિનીન અને કૅલેમીનૉનની હાજરી નોંધાઈ છે.
સંગ્રહ દરમિયાન, કંદોને Alternaria, Aspergillus અને Curvularia spp.નો ચેપ લાગે છે. ફૂગની વૃદ્ધિ અને ઍફ્લેટૉક્સિનના નિર્માણ માટે ઊંચું તાપમાન અને ભેજ જવાબદાર હોય છે.
મોથ કાજુના પૉલિબૅગ (polybag) ધરુવાડિયા (nursery) અને ડાંગરનાં ખેતરોમાં અપતૃણ તરીકે થાય છે. ફ્લુક્લોરેલિન (2×7 ગ્રા./ લિ.) અથવા પૅરાક્વેટ (1×2 ગ્રા. / લિ.) જેવા શાકનાશકો (herbicides)નો ઉપયોગ કરવામાં આવે છે. ગ્લાયકોફૉસ્ફેટ (4×1 ગ્રા./ લિ.) અને એટ્રેઝિન (0×25 ગ્રા./ લિ.) અપતૃણનું નિયંત્રણ કરે છે. અપતૃણ નીકળ્યા પછી બેન્ટાઝોન અને 2, 4–D નો છંટકાવ કરવાથી પણ તેનું નિયંત્રણ થઈ શકે છે. મોથને Ascophyta cypericola નામની ફૂગનો ચેપ લાગે છે; જે સાય્પરિન નામનું ફૂગ-વિષ (fungal toxin) ઉત્પન્ન કરે છે. તેનો અપતૃણના નિયંત્રણ માટે ઉપયોગ થઈ શકે તેમ છે.
આયુર્વેદ અનુસાર, તેના ગુણ આ પ્રમાણે છે.
ગુણ
ગુણ – લઘુ, રુક્ષ રસ – તિક્ત, કટુ, કષાય
વિપાક – કટુ વીર્ય – શીત
કર્મ
દોષકર્મ – તે તિક્ત-કટુ-કષાય હોવાથી કફ અને શીત હોવાથી પિત્તનું શમન કરે છે.
કર્મબાહ્ય – તેનો લેપ ત્વગ્દોષહર, શોથહર, લેખન અને સ્તન્યજનક હોય છે.
પાચનતંત્ર – તે તિક્ત હોવાથી દીપન, પાચન, ગ્રાહી, તૃષ્ણાનિગ્રહણ અને કૃમિઘ્ન હોય છે. મોથ સંગ્રાહક અને દીપન-પાચન દ્રવ્યોમાં સર્વશ્રેષ્ઠ મનાય છે.
રુધિરાભિસરણતંત્ર – તે રક્તપ્રસાદન હોય છે.
શ્વસનતંત્ર – તે કફઘ્ન હોય છે.
ઉત્સર્જનતંત્ર – તે મૂત્રલ હોય છે.
પ્રજનનતંત્ર – તે ગર્ભાશયસંકોચક, સ્તન્યજનન અને સ્તન્યશોધન હોય છે.
ચેતાતંત્ર – તે મેધ્ય અને ચેતાઓ માટે બલ્ય હોય છે.
ત્વચા – તે ત્વગ્દોષહર હોય છે.
તાપમાન – તે જ્વરઘ્ન હોય છે.
સ્વાંગીકરણ (સાત્મીકરણ) – તે બલ્ય અને વિષઘ્ન હોય છે.
પ્રયોગ
દોષપ્રયોગ – તે કફપિત્તજન્ય વિકારોમાં ઉપયોગી છે.
પ્રયોગબાહ્ય – કંડૂ જેવા ત્વચાના રોગોમાં તેનો લેપ કરવામાં આવે છે. સ્તનો પર લેપ કરવાથી સ્તનોની વૃદ્ધિ થાય છે અને દૂધ વધે છે. નેત્રરોગોમાં તેનું અંજન કરવામાં આવે છે.
