મોટા, પૂજ્ય શ્રી (જ. 4 સપ્ટેમ્બર 1898, સાવલી, જિ. વડોદરા; અ. 23 જુલાઈ 1976, ફાજલપુર, જિ. વડોદરા) : ગુજરાતના આધુનિક સંત. નામ : ચૂનીલાલ ભગત. એક ગરીબ ભાવસાર કુટુંબમાં જન્મ. ત્યારથી માંડીને વિશાળ માનવસમુદાયના ‘મોટા’ બન્યા ત્યાં લગીની એમની જીવનયાત્રાનાં ઘણાં પરિમાણો છે. વ્યવસાયે રંગરેજ પિતા આશારામના ચાર પુત્રોમાં બીજા પુત્ર ચૂનીલાલનાં બાળપણ તથા કિશોરાવસ્થા કારમી ગરીબીને લીધે કાળી મજૂરી કરવામાં વીત્યાં. પિતાના અવસાન પછી કુટુંબનું ભરણપોષણ કરવા વિધવા માતા સૂરજબાએ ઘરઘરનાં દળણાં દળ્યાં, મોટા ઘરનાં કામ કર્યાં. ગરીબીને લીધે અન્યાય, તિરસ્કાર, મહેણાં અને અપમાનમાંથી ઊગરવા ચૂનીલાલને ‘મોટા’ માણસ બનવાની તમન્ના જાગી. ઈંટો પકવવાની, ધરુ રોપવાની, તથા અનાજ તોલવાની સખત મજૂરી કરવા સાથે તેમણે અભ્યાસ શરૂ કર્યો. પ્રાથમિક ધોરણો ઝડપથી પૂરાં કરી મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો (1919). વડોદરા કૉલેજની હૉસ્ટેલમાં રહી, વૈષ્ણવ હવેલીમાં એક જ ટંકનું પતરાળી-ભોજન લઈ, હૉસ્ટેલના મિત્રોને ચા કરી આપી. કપ-રકાબી સાફ કરી તેમણે કૉલેજનો અભ્યાસ શરૂ કર્યો.
ગાંધીજીની દેશભક્તિની હાકલથી કૉલેજનો એ અભ્યાસ ત્યજીને અમદાવાદમાં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા (1921). ‘હરિજનબંધુ’ વેચીને ખર્ચને પહોંચી વળવાનું મુશ્કેલ બનતાં, ક્યારેક માત્ર ચણા-મમરા ખાઈને દિવસ પસાર કર્યા. સ્નાતક થવાની તૈયારી હતી ત્યારે સ્વાતંત્ર્યસંગ્રામના પડકારને સ્વીકારીને અભ્યાસ છોડીને દેશસેવા-હરિજનસેવામાં જોડાયા. ઠક્કરબાપા, પરીક્ષિતલાલ મજમુદાર તેમજ ઇન્દુલાલ યાજ્ઞિક સાથે કામ કર્યું (1922–1941). દેશસેવાનું ઝનૂન, કુટુંબના ભરણપોષણની જવાબદારી, આર્થિક ભીંસ, સામાજિક ત્રાસ અને અપમાનો સાથે હરિજનોના ઉત્કર્ષનું આકરું કામ, દેશસેવામાં નિશ્ચળ–અડગ રહેવા માટે લીધેલી પ્રતિજ્ઞા – આથી અનુભવાતી ભીંસને લીધે તેમને ફેફરાનો રોગ લાગુ પડેલો. આ રોગ અસાધ્ય જણાતાં, પોતે દેશસેવા કરી શકશે નહિ એમ લાગી આવતાં શરીરનો અંત આણવા એમણે ગરુડેશ્વરની ભેખડ પરથી નર્મદામાં ઝંપલાવ્યું. પરંતુ દૈવયોગે, પાણીની બહાર ફેંકાઈ જતાં, ‘આઇ ઍમ મેન્ટ ફૉર સમથિંગ’ એવો ભાવ જાગતાં એમનું જીવનવહેણ બદલાયું.
