મોટી લાવરી (Grey Quail) : ભારતનું સ્થાયી પંખી. એનું બીજું નામ છે સામાન્ય લાવરી – Common quail; કારણ કે લગભગ આખા યુરોપ, આફ્રિકા અને એશિયાના મોટાભાગમાં તે જોવા મળે છે. Galliformes શ્રેણીના Phasianidae કુળનું પંખી. શાસ્ત્રીય નામ Coturnix Coturnix.
કદ : 17.5 સેમી. લંબાઈ; વર્ગ : કૉલમ્બિફૉર્મિસ; કુળ : ફૅસિયાનિડી. રંગ ખડ જેવો ભૂખરો, પીળાશ પડતો. માથાની વચ્ચે ફિક્કી બદામી સેંથા જેવી રેખા હોય છે. આંખ ઉપર બંને બાજુ ભમર જેવી વધુ પહોળી રેખા જોવા મળે છે. ગળા વચ્ચે ઊભો કાળો લીટો અને કાંઠલે એને અડીને બેય બાજુ જતી ગોળાકાર રેખા આંખ પાછળ કાનનાં પીંછાં સુધી લંબાય છે. તે વહાણના લંગર અથવા ત્રિકમ જેવો આકાર સર્જે છે. આ તેનું ઓળખ-ચિહન છે. લાવરી બટેર તરીકે પણ ઓળખાય છે.
છાતીનો ઉપલો ભાગ રતૂમડો, નારંગી અને બદામી લાગે. તેની ઉપર ભૂખરાં ટપકાં. નીચેનો ભાગ પેટ અને પેઢા સુધી સફેદ. પડખાં ભૂખરાં, કાળાં ટપકાં ધરાવે છે.
આ નર-માદા વર્ષા-લાવરી–Rain quailથી જુદાં પડે છે. પાંખમાં ઊડવાનાં પીંછાંમાં રતૂમડા આડા લીટા હોય છે. માદાને ગળે લંગરની નિશાનીને બદલે ટપકાં હોય છે.
મોટાભાગે શિયાળે પશ્ચિમ અને મધ્ય એશિયાથી હજારોની સંખ્યામાં તેઓ ભારતમાં ઊતરી આવે છે. કેટલાંક સૌરાષ્ટ્રમાં થઈ દરિયો ઓળંગીને આફ્રિકા સુધી જાય છે. શિયાળો ઊતરતાં તીડની કે તોફાની વાદળની જેમ તેઓ પાછાં ફરે છે, ત્યારે બાજ પંખીનો શિકાર બને છે. તેમનું માંસ બહુ સ્વાદિષ્ટ હોવાથી બંદૂક વડે તેમનો એકસાથે મોટી (બસો બસોની) સંખ્યામાં શિકાર થાય છે. તો કોઈ વાર જાળ પાથરીને પણ તેમનો સામટો ભોગ લેવાય છે.
લાવરીનો મુખ્ય ખોરાક અનાજ, બીજ, ઘાસ, કૂંપળો અને ઊધઈ છે. તે ‘વિચ્-વિચ્; વિચ્-વિચ્’ એવો મધુર સિસોટીનો અવાજ કરે છે. વળી ‘વેટ-મી-લિપ્સ’ અથવા ‘વા-ટા-લા-ક’ જેવું પણ બોલે છે.
તેનો પ્રજનનકાળ ફેબ્રુઆરીથી ઑક્ટોબરનો ગણાય છે. મુખ્યત્વે મેથી ઑગસ્ટ વચ્ચે વનસ્પતિ ઊગી હોય એવી જગામાં જમીનમાં ખાડો કરી માળો બનાવીને 6થી 14 ઈંડાં મૂકે છે. તે રંગે રતૂમડાં ને બદામી તથા ઉપર છાંટણાંવાળાં હોય છે. માદા 16થી 21 દિવસ સુધી ઈંડાં સેવે છે. આશરે 19 દિવસ પછી પીંછાં ફૂટ્યા પછી બચ્ચાં ઊડવા માંડે છે. તેમને ભડકાવવામાં આવે ત્યારે પાંખોના ‘ભૂર્ર્ર’ જેવા હળવા અને લાક્ષણિક અવાજ સાથે ઊડી જાય છે અને ઊડતાં ઊડતાં મૃદુ સિસોટી જેવો અવાજ કાઢે છે.
બળદેવભાઈ કનીજિયા