મૉસ્કો (Moscow) : રશિયાનું પાટનગર અને દુનિયાનાં મોટાં ગણાતાં શહેરો પૈકીનું એક. તે 55° 45´ ઉ. અ. અને 37° 35´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 1,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : મૉસ્કોનો વિસ્તાર ડેવોનિયન અને કાર્બોનિફેરસ કાળના ખડકોથી બનેલું ભૂપૃષ્ઠ ધરાવે છે. અહીં આશરે 1,750 મીટરની ઊંડાઈએ ગ્રૅનાઇટનાં અંતર્ભેદનો રહેલાં છે. શહેરની ઉત્તરે ચૂનાયુક્ત દ્રવ્ય-મિશ્રિત રેતીનાં મેદાનો આવેલાં છે. ઉત્તર તરફ આશરે 64 કિમી. દૂર ‘ક્લીન ડમીટ્રૉય’ નામનું કોતર અને અગ્નિ દિશાએ ટેપલોસ્ટાનસ્કાયાના ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાતો થોડી ઊંચાઈ ધરાવતો વિસ્તાર આવેલાં છે. તેનું સૌથી વધુ ઊંચાઈવાળું શિખર ‘લેનિન હિલ’ (253 મીટર) છે.
શહેરના મધ્યભાગમાં થઈને મૉસ્કોવા નદી વહે છે, તે વૉલ્ગાની શાખા-નદી ઓકાની ઉપશાખા છે. આ નદી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. તે છીછરી છે; આગળ જતાં તે પશ્ચિમ તરફ સર્પાકાર બની રહે છે. તેને કિનારે પૂરનાં સાંકડાં મેદાનો રચાયાં છે. ઈશાન તરફથી આવતી યાયુઝા નામની બીજી એક નદી શહેરના મધ્ય-પૂર્વ ભાગમાં તેની સાથે સંગમ પામે છે.
મૉસ્કો સમુદ્રકિનારાથી દૂર અંદરના ભૂમિભાગમાં સમુદ્રસપાટીથી 130 મીટરની ઊંચાઈએ આવેલું હોવાથી અહીં ખંડીય પ્રકારની આબોહવા પ્રવર્તે છે. જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 19° સે. અને –10° સે. જેટલાં રહે છે, જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ 640 મિમી. જેટલો પડે છે. શિયાળાની ઋતુમાં ક્યારેક હિમવર્ષા પણ થાય છે.
ઉદ્યોગો : મૉસ્કો રશિયાનું સૌથી વધુ મહત્ત્વ ધરાવતું ઔદ્યોગિક શહેર છે. અહીં બસ, મોટરો, રસાયણો, વીજળીનાં ઉપકરણો, લોખંડ, ખેતીનાં યાંત્રિક સાધનો, કાપડ, ડેરી-પેદાશો અને ખાદ્ય પદાર્થો બનાવવાના ઘણા એકમો આવેલા છે.