એક સાધુના સૂચનથી ફેફરું મટાડવા ‘હરિ: ૐ’નો જપપ્રયોગ શરૂ કર્યો. પરિણામે રોગ મટ્યો, અને દેશસેવા પ્રભુપ્રીત્યર્થે કરવાની ભાવના જીવંત બની. હરિજનસેવા સાથે દિવ્ય જીવનના અનુભવ માટે અખંડ સાધના કરી. વીસ વર્ષ લગી નિષ્ઠાપૂર્વક હરિજનસેવા સાથે, રાત્રે સ્મશાનવાસ કરીને સાધના કરી. પરિણામે 1939ના રામનવમીના દિવસે (29–3–1939) ‘હું સર્વત્ર વિદ્યમાન છું’ એવા અનુભવનું પરમ પદ પામ્યા. તે પછી હરિજન સેવક સંઘના મંત્રીપદેથી રાજીનામું આપી પ્રભુના યંત્ર તરીકે કાર્ય કરવા લાગ્યા. જીવમાત્રમાં રહેલી ગૂઢ આત્મશક્તિને જાગ્રત કરી એને સક્રિય થવા દેવા માટે પોતે નિમિત્ત બન્યા. આમ છતાં 1942માં હરિજન છાત્રો માટે ફાળો એકત્ર કરવા મુંબઈમાં એકલા ફર્યા. મુખ્ય કાર્યકર્તાઓ તરફથી ઉપેક્ષા અને ઉપહાસ, લોકોના ઠપકા, પોલીસોનો માર વગેરે વેઠીને દેશસેવા નિમિત્તે તેમણે કર્મયજ્ઞ આદર્યો.
1947માં હરિ: ૐ આશ્રમની સ્થાપનાનો સંકલ્પ જાગ્યો. 1950માં દક્ષિણ ભારતના કુંભકોણમમાં કાવેરી નદીના કિનારે; 1955માં ગુજરાતમાં નડિયાદની શેઢી નદીને કિનારે, તથા 1956માં સૂરતના કુરુક્ષેત્રમાં તાપી નદીને કિનારે આશ્રમો સ્થાપ્યા. આ આશ્રમોમાંના અંધારા એકાન્ત ઓરડામાં આત્મખોજ માટે શ્રેયાર્થી જિજ્ઞાસુઓને સુવિધા અપાઈ. શ્રી મોટામાં પ્રગટેલી પ્રેમરૂપ પ્રભુચેતનાના ગૂઢ-સૂક્ષ્મ સંસ્પર્શથી આજે પણ શ્રેયાર્થીઓને સહાય અને માર્ગદર્શન મળ્યાં કરે છે. શ્રી મોટામાં પ્રગટેલા ઐશ્વર્યનો આ પ્રયોગ છે.
આવો આધ્યાત્મિક પ્રયોગ વ્યક્તિની આત્મશક્તિને જ જાગ્રત કરવા પૂરતો ન રહેતાં, વિશાળ માનવસમુદાયના ઉત્થાન માટે (1960થી) સક્રિય બન્યો. ભાગ્યે જ કોઈ સાધુ-સંતને સ્ફુરે એવાં કાર્યો, ‘સમાજને બેઠો કરવાની’ ઉદઘોષણા સાથે પ્રેર્યાં. જીવનવિકાસને પ્રેરનાર તેઓશ્રીનાં માર્ગદર્શક પુસ્તકોના વેચાણમાંથી મળેલા બાવન હજાર રૂપિયા ગુજરાતી સાહિત્ય પરિષદને ભાવનાત્મક સાહિત્યને પારિતોષિકો આપવા માટે અર્પણ કરીને સમાજકલ્યાણના જાહેર કાર્યના શ્રીગણેશ માંડ્યા (1961). આ ઉપરાંત ‘જ્ઞાનગંગોત્રી’, ‘કિશોરભારતી’, ‘બાલભારતી’ જેવી ગ્રંથશ્રેણીઓ, સરળ ગુજરાતી ભાષામાં વેદગ્રંથોનું કથાસાહિત્ય, વ્યુત્પત્તિશાસ્ત્ર અને વ્યાકરણગ્રંથો તથા ‘ગુજરાતી વિશ્વકોશ’ વગેરેના પ્રકાશન માટે તેમણે અનુદાનો આપ્યાં.
વિજ્ઞાનની તમામ શાખાઓમાં, સમાજશાસ્ત્ર, માનવવિદ્યાશાસ્ત્ર, ઇતિહાસ તથા ઇજનેરી, રંગ-રસાયણ, બાંધકામ વગેરે ક્ષેત્રોમાં, સમુદ્રના પાણીને પીવાના પાણીમાં રૂપાંતર કરવા માટેનાં તથા આયુર્વેદિક ઔષધશાસ્ત્રમાં સંશોધનોને પ્રેરવા માટે મોટી રકમનાં પારિતોષિકો-અનુદાનો આપ્યાં. આ ઉપરાંત યુવાનોમાં સાહસ, હિંમત, પરાક્રમ, સ્વાવલંબન, ત્યાગ, સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય એ માટે સાઇકલ-પ્રવાસ, પર્વતારોહણ, વનપર્યટન, નદી-સમુદ્રમાં તરણસ્પર્ધા માટે તેમજ તરણકુંડો માટે દાન આપ્યાં. બહેનોનાં જીવનને ઉન્નત બનાવવા પણ અનુદાનો આપ્યાં.
