મૉસ્કો શૈલીની કલા (1400થી 1600) : ખ્રિસ્તી ધાર્મિક દેવદેવીનાં શિલ્પ અને ભીંતચિત્રનાં નિરૂપણની મૉસ્કોકેન્દ્રિત રશિયન શૈલી. પૂર્વ યુરોપ અને રશિયામાં પ્રચલિત બિઝેન્ટાઇન શૈલીમાંથી ઊતરી આવેલી પરંપરા છે. ઑર્થડૉક્સ રશિયન ચર્ચ આશ્રિત (patronised) આ શૈલીમાં મોહક આછા રંગો દ્વારા ખ્રિસ્તી કથાપ્રસંગોના નિરૂપણ વડે આધ્યાત્મિક અભિવ્યક્તિ કરાઈ છે.
કૉન્સ્ટન્ટિનોપલમાં જન્મેલા ગ્રીક કલાકાર થિયૉફ્રેન્સ આ શૈલીના પ્રણેતા હતા. તેમણે મૉસ્કોની આવી બિઝેન્ટાઇન શૈલીથી સ્થાનિક કલાકાર વર્ગને પરિચિત કર્યો. પરિણામે વળાંકો અને શાંત ચહેરાની લાક્ષણિકતાવાળી શૈલી મૉસ્કોમાં પ્રચલિત થઈ. આ શૈલીનો સૌથી મહાન ચિત્રકાર આન્દ્રે રુબ્લ્યૉવ નામનો એક સાધુ હતો. તેનાં ચિત્રોમાં રંગ અને રેખાનું અભૂતપૂર્વ માધુર્ય પ્રકટ્યું. તમામ બિનજરૂરી વિગતો ટાળીને તે જોરદાર અને પ્રભાવક ચિત્રો સર્જતો. તેનાં ચિત્રોમાં અનન્ય લાવણ્ય અને ઋજુતા જોવા મળે છે. તેના મૃત્યુ પછી પંદરમી સદીમાં રશિયાના સામંતોએ મૉંગોલોને રશિયાની બહાર તગેડી મૂક્યા પછી આ ચિત્રશૈલીનાં મૂળ વિશેષ ર્દઢ બન્યાં. કારણ કે હવે ચર્ચ પણ સમૃદ્ધ થયું હતું. પંદરમી સદીના અંતમાં ડાયૉનિસી નામના નામાંકિત ચિત્રકારે સર્જેલાં ચિત્રો રુબ્લ્યોવ કરતાં પણ વધુ પ્રભાવક નીવડ્યાં. તે ચિત્રો રહસ્યવાદને સ્ફુટ કરવામાં ખૂબ જ સફળ થયાં.
સોળમી સદીના અંતમાં ચિત્રોમાં માનવઆકૃતિઓનાં ટોળાં ઊભરાવા માંડ્યાં, સુશોભનાત્મક તત્વોનું પ્રાબલ્ય વધવા માંડ્યું અને લાવણ્યને સ્થાને નીરસતાનું પ્રમાણ વધતું જવાથી આ શૈલીનું પતન થયું.
સત્તરમી સદીના પ્રારંભે મૉસ્કોના ‘સ્ટ્રૉગેનૉવ સ્કૂલ’ના કલાકારોએ આ શૈલીનાં કેટલાંક તત્વોનું પોતાની કલામાં સંયોજન કર્યું હતું.
અમિતાભ મડિયા