પરિવહન : આ શહેર રશિયાનું પાટનગર હોઈ પરિવહનનું મહત્વનું કેન્દ્રીય મથક બની રહેલું છે. તે ભૂમિમાર્ગે તેમજ હવાઈ માર્ગે આંતરિક અને આંતરરાષ્ટ્રીય શહેરી મથકોથી સંકળાયેલું છે, જ્યારે જળમાર્ગ દ્વારા રશિયાનાં વિવિધ કેન્દ્રો સાથે પણ જોડાયેલું છે. પાકા રસ્તા અને રેલમાર્ગ દ્વારા તે આજુબાજુના યૂક્રેન, બેલારુસ અને પૂર્વ એશિયા જેવા દેશોનાં કેન્દ્રો સાથે જોડાયેલું છે. અહીં અનેક રેલમાર્ગો ત્રિજ્યાકારે ગોઠવાયેલા છે. શહેરના સીમાવર્તી વિસ્તારમાં વર્તુળાકારે ફરતો રેલમાર્ગ આવેલો છે. 1935માં અહીં 225 કિમી. લંબાઈના મેટ્રો (ભૂગર્ભીય) રેલમાર્ગનો પ્રારંભ થયેલો છે. આ માર્ગ પર ખૂબ જ અદ્યતન 140 જેટલાં આરસપહાણથી બાંધેલાં રેલમથકોનું નિર્માણ કરવામાં આવેલું છે. કલાત્મક ચિત્રો, કાચનાં ઝુમ્મરો અને વિવિધ પૂતળાંઓ દ્વારા આકર્ષક બનાવીને તેમને શણગારવામાં આવ્યાં છે. દરરોજ આશરે 70 લાખ જેટલા મુસાફરો આ ગાડીઓનો લાભ લે છે. આ શહેર મૉસ્કો નહેર સાથે જોડાયેલું હોવાથી તે એક મહત્ત્વનું નદી-બંદર બની રહેલું છે. યુરોપની સૌથી લાંબી નદી વૉલ્ગા અને મૉસ્કો નહેરનું જોડાણ 1937માં કરવામાં આવ્યું હતું. તે વૉલ્ગાની અનેક નહેરો સાથે પણ સંકળાયેલી છે. આ શહેરમાં ચાર મોટાં હવાઈ મથકો આવેલાં છે. આ પૈકી શહેરની દક્ષિણે આવેલું ડોમોડેડોવો સૌથી મોટું હવાઈ મથક છે. ઉત્તર તરફ 39 કિમી. દૂર શરમેટોવો નામનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.
સંદેશાવ્યવહાર : રશિયાનાં મોટાભાગનાં દૈનિક વર્તમાનપત્રો, પાક્ષિકો અને માસિકો મૉસ્કોમાંથી પ્રગટ થાય છે. ‘પ્રવદા’ (સત્ય) અને ‘ઇઝવેસ્ટિયા’ (સમાચાર) રશિયાનાં મુખ્ય વર્તમાનપત્રો ગણાય છે. ‘મૉસ્કો ન્યૂઝ’ સ્થાનિક સમાચારપત્ર છે. ‘રેડિયો મૉસ્કો’ સરકાર-સંચાલિત છે. ટેલિવિઝન કેન્દ્રો પણ સરકારહસ્તક છે. અન્ય વ્યાપારી ચૅનલો વિવિધ કાર્યક્રમો રજૂ કરે છે. તેનું સંચાલન સેંટ પીટર્સબર્ગથી થાય છે.
શહેરી આયોજન : ભૂતપૂર્વ રાજાઓએ બાહ્ય આક્રમણોને ખાળવા આ શહેરની ફરતે કિલ્લાનું નિર્માણ કરેલું છે. તેની આંતરિક રચના ચક્રાકારે કરેલી જોવા મળે છે. શહેરની ફરતે ધોરી માર્ગ પણ આવેલો છે. આ ધોરી માર્ગની બહારના ભાગમાં ‘ગ્રીન બેલ્ટ’ની રચના કરવામાં આવેલી છે. તેમાં ગીચ વૃક્ષો અને રાષ્ટ્રીય ઉદ્યાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનો વિસ્તાર આશરે 1,800 ચોકિમી. જેટલો છે.
ક્રેમલિન મૉસ્કોનો સૌથી જૂનો અને ગીચ વિસ્તાર ગણાય છે. આ શહેર વિશાળ દીવાલ ધરાવતું કિલ્લેબંધીવાળું ઐતિહાસિક શહેર છે. ક્રેમલિનની પૂર્વે અને ઉત્તરે વેપાર, વાણિજ્ય અને વહીવટી કેન્દ્રો આવેલાં છે. કિલ્લેબંધીવાળો વિસ્તાર મૉસ્કોના હાર્દ સમાન ગણાય છે. ધોરી માર્ગની આસપાસ નવી વસાહતો અને ઔદ્યોગિક વસાહતો પણ સ્થપાઈ છે.
