મોટું તેજપર (Collared Pratincole) : પશ્ચિમ એશિયાનું વતની. Charadriiformes શ્રેણીના glareolidae કુળનું પંખી. શાસ્ત્રીય નામ : Glareola pratincola. લાંબા ખાંચાવાળી પૂંછડીને લીધે ઊડે ત્યારે મોટા કદનાં તારોડિયાં જેવાં લાગે. તેઓ જેવાં સોહામણાં એવી ઊડવાની તેમની છટા પણ સોહામણી. તે બહુ આકર્ષક અને ચપળ પંખી છે.

જ્યારે ગળું અને વક્ષ ભાગમાં પીળાશ પડતો ડાઘો હોય છે તે લાંબી અને અણીદાર પાંખો ધરાવે છે. તેનો ઉપરનો ભાગ લીલાશ પડતો બદામી હોય છે. તેની ચાંચ કાળી પણ મૂળ પાસે લાલ હોય છે. તેની ચાંચના ઉપલા મૂળથી શરૂ થતો કાળો કાંઠલો આંખ અને ગળાના ભાગને આવરી લેતો બીજી આંખ પાસે ઉપલી ચાંચ પરના નાના કાળા ડાઘ સુધી લંબાય છે. તેની છાતી આછી બદામી, પૂંછડી ઉપરથી કાળી પણ કેડ અને ઢીઢું સફેદ હોય છે. તેનું પેટાળ મેલું, ધોળું અને પગ ટૂંકા અને કાળા હોય છે. તે ઊડે ત્યારે પાંખમાં નીચે મોટા કથ્થાઈ ડાઘ હોય છે. નર અને માદા સરખાં હોય છે.

મોટું તેજપર

તેનો વસવાટ નદી, તળાવોનાં પાણી વિનાનાં ભાઠાં, દરિયાકિનારાનાં ભીનાં મેદાનો વગેરે સ્થળોએ હોય છે. વધુ સંખ્યામાં જોવા મળતાં નથી. તે ઊડતી તીડ, ભમરાં, વાણિયો જેવી જીવાતને સીધી ગળી જવામાં કુશળ હોય છે.

નદી-તળાવનાં ભાઠાંમાં જમીન પર વનસ્પતિની આસપાસ સમહૂમાં માળા બનાવી તે 2થી 4 ઈંડાં મૂકે છે. નર અને માદા બંને તેને 17–18 દિવસ સુધી સેવે છે.

બળદેવભાઈ કનીજિયા