પોતાના આયુષ્ય દરમિયાન (1976 સુધી) એમણે સમાજ પાસેથી એક કરોડ રૂપિયા એકત્ર કરીને, સમાજના ચરણે ધર્યા. સામાજિક ક્રાંતિ માટે, ઉત્થાન માટે તેમણે અનોખી રીતે દાનનો પ્રવાહ વહેવડાવ્યો. આ દાનની રકમો મેળવવા પોતાના ઉત્તર જીવનના દોઢ દાયકા લગી પીડાકારી રોગગ્રસ્ત શરીરે તેઓ સમાજમાં વિચર્યા. જ્યારે શરીરથી લોકકલ્યાણનાં કાર્યો થઈ નહિ શકે એમ લાગ્યું ત્યારે તા. 23-7-1976 ના રોજ ફાજલપુર(જિ. વડોદરા)માં આવેલા ‘હરિસ્મૃતિ’ ફાર્મહાઉસમાં, માત્ર પાંચ વ્યક્તિની હાજરીમાં નિશ્ચિત કરેલા સમયે ‘આનંદપૂર્વક’ પોતાનો દેહ ત્યજ્યો. પોતાની પાછળ કોઈ સ્થૂળ સ્મારક ન રચતાં, મૃત્યુ નિમિત્તે મળેલી રકમનો ઉપયોગ, પ્રાથમિક શાળાના ઓરડાઓ બાંધવામાં થયો. ગુજરાતના આર્થિક રીતે પછાત–છેવાડાનાં ગામોમાં, પ્રાથમિક શાળાનો એક એક ઓરડો હોય એવી ભાવના તેમણે વ્યક્ત કરી જ હતી. તેના અનુસંધાનમાં હરિ: ૐ આશ્રમ તરફથી (1999 સુધી) આઠ કરોડ રૂપિયા આવાં શૈક્ષણિક કામો માટે વપરાયા.
શ્રી મોટાનું આધ્યાત્મિક સાહિત્ય ગદ્ય-પદ્યમાં, પત્રો, સ્તુતિ-સ્તવન, પ્રાર્થના, ભજન-કીર્તન, પ્રવચન વગેરે સ્વરૂપે 100 ઉપરાંત પુસ્તકોમાં પ્રકાશિત થયું છે.
તેમનાં પુસ્તકોમાં ‘મનને’ (1940), ‘તુજ ચરણે’ (1944), ‘જીવનપગલે’ (1944), ‘હૃદયપોકાર’, ‘ગંગાચરણે’ (1945), ‘કર્મગાથા’ (1947), ‘અભ્યાસીને’ (1967), ‘જીવનરસાયણ’ (1972), ‘જીવનસૌરભ’ (1972), ‘જીવનસ્પંદન’ (1973) અને ‘જીવનપ્રવાહ’ (1975) જેવાં પાંત્રીસેક જીવનલક્ષી પુસ્તકો ઉલ્લેખનીય છે. તેમના ‘જીવનસંદેશ’ (1948), ‘જીવનપાથેય’ (1949), ‘જીવનપ્રેરણા’ (1950) અને ‘જીવનમંથન’ (1956) જેવા પત્રસંચયો સાધકવર્ગને ઉપયોગી છે. તેમનાં કેટલાંક પુસ્તકોના ‘ટુ ધ માઇન્ડ’, ‘ઍટ ધાય લોટસ ફીટ’ અને ‘સ્ટ્રગલ ઑવ્ લાઇફ’ નામે અનુવાદો પણ થયા છે.
એમની આધ્યાત્મિક સાધના અંગેની અનેક હકીકતો વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યવહારુ બને એ રીતે સરળ ગુજરાતી ભાષામાં રજૂ થઈ છે. એમના પદ્ય ગ્રંથોમાં ગઝલ ઉપરાંત અનુષ્ટુપ, વસંતતિલકા, માલિની, શિખરિણી, શાર્દૂલવિક્રીડિત, મન્દાક્રાન્તા જેવાં સંસ્કૃત વૃત્તોનો પણ સહજતાથી ઉપયોગ થયો છે. હજાર ઉપરાંત ગઝલોમાં એમણે વ્યક્ત કરેલી સાધનાકથા અજોડ છે.
વ્યક્તિ, સમાજ, ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મ બાબત શ્રી મોટાનું યોગદાન એમના મૌલિક સમયધર્મનું દ્યોતક છે. સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રસરેલી વિકૃતિની ટીકા કર્યા વિના એમણે કાર્ય દ્વારા જ એ ક્ષેત્રોનું શોધન અને સંવર્ધન કર્યું. આવાં મહાન કાર્યો પ્રેરનાર શ્રી મોટા આજેય પ્રજાના હૃદયમાં જીવંત છે.
રમેશ મ. ભટ્ટ