સ્થાપત્યો : મૉસ્કોના હૃદય સમું ક્રેમલિન સમગ્ર રશિયાનું કેન્દ્ર ગણાય છે. ક્રેમલિન કિલ્લાની દીવાલો 2.5 કિમી. જેટલી લંબાવીને ત્યાં ચર્ચ, મહેલ અને સરકારી કાર્યાલયો ઊભાં કરાયાં છે. અહીંનાં કેટલાંક ચર્ચની રચના પંદરમી સદીમાં થઈ હતી. ક્રેમલિનના વિશાળ મહેલનું નિર્માણ ઓગણીસમી સદીમાં થયું હતું. તત્કાલીન રાજવીઓનું તે નિવાસસ્થાન રહેલું. રશિયન અધિકારીઓએ સંસદગૃહ તરીકે તેને ઉપયોગમાં લીધેલું. 1961માં સંસદગૃહની નવી ઇમારત ઊભી કરવામાં આવી છે. સામ્યવાદી સરકારે 1961થી 1990 સુધી તેનો સંસદગૃહ તરીકે ઉપયોગ કર્યો હતો; પરંતુ 1991થી નવી સરકાર આવતાં નવી ઇમારત ક્રેમલિનની પશ્ચિમે બનાવવામાં આવી છે. ક્રેમલિનની સીમા પર 0.5 કિમી. લંબાઈનો વિશાળ ‘લાલ ચોક’ (રેડ સ્ક્વેર) આવેલો છે. લાલ ચોક ખાતે રાષ્ટ્રીય પર્વો અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઊજવવામાં આવે છે. લાલ ચોકની સામે રશિયાનો વિશાળ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ‘GUM’ (અપના બજાર) આવેલો છે. તેનું નિર્માણ 1850માં કરવામાં આવેલું. લાલ ચોક પાસે ડુંગળી-આકારનું રંગીન ‘સેંટ બૅઝિલ’ ચર્ચ છે. 400 વર્ષ પહેલાંનાં સૈન્યમથકોને ઐતિહાસિક સ્મારકો તરીકે જાળવી રાખવામાં આવેલાં છે. લાલ ચોક પાસે આવેલી રશિયા હોટેલ દુનિયાની સૌથી મોટી હૉટેલો પૈકીની એક છે.
વસ્તી : 2011 મુજબ મૉસ્કોની વસ્તી આશરે 11,510,097 જેટલી છે. મૉસ્કો-નિવાસીઓ મૉસ્કોવાઇટ્સ (Moscovites) કહેવાય છે. અહીંના લોકોએ સોવિયેત સંઘની રચનામાં મહત્વનો ફાળો આપેલો છે. મૉસ્કોવાઇટ્સમાં યહૂદી, યૂક્રેનિયન, તાર્તાર, બાયલોરશિયન તથા આર્મેનિયન પ્રજાનો સમાવેશ થાય છે. અહીંના શહેરી નાગરિકોને પ્રૉમિસ્કા (promiska) નામથી ઓળખાતાં વિશિષ્ટ ઓળખપત્ર આપવામાં આવે છે. આ લોકો એક કે બે ઓરડાના બહુમાળી આવાસોમાં રહે છે. ઘણાં કુટુંબો સ્વતંત્ર આવાસોની માંગ કરતાં રહ્યાં છે.
અહીં ઉચ્ચ શિક્ષણની 75 જેટલી સંસ્થાઓ આવેલી છે. તેમાં મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટી અને પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટી નામની બે યુનિવર્સિટીઓ આવેલી છે. ઇજનેરી, તબીબી જેવી કેટલીક સંસ્થાઓનું નિર્માણ વિશિષ્ટ વિષયને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલું છે. 1855માં સ્થપાયેલી એમ. વી. લોમોન્સોવ રાજ્ય યુનિવર્સિટી દેશની સૌથી મોટી યુનિવર્સિટી છે. આજે આ યુનિવર્સિટીમાં 28,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધ પેટ્રિસ લુમુમ્બા પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટીની સ્થાપના 1960માં થઈ હતી, તેમાં એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મૉસ્કોનાં બધાં જ બાળકો અગિયાર વર્ષ સુધીમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કરે છે, તેમની ઉંમરનો ગાળો 6થી 17 વર્ષનો હોય છે. મૉસ્કોમાં આશરે 1,300 પ્રાથમિક શાળાઓ આવેલી છે. માધ્યમિક શાળાઓની સંખ્યા 150 જેટલી છે.
