મોડિગ્લિયાની, ફ્રાંકો (જ. 18 જૂન 1918, રોમન; અ. 25 સપ્ટેમ્બર 2003 કેમ્બ્રિજ) : ઇટાલીમાં જન્મેલા પરંતુ અમેરિકાના કાયમી વસવાટ માટે સ્થળાંતર કરી ગયેલા અગ્રણી અર્થશાસ્ત્રી. તેમને અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે.
1939 તેમણે ફૅસિસ્ટ સત્તા હેઠળના ઇટાલીનો ત્યાગ કરી અમેરિકા જતા રહ્યા હતા. તે પૂર્વે 1939માં તેમણે રોમ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. 1944માં તેમણે ન્યૂસ્કૂલ ઑવ્ સોશિયલ રિસર્ચમાંથી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. 1944–49 દરમિયાન તે જ સંસ્થામાં તેમણે અધ્યાપન કાર્ય કર્યા બાદ 1949–52 દરમિયાન શિકાગો યુનિવર્સિટીમાં કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી હતી. 1952–60 દરમિયાન કાર્નેજ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં 1960–62ના ગાળામાં નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં અને ત્યાર બાદ એમ.આઈ.ટી.માં પ્રોફેસર ઑવ્ ઇકૉનૉમિક્સના પદ પર કામ કર્યું હતું. 1976માં તેઓ અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખ ચૂંટાયા હતા. તેમના વિચારોનો પ્રભાવ અર્થશાસ્ત્રની બહાર પણ જોવા મળે છે. મોડિગ્લિયાનીએ લોકોની વપરાશ અંગે સૈદ્ધાંતિક તેમજ અનુભવાશ્રિત અભ્યાસો કર્યા છે. તે ઉપરાંત આર્થિક સ્થિરતાના સંદર્ભમાં નાણાકીય નીતિના વિષયમાં તેમનું પ્રદાન છે.
1985માં તેમને અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. એ પારિતોષિક અર્થશાસ્ત્રના સિદ્ધાંતમાં તેમણે કરેલાં બે મહત્વનાં પ્રદાન માટે આપવામાં આવ્યું હતું. એક તો તેમણે લોકોના વપરાશના ખર્ચ માટે જીવનચક્રની પરિકલ્પના (life cycle hypothesis) રજૂ કરી. તેમની આ પરિકલ્પના તેમના પુરોગામી નોબેલ પારિતોષિકવિજેતા મિલ્ટન ફ્રીડમૅનની કાયમી આવકની પરિકલ્પનાને ઘણી મળતી આવે છે. મોડિગ્લિયાનીએ તેમની જીવનચક્રની પરિકલ્પનામાં એવી રજૂઆત કરી છે કે વ્યક્તિની વર્તમાન વપરાશનો આધાર તેની વર્તમાન ખર્ચવાયોગ્ય આવક ઉપર નથી, પરંતુ વ્યક્તિને તેના સમગ્ર જીવન દરમિયાન મળનારી અપેક્ષિત આવક પર છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિ તેના જીવનના ક્રિયાશીલ સમય દરમિયાન એવી રીતે બચત કરવાનું પસંદ કરે છે, જેથી નિવૃત્તિકાળ દરમિયાન પણ ખર્ચના પ્રવાહને પૂર્વવત્ સ્તરે જાળવી શકાય. આ રીતે વ્યક્તિની લાંબા ગાળાની વપરાશ અસ્કામતો યા સંપત્તિમાં રૂપાંતરિત તેની સંચિત બચતો પર અવલંબે છે. આમ વ્યક્તિના વપરાશખર્ચની સપાટી નક્કી કરવામાં વ્યક્તિની અસ્કામતોનું મૂલ્ય નિર્ણાયક ભૂમિકા ભજવે છે તે મુદ્દા પર તેમણે ભાર મૂક્યો.
તેમનું બીજું પ્રદાન મોડિગ્લિયાની-મિલર પ્રમેય (Modigliani-Miller’s theorem) તરીકે ઓળખાય છે. આ પ્રમેય કૉર્પોરેશનોની વિત્તીય પસંદગીની સમજૂતી આપવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્રમાં સૈદ્ધાંતિક સ્તરે એવી રજૂઆત કરવામાં આવી છે કે પૂર્ણ મૂડીબજાર(perfect capital market)માં નાણાં ઊભાં કરવા માટે કોઈ પણ પદ્ધતિ અપનાવવામાં આવે, તે ખર્ચની રીતે સમાન હોય છે. વ્યવહારમાં પેઢીઓ વિવિધ માર્ગોએ મૂડી મેળવતી હોય છે; દા.ત., તેઓ શૅર બહાર પાડે છે, ધિરાણ દ્વારા નાણાં મેળવે છે, ડિવિડંડ વહેંચવાનું મુલતવી રાખીને નફાનું મૂડીમાં પરિવર્તન કરે છે. આ સંદર્ભમાં મોડિગ્લિયાની-મિલર પ્રમેય એમ જણાવે છે કે પૂર્ણ મૂડીબજારમાં મૂડી ઊભી કરવા માટે પેઢી કયા માર્ગો અપનાવે તે મૂડી ઊભી કરવાના ખર્ચના સંદર્ભમાં મહત્વનું નથી, પરંતુ મૂડીબજાર અપૂર્ણ હોવાથી અને રાજ્ય દ્વારા વેરા નાંખવામાં આવતા હોવાથી પેઢીઓ (કૉર્પોરેશનો) મૂડી ઊભી કરવાના માર્ગોની પસંદગીની બાબતમાં તથા ડિવિડંડની ચુકવણી અંગેની નીતિ પસંદ કરવાની બાબતમાં સતર્ક રહે છે.
મોડિગ્લિયાની નિર્વિવાદ રીતે કેઇન્સવાદી અર્થશાસ્ત્રી હોવા છતાં જેમણે નાણાકીય નીતિનું મહત્વ સ્વીકાર્યું હોય તેવા તેઓ પ્રથમ કેઇન્સવાદી અર્થશાસ્ત્રી છે. તેમના સંખ્યાબંધ લેખો અર્થશાસ્ત્રનાં પ્રતિષ્ઠિત સામયિકો અને પુસ્તકોમાં પ્રગટ થયા છે. એમના લેખોનો સંચય અલાયદા પુસ્તક રૂપે પણ પ્રગટ થયો છે. તેઓ અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં અર્થશાસ્ત્રના અધ્યાપક છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
પરાશર વોરા