મૉડ્યૂલ (module) : મકાન કે તેના ભાગોના પ્રમાણના નિયમન માટેનું માપ-એકમ. આ શબ્દ મૂળમાં લૅટિન ‘મૉડસ’ એટલે કે માપ ઉપરથી ‘મૉડ્યુલસ’ને આધારે ઊતરી આવ્યો છે.

પ્રશિષ્ટ સ્થાપત્યમાં આ શબ્દ વિદ્રુવિયસે તેમના ‘દ આર્કિટેક્ચુરા’માં સ્થાપત્યના નિયમો પ્રયોજવા માટે વાપર્યો હતો; તેમણે પ્રયોજેલું માપ-એકમ આ પ્રમાણે હતું : સ્તંભના મુખ્ય ભાગના તળિયાનો વ્યાસ અથવા ત્રિજ્યા એ બેમાંથી કોઈ પણ કિસ્સામાં તેમના માપને મિનિટ વડે ભાગવામાં આવતું, જેથી 60 મિનિટનો પૂર્ણ વ્યાસ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. આધુનિક સ્થાપત્ય-પદ્ધતિમાં અનુકૂળ એકમ સ્વીકારવામાં આવ્યો છે. તે 4 ઇંચ અથવા 10 સેન્ટિમીટરનો છે. તેના આધારે જ મકાનોનાં તમામ પરિમાણ તથા અંગભૂત ઘટકો પ્રયોજવાના હોય છે. આ એકમ અપનાવવાથી માનક-નિર્ધારણ તથા પૂર્વનિર્મિત ભાગો (prefabrication) તૈયાર કરાતાં સમયની કરકસર તથા બાંધકામની ગુણવત્તા હાંસલ કરવામાં ઘણી સુગમતા સાંપડી છે.

સ્નેહલ શાહ

અનુ. મહેશ ચોકસી