ધર્મ : 1917થી 1980 સુધી સામ્યવાદને કારણે મૉસ્કોવાસીઓનો કોઈ ધર્મ ન હતો. 1917માં બધાં જ ચર્ચ મ્યુઝિયમમાં રૂપાંતરિત કરાયાં હતાં. 1990માં ધર્મનાં બંધન અંગેનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. આથી આજે દરેક વ્યક્તિએ પોતાને અનુકૂળ ધર્મ અપનાવ્યો છે. અહીં ચર્ચ, મસ્જિદ અને સિનેગોગ્સ પણ આવેલાં છે.
સામાજિક–સાંસ્કૃતિક સમસ્યાઓ : 1980થી મૉસ્કોમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. તે માટે બેકારી અને પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર માનવામાં આવે છે. પ્રદૂષણ, પાણી અને સુએઝની સમસ્યાઓ મૂંઝવણરૂપ રહ્યાં છે. મૉસ્કો રશિયા અને આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિનું એક કેન્દ્ર છે. અહીંનું જાણીતું થિયેટર ‘બૉલ્શોઈ થિયેટર’ છે. આ ઉપરાંત માલી (Maly) અને મૉસ્કો આર્ટ થિયેટર પણ આવેલાં છે. અહીં સંગ્રહાલયો અને અનેક આર્ટ ગૅલેરીઓ આવેલી છે. ‘ધ સ્ટેટ હિસ્ટૉરિકલ મ્યુઝિયમ’ દ્વારા વિદ્યાર્થીઓ રશિયાનો ઇતિહાસ જાણી શકે છે. આ સિવાય ધ સેન્ટ્રલ લેનિન મ્યુઝિયમ અને સેન્ટ્રલ મ્યુઝિયમ ઑવ્ ધ રેવૉલ્યૂશનનું પણ મહત્ત્વ વધુ છે. અહીં 1,200 જેટલાં પુસ્તકાલયો પણ આવેલાં છે. ધ લેનિન સ્ટેટ લાઇબ્રેરી દુનિયાનાં મોટાં પુસ્તકાલયો પૈકીની એક છે.
મનોરંજન : મૉસ્કોમાં આનંદપ્રમોદ માટે ઘણી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 1965માં બંધાયેલું લેનિન સ્ટેડિયમ મનોરંજનના સ્થળ તરીકે ખૂબ જાણીતં બન્યું છે. 1980માં યોજાયેલ ઑલિમ્પિક રમતોત્સવ વખતે તેને વિસ્તૃત કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં 1,03,000 દર્શકો બેસી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે. 120 હેક્ટરમાં વિસ્તરેલું ગૉર્કી પાર્ક આનંદપ્રમોદનાં અનેક સાધનો ધરાવતું હોવાથી તે પણ વિખ્યાત છે. મૉસ્કોમાં સંગીત, નૃત્ય અને રાજનૈતિક ચર્ચા માટેનાં જુદાં જુદાં અનેક કેન્દ્રો આવેલાં છે. અહીં શતરંજ(ચેસ)-ક્લબો આવેલી છે. અહીંનું પ્રાણી-સંગ્રહાલય પણ જાણીતું છે. આ ઉપરાંત મૉસ્કોનું સરકસ દુનિયાનું સૌથી પ્રખ્યાત સરકસ ગણાય છે.
