મોજું : સમુદ્રની જળસપાટી પર પવનથી ઉદભવતી હલનચલનની સ્થિતિ. સમુદ્રની ઉપલી સપાટી હવાના સંપર્કમાં આવવાથી તેનાં જળ હલનચલન તેમજ ગતિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારની ક્રિયાને મોજું કહે છે. આ મોજાંનો પ્રભાવ મોટેભાગે માત્ર સપાટીની થોડીક ઊંડાઈ પૂરતો જ સીમિત રહે છે, ઊંડાઈ તરફ જતાં તેની અસર ઘટતી જાય છે. મોજાંની લંબાઈ સપાટીને સમાંતર જોવા મળે છે, ઊંડાઈએ તેની લંબાઈ સપાટીની તુલનામાં માત્ર  ભાગની રહે છે; વધુ ઊંડાઈએ મોજાંનું કોઈ અસ્તિત્વ જળવાતું નથી. આ જ કારણે સમુદ્રમાં ઉદભવતાં દરિયાઈ તોફાનોની અસર વધુ ઊંડાઈએ થતી નથી. એમ માનવામાં આવે છે કે 180 મીટરની ઊંડાઈએ સમુદ્રજળ ખૂબ જ શાંત હોય છે.

સમુદ્રમોજાં વિવિધ પ્રકારનાં પરિબળોથી ઉદભવે છે. સપાટી પર વાતા પવનો મોજાં ઉત્પન્ન થવા માટેનું સર્વસામાન્ય પરિબળ છે. આ ઉપરાંત પૃથ્વીનું અક્ષભ્રમણ, સૂર્ય-ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ, સમુદ્રતળ પર ઉદભવતા ભૂકંપો વગેરે પરિબળો દ્વારા પણ મોજાં ઉત્પન્ન થાય છે. કિનારા પરની કોઈ મોટી ભેખડ તૂટી પડે તોપણ મોજાં ઉત્પન્ન થતાં હોય છે.

મોજાના સૌથી ઊંચા ટોચભાગને તરંગશીર્ષ (crest) અને નીચા ભાગને તરંગગર્ત (trough) કહે છે. બે તરંગશીર્ષ અથવા બે તરંગગર્ત વચ્ચેના સમક્ષિતિજ અંતરને મોજાની લંબાઈ અથવા તરંગલંબાઈ  (wave-length) તથા તરંગગર્તથી તરંગશીર્ષ વચ્ચેના ઊર્ધ્વ અંતરને તરંગઊંચાઈ (wave-height) કહે છે. અડધી તરંગઊંચાઈ મોજાની તરંગમાત્રા (wave-amplitude) કહેવાય છે. ગતિ કરતા મોજાએ એક સેકંડમાં કાપેલા અંતરને એ મોજાનો વેગ (velocity) અને એને એક તરંગલંબાઈનું અંતર કાપતાં જે સમય લાગે તેને તરંગસમય કહે છે.

સમુદ્રમોજાંમાં થતી હલનચલનની ક્રિયામાં જલબિંદુઓ વર્તુળાકાર ગતિથી ખસે છે. મોજાંમાં જલબિંદુઓની નિયમિત ગાળે ક્રમાનુસાર થતી ડોલનક્રિયાથી સમુદ્રજળ ઊંચુંનીચું અને આગળપાછળ થતું રહે છે, પરંતુ તે આગળ ધપતું હોતું નથી. સમુદ્રસપાટી પર તરતી રહે એવી કોઈ વસ્તુ મૂકવાથી આ ક્રિયા સહેલાઈથી જોઈ-સમજી શકાશે. તરતી વસ્તુ મોજામાં ઊંચીનીચી થતી દેખાશે, પરંતુ બહુ જ ધીમી ગતિએ તે આગળ વધશે, સિવાય કે વેગવંતા પવન તેને આગળ ધકેલે.

