મૉલિસન, જૅમ્સ (જ. 1905, ગ્લાસગૉ, વેસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 1959) : હવાઈ જહાજ-ઉડ્ડયનના નિષ્ણાત. વ્યવસાયે તે ઇજનેરી કામના સલાહકાર હતા. 1923માં તેમને રૉયલ ઍરફૉર્સમાં હોદ્દો મળ્યો. 1931માં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે 8 દિવસ 19 કલાક અને 28 મિનિટમાં વિક્રમજનક ઉડ્ડયન પૂરું કરીને તે ભારે નામના કમાયા. 1932માં ઉત્તર ઍટલાંટિકને સૌપ્રથમ વાર પૂર્વ-પશ્ચિમ માર્ગે ઓળંગવાનું એકલ ઉડ્ડયન કર્યું અને 1933ના ફેબ્રુઆરીમાં એવું જ એકલ ઉડ્ડયન સૌપ્રથમ વાર ઇંગ્લૅન્ડ–દક્ષિણ અમેરિકા વચ્ચે કર્યું. 1933માં તેમણે પોતાનાં પત્ની સાથે ઍટલાંટિક ઓળંગીને અમેરિકા સુધીનું સૌપ્રથમ વાર ઉડ્ડયન કર્યું અને 1934માં ભારત સુધીનું પ્રથમ ઉડ્ડયન કર્યું.
મહેશ ચોકસી