મોડક, તારાબહેન (જ. 19 એપ્રિલ 1892, મુંબઈ; અ. 31 ઑગસ્ટ 1973, કોસબાડ, મહારાષ્ટ્ર) : ભારતમાં મૉન્ટેસોરી પદ્ધતિ અને બાળશિક્ષણનો પાયો નાખનાર એક અગ્રણી કેળવણીકાર, બાળસાહિત્યલેખિકા અને ગિજુભાઈ બધેકાનાં સાથી. પિતા સદાશિવરાવ; માતા ઉમાબાઈ. તેઓ બંને પ્રાર્થના સમાજમાં જોડાયેલાં અને સામાજિક સેવામાં પ્રવૃત્ત રહેતાં. બાળપણ ઇન્દોરમાં. તારાબહેન 1909માં મૅટ્રિક થયાં. ત્યારપછી 1914માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી તત્વજ્ઞાનના વિષય સાથે બી.એ.ની ડિગ્રી મેળવી. એ જ વર્ષે અમરાવતીમાં વકીલાત કરતા કૃષ્ણરાવ મોડક સાથે લગ્ન કર્યા પછી ત્યાંની સરકારી કન્યાશાળામાં જોડાયાં. ત્યારબાદ તેઓ 1921માં ભાવનગરની ‘બાર્ટન ટ્રેનિંગ કૉલેજ ફૉર ફીમેલ’માં આચાર્યા તરીકે જોડાયાં.
તેમની પુત્રી પ્રભાના શિક્ષણની ચિંતામાં તેઓ ભાવનગરમાં ગિજુભાઈ બધેકાને મળવા ગયાં. ટેકરાવાળા બાલમંદિરમાં બાળકો સાથે નાચતાકૂદતા ગિજુભાઈને જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયાં. તે સ્થળે તેમને મૉન્ટેસોરી પદ્ધતિનો પ્રથમ પરિચય થતાં કૉલેજનાં આચાર્યાની ઊંચા પ્રકારની નોકરીનો તેમણે ત્યાગ કર્યો અને ઓછા વેતનવાળી દક્ષિણામૂર્તિ સંસ્થાની બાળકેળવણીવિષયક પ્રવૃત્તિમાં જોડાઈ ગયાં.
1925–26માં બાળકેળવણી અંગે શિક્ષકોને તાલીમ આપવા ગિજુભાઈ સાથે અધ્યાપનમંદિર શરૂ કર્યું અને તેઓ તેનાં ગૃહમાતા બન્યાં. ‘શિક્ષણ-પત્રિકા’ નામનું માસિક શરૂ કર્યું; તે ઉપરાંત તેમણે ‘દક્ષિણામૂર્તિ’ ત્રૈમાસિકનું સંપાદન પણ કરેલું. પછી નૂતન શિક્ષણ સંઘની સ્થાપના કરી, જેમાં તેમણે સહમંત્રી તરીકેની જવાબદારી સંભાળી. બાલશિક્ષણના કાર્યમાં ગિજુભાઈ સાથે તેઓ એટલાં બધાં ઓતપ્રોત બની ગયાં કે ગુજરાતમાં વર્ષો સુધી એકબીજાંનો પર્યાય બની રહ્યાં. તારાબહેન જેવાં કર્મઠ સાથી મળતાં ગિજુભાઈનું કાર્ય વધુ દીપી ઊઠ્યું.
ત્યારબાદ તેમણે મુંબઈ આવીને દાદર ખાતે ‘શિશુવિહાર’ નામની સંસ્થા શરૂ કરી. ત્યાં તેમણે બાલમંદિર તથા અધ્યાપનમંદિરનું સંચાલન કર્યું. ગિજુભાઈના અવસાન બાદ નૂતન બાલશિક્ષણ સંઘનું સુકાન તેમણે સંભાળ્યું. તે ઉપરાંત તેમણે હિંદી, મરાઠી અને ગુજરાતી ભાષામાં ‘શિક્ષણપત્રિકા’નું સંપાદન કર્યું.
1945માં પંચગીનીમાં તેઓ ગાંધીજીને મળ્યાં, અને મેડમ મૉન્ટેસોરીએ બાળકેળવણી માટે નિર્માણ કરેલાં સાધનોના પ્રત્યક્ષ પ્રયોગોનું તેમની સમક્ષ 2 કલાક સુધી નિર્દેશન કરીને બાપુને પ્રભાવિત કર્યા. બાપુના સૂચનને અનુસરીને તેમણે થાણા જિલ્લાના બૉસ્કી ગામની પસંદગી કરી; પૂર્વતૈયારી માટે અનુતાઈ વાઘને મોકલ્યાં અને તેમાં પાછળથી ભગવતીપ્રસાદ તથા રામભાઈ પાઠક પણ જોડાયા હતા.
સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ સંશોધન કરીને તેમણે તથા તેમના સાથીદારોએ આંગણવાડીનું કાર્ય આરંભ્યું. અથાક પરિશ્રમ અને શ્રદ્ધાથી ગરીબોનાં બાળકોની કેળવણીનું કાર્ય ચાલુ રાખીને તેઓએ બાળકોનાં મૉન્ટેસોરી બન્યાં. ગિજુભાઈએ ભાવનગરમાં બાલમંદિર ચલાવ્યું, જુગતરામે બાલવાડી અને તારાબહેને આંગણવાડી ચલાવ્યાં અને એ રીતે બાળશિક્ષણમાં ઉત્તમ કાર્ય કર્યું. બોરડીમાં તારાબહેને બાલશિક્ષા કેન્દ્ર નામની સંસ્થાની સ્થાપના કરી. તેમના ભારે પુરુષાર્થના ફળસ્વરૂપે ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાં બાલમંદિરોની શરૂઆત થવા લાગી.
આંગણવાડીના 7 વર્ષના અનુભવ પરથી તેમણે એક વિસ્તૃત યોજના તૈયાર કરીને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર મારફત 1956માં ભારત સરકાર સમક્ષ રજૂ કરી. 1957માં ‘વિકાસવાડી’ની યોજના મંજૂર થઈ. પછી તેમણે બોરડીથી આદિવાસી વિસ્તારની કોસબાડની ટેકરી પર અનુતાઈ વાઘ સાથે સ્થળાંતર કરી ત્યાં કેળવણીના કેટલાક કાર્યક્રમો હાથ ધર્યા.
1939માં મેડમ મૉન્ટેસોરી ભારત આવીને દસેક વર્ષ રહ્યાં અને તેમની શિક્ષણપદ્ધતિઓનો પ્રચાર કર્યો. તારાબહેનને એમના સહવાસનો તથા એમણે શરૂ કરેલા એડવાન્સ્ડ મૉન્ટેસોરી અભ્યાસક્રમનો લાભ મળ્યો. તદનુસાર તેમણે તેમના કાર્યકરો તથા વિદ્યાર્થીઓને તાલીમ આપી. 1948માં તેમણે મુંબઈની વિલ્સન કૉલેજમાં ‘બાલશિક્ષણ નગર’ યોજેલું; તે જોઈ મેડમ મૉન્ટેસોરી ખૂબ પ્રભાવિત થયેલાં.
ગિજુભાઈ તથા તેમના સહકાર્યકરોના પુરુષાર્થથી ભારતમાં મૉન્ટેસોરી પદ્ધતિનો ખૂબ પ્રચાર વધ્યો; એટલું જ નહિ, પણ દેશનાં મોટાભાગનાં બાલમંદિરો મૉન્ટેસોરી શાળાના નામે ઓળખાવા લાગ્યાં. બીજા દેશોમાં તેમ ઇટાલીમાં પણ એ કિંડરગાર્ટન પદ્ધતિને નામે ઓળખાય છે.
તારાબહેને કરેલા ભગીરથ કાર્યના ગૌરવ રૂપે તેઓ ‘ભારતનાં માદામ મૉન્ટેસોરી’નું બિરુદ પામ્યાં. 1962માં તેમને આદિવાસી પ્રજામાં બાલશિક્ષણનું સુંદર કાર્ય કરવા બદલ ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યાં. એ જ વર્ષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી યશવંતરાવ ચવાણે તેમને એક લાખ રૂપિયાની થેલી અર્પણ કરી તેમનું બહુમાન કર્યું.
1979માં ઇન્ડિયન કાઉન્સિલ ફૉર એજ્યુકેશન ડેવલપમેન્ટ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેમના શિક્ષણકાર્યને બિરદાવતું પુસ્તક ‘ગ્રોઇંગ ઍટ કોસબાડ હિલ’ પ્રકટ કર્યું હતું. કેન્દ્ર સરકારે તેમનાં બે અંગ્રેજી પુસ્તકો ‘બાલવાડી : રૂરલ એરિયા’ અને ‘કુરણશાળા’ એટલે ઝાડ નીચે ગોવાળિયાની શાળાના પ્રયોગ પરનું પુસ્તક ‘ધ મેડો સ્કૂલ’ પ્રકટ કર્યાં છે. આ ઉપરાંત તેમણે પ્રકટ કરેલાં પુસ્તકોમાં ‘આપણું ઘર’; ‘બિચારાં બાળકો’; ‘બાળકોના હક’; ‘બાલવિકાસ અને શિસ્ત’ મુખ્ય છે.
વળી તેમણે ગિજુભાઈ બધેકા સાથે મળીને ‘પાઠપોથી ગ્રંથમાળા’; ‘પશુપંખી ગ્રંથમાળા’; ‘જ્ઞાનવર્ધક ગ્રંથમાળા’; ‘જીવનપરિચય ગ્રંથમાળા’ અને ‘કથાનાટ્ય ગ્રંથમાળા’ જેવી અનેક ગ્રંથમાળાઓની રચના કરી હતી. ‘બાળકોનાં રમકડાં’ (1927); ‘બાળવાર્તાની વેણીઓ’ (1929); ‘બાલચારિત્ર્ય’ (1929); ‘મંગેશનો પોપટ’ (1929); ‘છાણાં થાપી આવ્યાં’ (1929); ‘ગિરિશિખરો’ (1929); ‘ચરિત્રકથન’ (1929); ‘બાલપ્રેમ’ (1929); ‘બાળકની માગણી અને હઠ’ (1929); ‘ઘરમાં મૉન્ટેસોરી’ (1929) વગેરે તેમનાં અન્ય ઉલ્લેખનીય પુસ્તકો છે.
બળદેવભાઈ કનીજિયા