સમુદ્રમોજાંની ઊંચાઈ અને લંબાઈ જે તે વિસ્તારના પાણીની ઊંડાઈ, પવનવેગ અને સમુદ્રના જળવિસ્તાર (fetch) ઉપર આધાર રાખે છે. પવનનો વેગ, પવનની અવધિ (duration), પવનની દિશા અને જળવિસ્તાર સમુદ્રમોજાંનાં કદ-આકાર નક્કી કરે છે. લાંબા જળવિસ્તારવાળા દક્ષિણના મહાસાગરોમાં જ્યાં પવનની ગતિ તેમજ અવધિ વધુ હોય છે ત્યાં લાંબાં અને ઊંચાં મોજાં જોવા મળે છે. સામાન્ય રીતે મોજાંની ઊંચાઈ 1થી 3 મીટર અને લંબાઈ 15થી 240 મીટર હોય છે. ભયંકર વાતાવરણીય તોફાન વખતે મોજાં 15 મીટર જેટલાં ઊંચાં અને 300 મીટર જેટલાં લાંબાં પણ હોય છે. મોજાં જ્યારે કિનારા નજીકના છીછરા પાણીમાં આવે છે ત્યારે તે તૂટી જાય છે અથવા તો વિખેરાઈ જાય છે, ત્યારે તે ભગ્નમોજાં (surf) તરીકે ઓળખાય છે.

સમુદ્રમોજાંના મુખ્ય ત્રણ પ્રકાર છે : (1) કંપન મોજાં (waves of oscillation), (2) સ્થાનાંતરીય મોજાં (waves of transportation), (3) ત્સુનામીઝ (tsunamis). ઊંડા, વિશાળ સમુદ્રવિસ્તારની સપાટી પર પવનના દબાણની અસરથી પાણી જ્યારે ઊર્ધ્વ આકારે ઘૂમે ત્યારે જે મોજાં રચાય તેને કંપન અથવા ડોલન મોજાં કહે છે. આમાં દરેક જળબુંદ ઊર્ધ્વ સપાટીમાં વર્તુળાકાર કક્ષામાં ઘૂમે છે. આમ પવનના સતત દબાણને પરિણામે સમુદ્રની ઉપલી જળસપાટીમાં પાણી ઉપરથી નીચે મોજા સ્વરૂપે, વાતા પવનની દિશામાં આગળ ધપતું જાય છે. આ પ્રકારના પવનનિર્મિત મોજાને ‘સર્ફ’ કહે છે. પશ્ચિમના દેશોમાં સહેલાણીઓ આવાં મોજાં પર લાંબું પાટિયું રાખી ‘સ્કીઇંગ’ (skiing) કરે છે.

સમુદ્રની જળસપાટીથી સમુદ્રતળ સુધીનું સમગ્ર પાણી મોજાંની સંચરણદિશામાં ગતિ કરે ત્યારે ઉદભવતાં મોજાં સ્થાનાંતરીય (એક શીર્ષવાળાં) મોજાં કહેવાય છે. તે પ્રમાણમાં શક્તિશાળી હોય છે, તથા ઊંચાં અને લાંબી તરંગલંબાઈવાળાં હોવાથી સમુદ્રમાં ઊછળતાં રહે છે. આ પ્રકારનાં મોજાં તેમના ઉદભવસ્થાનથી દૂર હજારો કિમી. સુધી ફેલાય છે. તે જ્યારે કિનારાના ભાગોમાં પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. તેમને તે કારણે પ્રલયકારી મોજાં (surges) પણ કહે છે. મૅક્સિકોના અખાતમાં હરિકેન વંટોળથી ઉત્પન્ન થતાં આવાં મોજાંને 4,800 કિમી. જેટલું અંતર કાપતાં ચારથી પાંચ દિવસ લાગે છે. આથી યુ.એસ.ના કિનારે સમુદ્રની સપાટી ત્રણથી ચાલીસ મીટર ઊંચી આવે છે, પરિણામે નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં ભારે ખુવારી સર્જાય છે. ઈ. સ. 1900માં યુ.એસ.ના ટેક્સાસ પ્રાંતના ગૅલ્વિસ્ટન ગામના 6,000 માણસોએ આ કારણે જાન ગુમાવ્યા હતા. ઈ. સ. 1957માં મિસિસિપીના મુખ આગળ આવેલું કૅમેરોન પૅરિશ નામનું ગામ સાફ થઈ ગયું હતું. બાંગ્લાદેશમાં પણ આવાં પ્રલયકારી મોજાં ઉત્પન્ન થતાં રહેતાં હોવાથી અવારનવાર મોટી હોનારતો સર્જાય છે. ઈ. સ. 1999માં ભારતમાં કચ્છના અખાતને કિનારે પ્રલયકારી મોજાં અથડાવાથી કંડલા બંદરને પારાવાર નુકસાન પહોંચ્યું હતું. ઓરિસામાં પણ આવાં મોજાંથી ભારે તારાજી સર્જાઈ હતી. આજે વિકસિત દેશો સમુદ્રજળમાં અણુવિસ્ફોટો કરે છે, જેને પરિણામે ઉદભવતાં કૃત્રિમ મોજાં નજીકના ટાપુઓને નુકસાન પહોંચાડે છે.