પાચનતંત્ર – અરુચિ, વમન, અગ્નિમાંદ્ય, અજીર્ણ, સંગ્રહણી, તૃષ્ણા અને કૃમિરોગમાં તેનો ઉપયોગ થાય છે. કૃમિમાં વધારે માત્રા અપાય છે.
રુધિરાભિસરણતંત્ર – તે રક્તવિકારોમાં ઉપયોગી છે.
શ્વસનતંત્ર – તેનો કાસ અને શ્વાસમાં ઉપયોગ થાય છે.
ઉત્સર્જનતંત્ર – તે મૂત્રકૃચ્છ્રમાં વાપરવામાં આવે છે.
પ્રજનનતંત્ર – તે રજોરોધ, સૂતિકારોગ અને સ્તન્યવિકારોમાં લાભદાયી છે.
ચેતાતંત્ર – મગજની દુર્બળતા અને અપસ્મારમાં તેના કલ્ક ગાયના દૂધમાં આપવામાં આવે છે.
ત્વચા – કંડૂ, પામા વગેરે ચામડીના રોગોમાં તેનું સેવન કરાવાય છે.
તાપમાન – વિવિધ પ્રકારના જ્વરમાં તે ઉપયોગી છે. તેનાથી જ્વર ઊતરી જાય છે. તૃષ્ણાનો ઉપદ્રવ શાંત થાય છે અને બળમાં વૃદ્ધિ થાય છે.
સ્વાંગીકરણ – દુર્બળતા અને અનેક પ્રકારના વિષમાં તેનો ઉપયોગ થાય છે.
વિશિષ્ટ પ્રયોગો :
(1) આગંતુક વ્રણમાં કેવડીમોથના બારીક ચૂર્ણને ગાયના ઘીમાં લસોટી ચોપડવાથી આગંતુક વ્રણ મટે છે.
(2) ઝાડામાં ભદ્રમોથ અને વાળની રાબડી લાભદાયી છે.
(3) કૃમિમાં મોથ, વાવડિંગ અને લીંડીપીપરનાં ચૂર્ણની ગોળમાં ગોળી બનાવી આપવાથી કૃમિરોગ મટી જાય છે.
(4) હેડકી ઉપર નાગરમોથનાં બીજ લઈ તેને આઠ ગણા પાણીમાં પલાળી રાખી પોચાં પડે એટલે કપડાથી ગાળી તેનું પાણી લગભગ 50 ગ્રા. જેટલું વારંવાર પીવાથી હેડકી બેસી જાય છે.
(5) મદાત્યય (alcoholism)ની તરસમાં મોથનો ક્વાથ પીવા અપાય છે; અથવા મોથ પાણીમાં ઉકાળી ઠંડું પાણી પીવા આપવામાં આવે છે.
(6) સન્નિપાત અને સંગ્રહણીમાં નાગરમોથ, અતિવિષ, બીલાં અને ઇન્દ્રજવનું ચૂર્ણ મધમાં પિવડાવાય છે.
(7) આમાતિસારમાં 20 મોથના વજનથી ત્રણ ગણું દૂધ અને તેટલા પાણીમાં દૂધ એકલું બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળી લઈ ઠંડું પડે ત્યારે પીવાથી આમાતિસાર અને ઉદરશૂલ મટે છે.
(8) કમળા ઉપર નાગરમોથનો રસ નાકમાં પાડવામાં આવે છે.
(9) પાકી ગયેલા ઝાડામાં મોથનો ક્વાથ મધ નાખીને પિવડાવાય છે.
(10) કફ અને ઉધરસ ઉપર નાગરમોથ અને લીંડીપીપરનું ચૂર્ણ સમભાગે મધ સાથે આપવામાં આવે છે.
(11) કફપિત્તજન્ય કાસ ઉપર મોથ અને મરીનો ઉકાળો ઉધરસમાં અપાય છે.