ઇતિહાસ : મૉસ્કોમાં સર્વપ્રથમ વસાહત ક્યારે સ્થપાઈ તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી, તેમ છતાં કહેવાય છે કે 1147માં અહીં વસ્તી જોવા મળી હતી. તે સમયે આ વિસ્તાર પર રાજકુમાર યુરી ડોલગૉસ્કીની સત્તા હતી. તે વખતે આ સ્થળ મહત્વના વેપારી ભૂમિમાર્ગો અને જળમાર્ગોથી સંકળાયેલું હતું. 1,240 તાર્તારોએ આ વિસ્તાર પર પ્રભુત્વ મેળવ્યું. રશિયાના રાજકુમારને તેમનો સ્વીકાર કરવાની ફરજ પાડવામાં આવી. ઈ. સ. 1300ના અરસામાં રાજકુમાર તાર્તાર લોકો માટે મહેસૂલ ઉઘરાવતો. તે જમીન ખરીદીને પોતાનો વિસ્તાર વધારતો હતો. આ દરમિયાન આ સ્થળ વિકસતું ગયું. ઈ. સ. 1400ના અરસામાં તે રશિયાનું શક્તિશાળી શહેર બની રહ્યું. ઈ. સ. 1547માં ઇવાન ચોથાએ ઝારને સમગ્ર રશિયાનાં સત્તાસૂત્રો સોંપ્યાં. આમ મૉસ્કો રશિયાનું પાટનગર બન્યું. ઈ. સ. 1600 સુધીમાં રશિયાનો વિકાસ થઈ ગયો હતો. ઝારે ક્રેમલિનમાં મહેલનું નિર્માણ કર્યું. નવાં પ્રાર્થનાગૃહો અને ઔદ્યોગિક એકમો રચાયાં. ઈ. સ. 1712માં પીટર પહેલાએ સેંટ પીટર્સબર્ગને રશિયાનું પાટનગર બનાવ્યું. મૉસ્કો વિકસતું ગયું; સાંસ્કૃતિક અને વેપાર માટેનું મહત્ત્વનું મથક બન્યું.
ઈ. સ. 1812માં ફ્રેન્ચ દળોએ નેપોલિયનના નેતૃત્વ હેઠળ મૉસ્કો પર પ્રભુત્વ મેળવ્યું. મૉસ્કોના પરાવિસ્તાર બોરોડિનો પાસે ફ્રાન્સ અને રશિયાના સૈનિકો વચ્ચે યુદ્ધ થયું. વિશેષ જાનહાનિ વગર ફ્રેન્ચોએ આ વિસ્તાર પર પ્રભુત્વ મેળવી લીધું. ત્યારે મૉસ્કોમાં આગ લાગતાં સમગ્ર શહેર નાશ પામ્યું. ઇતિહાસવિદો એવું મંતવ્ય ધરાવે છે કે આ આગ લગાડવામાં રશિયનો જવાબદાર હતા. બીજી બાજુ નેપોલિયનના સૈનિકોએ ત્યાં લૂંટફાટ કરી. રશિયામાં શિયાળો શરૂ થતાં ફ્રેન્ચ દળો પાછાં હઠવા લાગ્યાં. ત્યારબાદ મૉસ્કોનું પુનર્નિર્માણ કરવાના પ્રયાસો શરૂ થયા. ઈ. સ. 1900માં તો મૉસ્કો રશિયાનું સૌથી મહત્વનું રેલવે અને ઔદ્યોગિક કેન્દ્ર બન્યું. ઈ. સ. 1900માં મૉસ્કોની વસ્તી 10 લાખ કરતાં વધી ગઈ હતી. ઈ. સ. 1918માં સામ્યવાદી વિચારસરણી ધરાવતા બૉલ્શેવિક પક્ષે સત્તા હાંસલ કરતાં મૉસ્કો ફરી વાર રશિયાનું પાટનગર બન્યું. ઈ. સ. 1922માં સામ્યવાદી સરકાર દ્વારા અહીં સોવિયેત યુનિયનની રચના કરવામાં આવી. તેમણે પણ મૉસ્કોને પાટનગર તરીકે સ્વીકાર્યું. ઈ. સ. 1991માં સામ્યવાદી પક્ષની સત્તા રશિયા પરથી દૂર થતાં લોકશાહી વિચારસરણી ધરાવતી સરકારની રચના થઈ અને તે રશિયાઈ સમવાયતંત્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું. લોકશાહી વિચારસરણીને સ્વીકારનાર નેતા મિખાઇલ ગોર્બાચોવ હતા.
નીતિન કોઠારી