મોઢા, દેવજી રા. (જ. 8 મે 1913 પોરબંદર; અ. 21 નવેમ્બર 1987, પોરબંદર) : ગુજરાતી કવિ. ઉપનામ ‘શિરીષ’. 1930માં મૅટ્રિક; મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી એમ. એ. થયા. કરાંચીમાં શારદામંદિર શાળામાં શિક્ષક, પરંતુ ભારતના વિભાજન પછી વતનમાં વસવાટ. પોરબંદરના નવયુગ વિદ્યાલયના આચાર્ય. એમની શિક્ષણકાર તરીકેની પ્રશસ્ત કામગીરીને લક્ષમાં લઈ 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય ઍવૉર્ડ. 1977માં નિવૃત્ત.
પોરબંદરના ગાંધીયુગના મહત્વના 3 કવિઓમાં રતિલાલ છાયા અને સુધાંશુ ઉપરાંત એમની ગણતરી પણ થાય છે. ગાંધીમૂલ્યોનાં વિધાયક પરિબળો એમની રચનામાં હંમેશાં હાજર રહ્યાં છે. વળી શિક્ષક તરીકેની એમની સાદગી અને સરલતાનો પ્રભાવ પણ એમની કાવ્યરચનાઓમાં ઝિલાયો છે. આથી એમની રચનાઓ ઘણુંખરું શિક્ષણના ઉત્તમ ઉપકરણ તરીકે સિદ્ધ થાય તેવી સુગમ અને સુબોધક રહી છે. પ્રથમ વાચને જ સમજાઈ જાય છે તેવો આમજનતાનો વર્ગ એમનો લક્ષ્ય વાચક છે. આમ છતાં પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રયાણ’(1951)માં એમણે ટકોર કરેલી કે ‘મારાં કાવ્યો અતિ સુબોધ છે અને સુબોધતા જ એનો દોષ ન ગણાઈ જાય એટલું માગું છું.’ ‘પ્રયાણ’ સંગ્રહથી જ થોડોક વિચાર, થોડુંક ચિંતન, થોડી સંયત લાગણી અને થોડીક કલ્પના સાથે થોડોક તણખો વેરતી એમની કવિતાનું કલેવર લગભગ નિશ્ચિત થઈ ગયેલું જોવાય છે.
સાદી વાત, સાદો ભાવ અને રોજબરોજની તળપદી લાગણીઓને એમણે આછા ચમત્કાર સાથે વાચા આપી છે. એમની રચનાઓમાં એક પ્રકારની સ્વાભાવિકતા અને સાહજિકતા છે. સમુદ્ર જો એમના સંવેદનનું સતત વાહન રહ્યો છે, તો સ્વજનોના મૃત્યુનો આઘાત તેમના સંવેદનને સતત સંકોરતો રહ્યો છે. એમની રચનાઓ ભજનિકોની પરંપરા સાથે પણ નાતો રાખે છે; એથી ગુરુશિષ્યભાવનો સંદર્ભ પણ ક્યારેક રોચક રીતે પ્રવેશ્યો છે. કૃષ્ણ-રાધાનાં પાત્રોની આસપાસના એમના કેટલાક ગીત-ઉન્મેષો નોંધપાત્ર છે. ગીતોમાં ઉછાળને સ્થાને માર્મિક સંયમ છે. અને એમની પદ્યરચનાઓ પ્રમાણમાં સાફસૂથરી છે.
‘પ્રયાણ’ ઉપરાંત ‘શ્રદ્ધા’ (1957), ‘આરત’ (1959), ‘અનિદ્રા’ (1962) જેવા કાવ્યસંગ્રહો સ્પષ્ટ કરે છે કે એમની અભિવ્યક્તિનાં મુખ્ય સ્વરૂપો ગીત અને મુક્તક રહ્યાં છે. ‘વનશ્રી’ (1963) એમની 51મા વર્ષની ઉજવણી નિમિત્તે અથવા સંગ્રહોમાંથી પસંદ કરેલી 51 રચનાઓનું સંપાદન છે. ‘રાધિકા’(1969)માં પૂર્વપ્રકાશિત સંગ્રહોમાંથી રાધા-કૃષ્ણની રચનાઓ ઉપરાંત કેટલીક નવી લખાયેલી રચનાઓનું સંકલન છે, તો ‘શિલ્પા’ (1973) પણ 100 સૉનેટોનો સંગ્રહ છે જેમાંનાં ઘણાં બધાં સૉનેટો પૂર્વે પ્રકાશિત સંગ્રહમાંથી જ લેવામાં આવ્યાં છે. ‘અમૃતા’ (1982) એમનો છેલ્લો સંગ્રહ છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા