મોટો કાજિયો (Large Cormorant) : ભારતનું નિવાસી અને સ્થાનિક યાયાવર પંખી. Pelecaniformes શ્રેણીના અને Phalacrocoracidae કુળનું પંખી. તેનું શાસ્ત્રીય નામ : Phalacrocorax carbo. તેનું કદ આશરે 80 સેમી.થી 92 સેમી. સુધીનું હોય છે.
તે રંગમાં કાળા બતક જેવું છે. તેની પ્રજનનઋતુ ઑગસ્ટથી ફેબ્રુઆરીની ગણાય છે. ત્યારે તેનો રંગ સંપૂર્ણ કાળો થઈ જાય છે; પરંતુ સામાન્ય રીતે તેની દાઢી ધોળી હોય છે અને બંને પડખાંના પાછલા ભાગમાં સફેદ ધાબું હોય છે. આને લીધે તે નાના કાજિયાથી અલગ તરી આવે છે.
માથે નાની કલગી હોય છે. તેની લાંબી ડોક આસપાસ નરમ અને સફેદ એવાં થોડાં પીંછાં હોય છે. પૂંછડી પણ લાંબી હોય છે. ચાંચ જરા ચપટી અને છેડે વળેલી હોય છે. ચાંચની આસપાસ અને નીચે પીળી ચામડી હોય છે. પગની આંગળીઓ ચામડીથી જોડાયેલી હોય છે.
નર અને માદા એકસરખાં હોય છે. જળાશયોના કિનારે પાળ ઉપર કે ઝાડ કે પથરાઓ ઉપર ટોળામાં ટટ્ટાર બેઠેલાં જોવા મળે છે. 50થી 60ના ટોળામાં પાણીમાં ઝડપભેર તરતાં તરતાં વારંવાર ડૂબકી મારી માછલીઓ પકડે છે. તે માછલીઓને આગળ ધકેલતાં જઈ તેમનો શિકાર કરે છે. પાણીમાંથી અવકાશમાં ચડતી વખતે પાંખ ફફડાવતાં પાણીની સપાટી પર થોડું દોડ્યા પછી તેઓ હવામાં ઊડે છે. તેની ઉડાન ઝડપી હોય છે. તે તેની ડોક આગળ લંબાવીને એક લાંબી હરોળમાં અથવા કુંજની માફક અંગ્રેજી ‘વી’ આકારમાં ઊડે છે. તેને તૈલગ્રંથિ હોતી નથી, તેથી તેનાં પીંછાં પાણીમાં ભીનાં થાય છે. તેમને સૂકવવા માટે તે પાંખો પહોળી કરીને ટટ્ટાર બેસે છે. માછલી તેનો મુખ્ય ખોરાક છે.
તે માળા બાંધવામાં સમૂહચારી છે. ઢૉક, કાંકણસાર, બગલાં વગેરેની સાથે વૃક્ષો પર સાંઠીકડાં ગોઠવીને તે છીછરા માળા બનાવે છે. તેમાં 4થી 5 લીલાશ પડતાં વાદળી ઈંડાં મૂકે છે. તેમનાં બચ્ચાં ઉપરથી બદામી અને નીચેથી ધોળાશ પડતાં હોય છે. નર અને માદા ઈંડાંને 28–29 દિવસ સુધી સેવે છે.
બળદેવભાઈ કનીજિયા