મૉલિયેર, ઝાં બેપ્ટિસ્ટે પૉક્લિન (જ. 15 જાન્યુઆરી 1622, પૅરિસ; અ. 17 ફેબ્રુઆરી 1673, પૅરિસ) : ફ્રાન્સના નાટ્યકાર અને અભિનેતા. ફ્રેન્ચ કૉમેડીના તે સૌથી મહાન લેખક ગણાયા છે. તેઓ એક સુખી-સંપન્ન પરિવારના પુત્ર હતા અને સારું શિક્ષણ પામ્યા હતા. પરંતુ 1643માં અભિનેતા બનવા માટે ગૃહત્યાગ કર્યો. તેમણે ´લ ઇલ્સ્ટ્રે થિયેટ્રિકલ કંપની´ની રચના કરી પરંતુ સફળતા બહુ ધીમે પગલે આવતી હતી; આ કંપની ત્રણેક વર્ષ ચાલી. 1645થી 1658 દરમિયાન એક થિયેટર-જૂથ સાથે તેમણે ફ્રાન્સના પ્રાંતોનો પ્રવાસ કર્યો. તેમણે નાટકો લખ્યાં અને એ નાટકોમાં અભિનય કર્યો.
‘ધી એફેક્ટેડ યંગ લેડીઝ’(1659)ને સફળતા મળવાથી પૅરિસમાં નાટ્યકાર તરીકે તેમની ખ્યાતિ સ્થપાઈ. 1658માં તેમણે રાજા સમક્ષ નાટ્યપ્રયોગ કર્યો અને ત્યારબાદ વ્યવસ્થિત નાટ્યસંસ્થા કાયમી ધોરણે ઊભી કરી તેમજ પૅરિસના મધ્યમવર્ગીય પ્રેક્ષકવર્તુળો માટે તથા રાજદરબાર માટે એમ બંને પ્રકારનાં નાટકો લખ્યાં.
તેમનાં મહત્વનાં નાટકો તે ‘ધ સ્કૂલ ફૉર વાઇવ્ઝ’ (1662), ‘લ તારતૂફ’ (પ્રથમ ભજવાયું – 1664; ‘ધી ઇમ્પૉસ્ટર’ – 1950) – આ નાટકથી ધાર્મિક સત્તાવાળા ક્રોધે ભરાયા હતા અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને છેવટે તેમાં સુધારા કરવા પડ્યા હતા. આ ઉપરાંત ‘લ મિસૅન્થ્રોપ’ (1666), ‘ધ માઇઝર’ (1668) તથા ´લ બુઝર્વા જેન્ટિલહૉમ´ (1670) જેવી નાટ્યકૃતિઓ દ્વારા તે લગભગ દરેક વર્ષે એકાદ મહત્વની નાટ્યવિષયક સફળતા-સિદ્ધિ મેળવતા રહ્યા. અન્ય રચનાઓમાં ‘ડૉન જૉન’ (1665) તથા ‘ધ બ્લૂ સ્ટૉકિંગ્ઝ’(1927)નો સમાવેશ થાય છે. ‘ધ માઇઝર’નું રૂપાંતર ´મખ્ખીચૂસ´ને નામે ગુજરાતીમાં અમદાવાદમાં ભજવાયેલું.
કૉમેડી વિશેના તેમના સિદ્ધાંતો ‘લા ક્રિટ્રિક દ લ’ઇકૉલ દે ફેમિઝ’(1663)માં વિસ્તૃત રીતે આલેખાયા છે. 1673માં તેમના છેલ્લા નાટક ‘ધી ઇમેજિનરી ઇન્વેલિડ’માં અભિનય કરતી વખતે તેઓ રંગમંચ પર જ ઢળી પડ્યા હતા અને એ જ રીતે તેમનું અવસાન થયું હતું.
તેમનાં નાટકો અંગ્રેજી ઉપરાંત અનેક વિદેશી તથા ભારતીય ભાષાઓમાં અનુવાદિત થયાં છે અને એ ભજવાયાં પણ છે.
મહેશ ચોકસી