(12) કફજન્ય ઊલટી ઉપર કાકડાસીંગી અને મોથ આપવામાં આવે છે.
(13) કફજ્વર ઉપર નાગરમોથ, ધમાસો અને સૂંઠનો ક્વાથ આપવામાં આવે છે.
(14) પ્રમેહ અને મૂત્રઘાત ઉપર મોથ, હરડે, બહેડાં, આમળાં, હળદર, દારૂહળદર, મૂર્વા, ઇંદ્રામણનાં મૂળ અને લોધ્રનો ઉકાળો રોજ પિવડાવાય છે.
(15) પરમા ઉપર નાગરમોથનો ક્વાથ નવા પરમા માટે બહુ ગુણકારી છે. મોટી માત્રા આપવાથી તેનો જંતુનાશક ગુણ સ્પષ્ટ જણાય છે.
(16) સ્તરોગ ઉપર નાની મોથ અને કડવી વૃંદાવનની મૂળ ચોખાના ઓસામણમાં વાટી લેપ કરવાથી સર્વ પ્રકારના સ્તનરોગ મટે છે.
(17) અપસ્પારમાં મોથનું મૂળ બારીક વાટી એક રંગની ગાયના દૂધ સાથે પીવાથી અપસ્માર મટે છે.
(18) આંખમાં ફૂલાં, તિમિર રોગ અને રતાંધળાપણા ઉપર ભદ્રમોથને બકરીના મૂત્રમાં ઘસી અંજન કરાય છે.
(19) આંખમાં ચાંદુ (orncal ulcer) પડ્યું હોય તે ઉપર ઘીમાં શેકેલી મોથ ઘસી રાત્રે અંજન કરવાથી આંખનું વ્રણ 34 દિવસમાં મટી જાય છે.
(20) આધાશીશી ઉપર નાની જાતની નાગરમોથનાં લીલાં પર્ણો લઈ હાથ વડે મસળી મજબૂત ગોળી કરી દર્દીને જે ભાગમાં વેદના થતી હોય તે ભાગની ભમર ઉપરની મોટી રક્તવાહિની ઉપર તે ગોળી અંગૂઠા વડે લગાવી તે પછી ભાત અને દહીં આપવામાં આવે છે અને બે કલાક ઊંઘવા દેવામાં આવે છે. આ પ્રયોગ બે દિવસ કરવાનો હોય છે. ચોખાના ઓસામણમાં વાટી લેપ કરવાથી સર્વ પ્રકારના સ્તનરોગ મટે છે.
(21) અગ્નિવિસર્પમાં મોથના ઠંડા ક્વાથનો વેદનાવાળા ભાગ ઉપર સીંચન કરવામાં આવે છે.
(22) આગંતુક વ્રણ ઉપર કેવડી મોથના બારીક ચૂર્ણને ગાયના ઘીમાં લસોટી ચોપડવાથી આગંતુક વ્રણ મટે છે.
પ્રયોજ્ય અંગ કંદ
માત્રા – ચૂર્ણ- 36 ગ્રા.; ક્વાથ – 50–100 મિલી.
વિશિષ્ટ યોગ – મુસ્તકાદિ ક્વાથ, મુસ્તકારિષ્ટ, મુસ્તાદિચૂર્ણ, મુસ્તાદિ લેહ, ખડંગપાનીય.
આડઅસરો – (1) કબજિયાત દરમિયાન મોથનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. (2) તે વાતદોષમાં વૃદ્ધિ કરે છે.
भद्रमुस्ता कषाया च तिक्ता शीता च पाचनी ।
पितज्वरकफघ्नी च ज्ञेया संग्रहणी च सा ।।
तिक्ता ‘नागरमुस्ता’ कटु कषाया च शीतला कफनुत् ।
पितज्वरातिसारारुचितृष्णादाहनाशिनी श्रमद्रुत् ।।
રાજ નિઘંટુ
બળદેવભાઈ પટેલ
ભાલચન્દ્ર હાથી