મોતી વેરાણાં ચોકમાં : રામજીભાઈ વાણિયા-લિખિત નાટક. વ્યવસાયી રંગભૂમિ તથા અર્વાચીન રંગભૂમિ તેમજ લોકભવાઈ અને લોકસંગીત વગેરે જેવાં નાટ્યસહજ તત્વોના સફળ સમન્વયથી રચાયેલી પ્રેક્ષણીય કૃતિ. તેના કથાનકના ઘટનાપ્રસંગો લેખકને ધૂળધોયા લોકવરણનાં જીવતાં પાત્રો પાસેથી સાંપડ્યાં છે. નાટકની નાયિકા ગલાલને બચપણથી જ નેડો લાગ્યો છે ગીત સાથે. વિધિની વક્રતા એ છે કે આવી નાચતી-ગાતી ગલાલનો પરણેતર હોય છે શુષ્ક શબ્દો સાથે જીવનાર, વંશાવળીના ચોપડામાં ડૂબેલ વહીવંચો બીજલ બારોટ, જેના કુળની પરંપરા પ્રમાણે આંગણામાં ગીત ગાવા સામે નિષેધ હોય છે. આવો બીજલ બારોટ ઓળખી નથી શકતો ગલાલના ગીતઘેલા કસુંબલ હૈયાને. મહિનાઓ સુધી પરદેશમાં ભટકતા પતિ પાસે ગલાલ મંગાવે છે પોટલું ભરીને ગીતો. એકાન્તિક સપનાંનાં વાવેતર કરનાર ગલાલ પતિના પરદેશગમન પછી એકલી એકલી કંટાળે છે ને ગામમાં આવેલ ભવાઈ મંડળીનો વણજારાનો વેશ જોવા મર્યાદા ઓળંગીને નીકળી પડે છે. આ વેશમાં વણજારાના વિયોગે વિલાપ કરતી વણજારણમાં તે પોતાની છબી નિહાળે છે. ને તે વણજારણ પાછળ ઓળઘોળ થાય છે. વણજારણનો વેશ આબાદ રીતે ભજવનાર માધવો માણીગર ભવાઈકલાનો માહિર કલાકાર છે. એની વણજારીની પાત્ર-ભજવણીથી ગલાલ મોહ પામે છે. એ એની પાછળ બારોટ કુટુંબની માનમર્યાદા મૂકીને ચાલી નીકળે છે.
નાટ્યાત્મક વક્રોક્તિ એ છે કે ધંધાર્થે બહારગામ ભટકતા બીજલ બારોટને પરણેતર ગલાલના હૈયાની ઓળખ થાય છે. એ ગીતોની ફાળ ભરીને પરણેતરને દેવા પાછો ફરે છે. ડેલીએ પગ મૂકતાં એ સમાચાર સાંભળે છે. એનું હૈયું ભાંગી જાય છે. ફાળિયે બાંધેલ ગીતરૂપી મોતીડાં ફળિયામાં વેરાઈ જાય છે. આ તરફ વણજારીનો વેશ કરનાર માધવા માણીગર પર સમાજનો ફિટકાર વરસે છે. કોકની પરણેતરને ભગાડી જવાનું આળ તેના પર લાગે છે, જેના આઘાતથી એ સંવેદનશીલ કલાકાર વેશ ભજવવાનું બંધ કરે છે. એ વણજારીનો વેશ ઉતારે છે, પગના ઘૂઘરાને છોડી નાખે છે. ગલાલ માટે આ આઘાતજનક ઘટના બને છે; કેમ કે વણજારીના વેશપ્રયોગથી ખેંચાઈને એ આવી હતી. ગલાલના હૈયાનાં ગીત-મૌક્તિકો સમાજના ચોકમાં વેરાઈ જવાની આ બીજી ઘટના ઘટે છે.
ગુજરાતના લોકજીવનના અબોલ હૈયાના જોગ-વિજોગના આ કથાનકના કેટલાક સંવાદો લેખકે મગો બારોટ, ગલાલ માસી અને જાનાબાઈના મુખેથી સાંભળ્યા છે.
અસલ તળ કાઠિયાવાડી બોલીનો ઉપયોગ, ભવાઈ-શૈલીનું નવતર મંચન, લોકનૃત્યોની અનોખી રજૂઆત જેવાં પ્રેક્ષણીય નાટ્યતત્વોનો સમન્વય કરીને એક સભાન રંગકર્મી લેખકે લખેલ આ નાટક ગુજરાતી લોકસાહિત્યવિષયક નાટકોમાં મૌલિક ભાત પાડે છે.
ઇન્ડિયન નૅશનલ થિયેટરના ઉપક્રમે 1970માં મુંબઈમાં તેની સૌપ્રથમ રજૂઆત થઈ અને 1970ના જ દાયકામાં તેના 50 ઉપરાંત પ્રયોગો થયા હતા.
દેવેન શાહ