સમુદ્રતળ પર થતા જ્વાળામુખી-વિસ્ફોટ કે ભૂકંપને પરિણામે ઉદભવતાં વિરાટ કદનાં ઊંચાં મોજાંને જાપાનીઝ ભાષામાં ‘ત્સુનામીઝ’ કહે છે. આ પ્રકારનાં મોજાં કિનારાથી અંદરના ભૂમિભાગ સુધી પહોંચી ધોવાણ કરે છે અને સાથે સાથે જાનમાલની ભારે ખુવારી પણ સર્જે છે. આવાં મોજાંની તરંગલંબાઈ 700થી 1,600 કિમી. જેટલી હોય છે, તે ખૂબ ઝડપી હોય છે, વળી તે માર્ગમાં જરા પણ શક્તિ ગુમાવ્યા વિના લાંબું અંતર કાપે છે અને કિનારે પહોંચીને મોટી હોનારત સર્જે છે. જૂન, 1896માં જાપાનના હૉન્શુ ટાપુમાં ત્સુનામીઝથી આશરે 27,000 માણસોની ખુવારી થઈ હતી. 1755ના નવેમ્બરની પહેલી તારીખે લિસ્બનના દરિયામાં થયેલા ભૂકંપથી ઊછળેલાં મોજાંને કારણે લિસ્બનની 20 %થી વધુ વસ્તી નાશ પામી હતી. 2004માં ઇન્ડોનેશિયામાં મોટા પાયા પર ભૂકંપનિર્મિત ત્સુનામી થયેલું. જેનાં મોજાં ભારતના પૂર્વકાંઠે તેમજ આફ્રિકાના પૂર્વ કાંઠા સુધી પહોંચ્યાં હતાં.

સમુદ્રમોજાં કિનારાના વિસ્તારમાં અસમાન ઘસારો કરે છે. તેનાથી દરિયાઈ કરાડ, કિનારાની ગુફાઓ, અંડાકાર લઘુખાડીઓ, તરંગઘર્ષિત પ્લૅટફૉર્મ જેવાં ઘસારાજન્ય ભૂમિસ્વરૂપો રચાય છે. એ જ રીતે મોજાં પરિવહનકાર્ય દરમિયાન ખેંચી લેવાયેલા બોજનું નિક્ષેપણ કરે છે; તેમાંથી તરંગનિર્મિત પ્લૅટફૉર્મ, તરંગનિર્મિત પગથીઓ, દરિયાઈ રેતપટ, આડ, અવરોધો, ખાડીસરોવર જેવા વિવિધ નિક્ષેપજન્ય આકારો રચે છે.

આજના યુગમાં માનવીએ સમુદ્રમોજાંમાંથી મળતી ઊર્જાનો ઉપયોગ સંચાલનશક્તિ મેળવવામાં કર્યો છે. યુ.એસ., ચીન અને ફ્રાન્સે વિદ્યુત મેળવવામાં સફળતા હાંસલ કરી છે. ભારતે પણ સમુદ્રકિનારે મોજાંની સહાયથી વીજળી મેળવવા યોજના ઘડી છે, તેમાં ગુજરાતના અખાતી વિસ્તારોને પસંદ કરવામાં આવ્યા છે.

નીતિન કોઠારી