મૉડેલ, વાલ્ટર (જ. 1891; અ. 21 એપ્રિલ 1945) : જર્મનીના નાઝી લશ્કરના બાહોશ સેનાપતિ અને હિટલરના વિશ્વાસુ સાથી. નાઝી શાસન હેઠળ લશ્કરના જે અધિકારીઓને ઉચ્ચ હોદ્દાઓ પર વિશેષ બઢતીઓ આપવામાં આવી હતી તેમાં જનરલ મૉડેલનો સમાવેશ થયો હતો. લશ્કરના વરિષ્ઠ અધિકારી તરીકે તેમની કારકિર્દી બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ધ્યાનાર્હ રહી હતી. 1939માં પોલૅન્ડ પર નાઝી સેનાઓએ આક્રમણ કર્યું ત્યારે ચોથી અગ્રિમ ટુકડી(4th corps)ના ચીફ ઑવ્ સ્ટાફ તરીકે તેનું નેતૃત્વ મૉડેલને સોંપવામાં આવ્યું હતું. પોલૅન્ડના મોરચે તેમની સફળ કામગીરીને ધ્યાનમાં લઈ 1940માં ફ્રાન્સ પરના નાઝી આક્રમણ વખતે તેનું નેતૃત્વ પણ મૉડેલને સોંપવામાં આવ્યું હતું. 1941માં હિટલરે સોવિયેત સંઘના પ્રદેશ પર આક્રમણ કર્યું ત્યારે તેનું નેતૃત્વ પણ મૉડેલને જ સોંપવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 1941માં કીવના મોરચે લડતા સોવિયેત લશ્કરને ઘેરો ઘાલી કીવના આસપાસના વિશાળ વિસ્તાર પર નાઝી ધ્વજ ફરકાવવાનો જશ પણ મૉડેલના ફાળે જ જાય છે. 1942માં તેમને ફરી બઢતી આપી નાઝી લશ્કરની મોટી ટુકડી(9th army)નું સેનાપતિ-પદ આપવામાં આવ્યું. 1943ની વસંતઋતુમાં કર્સ્ક (Kursk) પ્રદેશ પર આક્રમણ કરવાની યોજના અન્ય નાઝી સેનાપતિઓ દ્વારા ઘડાતી હતી ત્યારે અપૂરતા નાઝી સંખ્યાબળને ધ્યાનમાં લઈ મૉડેલ એકલાએ તે અભિયાનનો વિરોધ કર્યો હતો. હિટલરે મૉડેલના મતને ટેકો આપી નાઝી લશ્કર પાસે પૂરતું સંખ્યાબળ ન હોય ત્યાં સુધી તે અભિયાન મુલતવી રાખવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે દરમિયાન સોવિયેત લશ્કરને સંભવિત નાઝી આક્રમણ સામે મોરચાબંધી કરવાની તક મળવાથી જુલાઈ 1943માં નાઝી લશ્કરે જ્યારે સોવિયેત લશ્કરની અગ્રિમ હરોળ પર આક્રમણ કર્યું ત્યારે નાઝી લશ્કરની મોટા પાયા પર ખુવારી થઈ, જેના માટે કેટલાંક નાઝી લશ્કરી વર્તુળોમાં મૉડેલની વ્યૂહરચનાની ભારે ટીકા કરવામાં આવી. પરિણામે યુદ્ધના એક મોરચા પરથી બીજા મોરચા પર મૉડેલની વારંવાર બદલીઓ કરવામાં આવી. છેવટે માર્શલ ઝુકોવના નેતૃત્વ હેઠળ પોલૅન્ડ તરફ આગળ વધી રહેલા સોવિયેત લશ્કરને ખાળવાની કપરી જવાબદારી મૉડેલને સોંપવામાં આવી, જેમાં 1944ના શિયાળામાં તેને સફળતા પણ મળી. પોતાના હાથ નીચેના સેનાપતિઓ અને સર્વસામાન્ય સૈનિકોને યોગ્ય નેતૃત્વ પૂરું પાડી તેમને પ્રોત્સાહિત કરવાની કળા મૉડેલમાં હતી. તે આ અભિયાન વખતે ફરી વાર સાબિત થતાં ઑગસ્ટ, 1944માં મૉડેલને નાઝી લશ્કરની પશ્ચિમી કમાનના સરસેનાપતિ-પદે બઢતી કરવામાં આવી; પરંતુ ત્યાં સુધી તો નાઝી લશ્કરને બીજા વિશ્વયુદ્ધમાં પરાજયનો સામનો કરવો પડશે એવાં સ્પષ્ટ ચિહનો દેખાવા લાગ્યાં, ને તેનો મૉડેલને અગાઉથી જ અંદાજ મળી ગયો હતો. તેમ છતાં મૉડેલ હસ્તકની લશ્કરી ટુકડીઓએ વફાદારીપૂર્વક માત્ર લડવાનું જ નહિ પરંતુ નવા મોરચા ખોલવાનું પણ ચાલુ રાખ્યું. ડિસેમ્બર, 1944માં તેમણે આર્ડેન્સના મોરચા પર જોરદાર આક્રમણ કર્યું ખરું. પરંતુ બાકીના મોરચા પર જર્મન લશ્કરની ટુકડીઓને કારમા પરાજયનો સામનો કરવો પડતો હતો. તે જાણીને મૉડેલને ખાતરી થઈ ચૂકી કે જર્મનીને હવે હાર સ્વીકારવાની જ રહી. છેવટે મૉડેલની ટુકડીઓ પણ રૂહરના પ્રદેશમાં ઘેરાઈ ગઈ હતી. ભૂતકાળમાં બે વર્ષ પહેલાં (1942માં) જ્યારે પૉલસ નામના સેનાપતિ દ્વારા સ્ટાલિનગ્રાડના મોરચે શરણાગતિ સ્વીકારવાનું કહેવામાં આવ્યું ત્યારે મૉડેલે કહ્યું હતું કે કોઈ પણ સેનાપતિ માટે શરણાગતિ સ્વીકારવી એ એક અચિંત્ય (unthinkable) પગલું ગણાય. હવે મૉડેલ પોતે જ શરણાગતિ સ્વીકારવાના સંજોગોનો સામનો કરી રહ્યા હતા. તેમને જ્યારે અમેરિકાના સેનાપતિ જનરલ રિજવેનો શરણાગતિ સ્વીકારવા અંગેનો સંદેશો પહોંચાડવામાં આવ્યો (જેથી તે પોતાના સૈનિકોની વધુ ખૂન-ખરાબી ટાળી શકે.) ત્યારે મૉડેલે તેમ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો અને શરણાગતિ સ્વીકારવાને બદલે તેઓ પોતાની રિવૉલ્વરથી મૃત્યુને ભેટ્યા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે