મૉલિબ્ડિનમ (Molybdenum) : આવર્તક કોષ્ટકના 6ઠ્ઠા સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Mo. ગ્રીક શબ્દ મૉલિબ્ડોસ (સીસા જેવું) ઉપરથી આ તત્વનું નામ મૉલિબ્ડિનમ પડ્યું (1816). જોકે ફક્ત ઘનતા સિવાય આ બે ધાતુઓના ભૌતિક ગુણધર્મોમાં કોઈ સમાનતા નથી. 1778માં સ્વીડિશ રસાયણવિદ કાર્લ વિલ્હેમ શીલેએ મૉલિબ્ડીનાઇટ (MoS2) ખનિજમાંથી નાઇટ્રિક ઍસિડની પ્રક્રિયા દ્વારા એક નવા તત્વનો ઑક્સાઇડ મેળવ્યો. તે પછી 3થી 4 વર્ષ બાદ (~1782) પી. જે. જેમે ઑક્સાઇડને કોલસા સાથે ગરમ કરી મૉલિબ્ડિનમ ધાતુ મેળવી હતી. 1894ના અરસામાં ફ્રેન્ચ રસાયણવિદ હેન્રી મોઇસાંએ 99.98 % શુદ્ધ ધાતુ મેળવી હતી. પાણી, જમીન, વનસ્પતિ અને પ્રાણીઓમાં તે અલ્પ માત્રામાં હોય છે. છોડવાની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી સાત સૂક્ષ્મપોષકો(micronutrients)માં તેની ગણના થાય છે. પ્રાણીઓનાં યકૃત (liver) અને આંતરડાંમાં મળતા ઝેન્થાઇન ઑક્સિડેઝ અને આલ્ડિહાઇડ ઑક્સિડેઝ જેવા ઉત્સેચકોમાં Mo એક અગત્યનો ઘટક છે.
પ્રાપ્તિ (occurrence) : પૃથ્વીના પોપડામાંના ખડકોમાં મૉલિબ્ડિનમનું પ્રમાણ દર દસ લાખે 1.2 ભાગ (ppm) જેટલું હોવાનું માનવામાં આવે છે. તેની મુખ્ય ખનિજ મૉલિબ્ડિનાઇટ ગ્રૅફાઇટને મળતી આવે છે. ખનિજના મોટા નિક્ષેપો યુ.એસ. (ક્લાઇમૅક્સ, કૉલોરાડો), કૅનેડા અને ચિલીમાં જોવા મળે છે. ચીન અને અગાઉના સોવિયેત સંઘમાં પણ તે મળે છે. યુ.એસ. ખનિજમાં 0.3 % જેટલું મૉલિબ્ડિનમ હોય છે, અને 0.9 મેટ્રિક ટન ખનિજમાંથી 2.7 કિગ્રા. Mo મેળવી શકાય છે. ભારતમાં તે આંધ્રપ્રદેશ, મૈસૂર (કર્ણાટક), રાજસ્થાન, મધ્યપ્રદેશ, પ. બંગાળ અને કેરળમાં મળે છે. ઓછી અગત્યની ખનિજોમાં વુલ્ફેનાઇટ (PbMoO4) અને પૉવેલાઇટ Ca[Mo,W]O4ને ગણાવી શકાય. મૉલિબ્ડાઇટ (અથવા મૉલિબ્ડિક ઓકર) (Fe2O43, 3MoO3·8H2O) રૂપે પણ આ ધાતુ મળે છે.
નિષ્કર્ષણ (extraction) : સામાન્ય રીતે મૉલિબ્ડિનાઇટ (MoS2) ખનિજમાંથી ધાતુ મેળવવામાં આવે છે. બારીક વાટેલા અયસ્કનું ફીણ-ઉત્પ્લાવન-પદ્ધતિથી સંકેન્દ્રીકરણ (80 %થી 95 % MoS2) કરી તેનું હવાની હાજરીમાં નિસ્તાપન કરવામાં આવે છે, તેથી સલ્ફાઇડનું ઑક્સાઇડમાં રૂપાંતર થાય છે (95 % MoO3). ઑક્સાઇડ ગરમ હોય ત્યારે પીળો હોય છે અને ઠંડો પડતાં સફેદ બને છે.
2MoS2 + 7O2 → 2MoO3 + 4SO2
આ માટે તાપમાનનિયંત્રણ જરૂરી છે, કારણ કે 700° સે.થી ઊંચા તાપમાને ઑક્સાઇડનું ઊર્ધ્વીકરણ થાય છે. જોકે શુદ્ધ ઑક્સાઇડ (99.97 % MoO3) જોઈતો હોય તો 1000° સે. તાપમાને ઊર્ધ્વીકરણ કરવામાં આવે છે.
પ્રતિક્ષેપી ભઠ્ઠીમાં સોડિયમ કાર્બોનેટ સાથે પિગાળવાથી પણ સલ્ફાઇડ ખનિજનું ઑક્સાઇડમાં રૂપાંતર થઈ શકે છે. પહેલાં સોડિયમ મૉલિબ્ડેટ બને છે, જેનું હાઇડ્રોક્લોરિક ઍસિડ વડે વિભાજન કરતાં ઑક્સાઇડ મળે છે.
2MoS2 + 6Na2CO3 + 9O2 → 2Na2MoO4 + 4Na2SO4 + 6CO2
Na2MoO4 + 2HCl → MoO3 + 2NaCl + H2O
શુદ્ધ ઑક્સાઇડ મેળવવા ટ્રાયૉક્સાઇડને એમોનિયાના દ્રાવણમાં ઓગાળવાથી એમોનિયમ મૉલિબ્ડેટ બને છે, (સંજોગો પ્રમાણે કેટલીક વાર ડાઇમૉલિબ્ડેટ [NH4]2[Mo2O7] અથવા પેરામૉલિબ્ડેટ [NH4]6 [Mo7O24] · 4H2O પણ મળે છે,) જેને ગરમ કરી સ્ફટિકીકરણ કરતાં શુદ્ધ MoO3 મળે છે.
MoO3 + 2 NH4OH → (NH4)2MoO4 + H2O
(NH4)2MoO4 → 2NH3 + MoO3 + H2O
વુલ્ફેનાઇટમાંથી મૉલિબ્ડિનમ મેળવવા ખનિજનું ફીણ-ઉત્પ્લાવન-પદ્ધતિથી સંકેન્દ્રીકરણ કર્યા બાદ તેને સોડિયમ કાર્બોનેટ સાથે પિગાળવામાં આવે છે. આથી સોડિયમ મૉલિબ્ડેટ મળે છે, જેમાંથી ઑક્સાઇડ મેળવી શકાય છે.
PbMoO4 + Na2CO3 → PbO + Na2MoO4 + CO2
ઑક્સાઇડમાંથી મૉલિબ્ડિનમ મેળવવા તેનું નળી-ભઠ્ઠી(tube furnace)માં હાઇડ્રોજન વડે અપચયન કરવામાં આવે છે. આ ઉપરાંત કાર્બન, કૅલ્શિયમ અથવા ઝિંક ધાતુ વડે તેમજ ઍલ્યુમિનિયમ થર્માઇટ વિધિથી પણ અપચયન કરી શકાય છે. અપચયનથી મળતી ધાતુ ભૂકારૂપ હોય છે. મૉલિબ્ડિનમ પાઉડરનું પાઉડર ધાત્વિકી (powder metallurgy) કે ચાપ-ઢાળણ (arc-casting) વિધિ વડે ઢાળકામાં રૂપાંતર કરી શકાય છે.
ફેરોમૉલિબ્ડિનમ જેવી મિશ્રધાતુઓ બનાવવા શુદ્ધીકરણ કર્યા વગરની ધાતુ વાપરવામાં આવે છે.
ગુણધર્મો : ઘનિષ્ઠ (compact) મૉલિબ્ડિનમ એ ચાંદી જેવા સફેદ રંગની, ઘણી કઠણ (hard) અને કઠોર (ચર્મિલ, tough) ધાતુ છે. તે વિદ્યુત અને ઉષ્માની સુવાહક છે. તેનું ગ.બિં. ઘણું ઊંચું છે અને સહજપ્રાપ્ય ધાતુઓ પૈકી ફક્ત ટંગસ્ટન અને ટૅન્ટલમ જ તેના કરતાં ઊંચું ગલનબિંદુ ધરાવે છે. ઊંચા તાપમાને મૉલિબ્ડિનમ અને તેની મિશ્રધાતુઓ મજબૂતી અને કઠિનતા જાળવી રાખે છે. મૉલિબ્ડિનમના કેટલાક ભૌતિક ગુણધર્મો સારણી 1માં દર્શાવ્યા છે.
સામાન્ય તાપમાને હવાની મૉલિબ્ડિનમ પર અસર થતી નથી, પણ ગરમ કરતાં તેનું ઉપચયન થઈ ટ્રાયૉક્સાઇડ MoO3 બને છે. ઠંડા અથવા ગરમ પાણીની પણ તેના પર અસર થતી નથી; જ્યારે પાણીની વરાળનું તે 700° સે.થી ઊંચા તાપમાને વિઘટન કરે છે.
સારણી 1 : મૉલિબ્ડિનમના કેટલાક ભૌતિક ગુણધર્મો
ગુણધર્મ | મૂલ્ય |
પરમાણુક્રમાંક | 42 |
પરમાણુભાર | 95.94(1) |
ઇલેક્ટ્રૉનીય સંરચના | [Kr]4d55s1 |
વિદ્યુતઋણતા | 1.8 |
ગલનબિંદુ (°સે.) | 2,610 |
ઉત્કલનબિંદુ (°સે.) | 5,560 |
ઘનતા (ગ્રા./ઘ.સેમી.) (20° સે.) | 10.28 |
કુદરતી રીતે પ્રાપ્ય સમસ્થાનિકોની સંખ્યા | 7 |
આયનીકરણ વિભવ (eV) | 7.2 |
ઑક્સિડેશન-અવસ્થા | 0, 1, 2, 3, 4, 5, 6 |
હાઇડ્રોક્લોરિક કે હાઇડ્રોફ્લોરિક ઍસિડ તેમજ મંદ સલ્ફ્યુરિક ઍસિડની મૉલિબ્ડિનમ પર અસર થતી નથી, પણ પ્રમાણમાં ઠીક ઠીક સાંદ્ર નાઇટ્રિક અને સલ્ફ્યુરિક ઍસિડની તેના પર અસર થાય છે. અમ્લરાજ અને ક્લોરિનજળમાં તે ઓગળે છે. સામાન્ય આલ્કલીમાં તે અદ્રાવ્ય છે, પરંતુ ઉપચાયક ધરાવતા પીગળેલા આલ્કલી તેની સાથે ઝડપી પ્રક્રિયા કરે છે. પોટૅશિયમ નાઇટ્રેટ કે પોટૅશિયમ ક્લોરેટ જેવા ઉપચયનકારકો તેના ઉપર તુરત અસર કરે છે. ફલોરિન સાથે તે સામાન્ય તાપમાને પ્રક્રિયા કરે છે, જ્યારે ક્લોરિન સાથે સાધારણ ઊંચા તાપમાને અને બ્રોમિન સાથે તે લાલચોળ ગરમ થાય ત્યારે પ્રક્રિયા કરે છે, પરંતુ 800° સે. સુધી આયોડિનની તેના ઉપર ખાસ અસર થતી નથી. ઊંચા તાપમાને તે સલ્ફર અને હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરી MoS2 બનાવે છે. કાર્બન સાથે ગરમ કરતાં તે કાર્બાઇડ, જ્યારે નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇડ સંયોજનો આપે છે. સિલિકન સાથે તે MoSi2 જેવા સિલિસાઇડ બનાવે છે, જે ઉચ્ચ તાપસહ (refractory) પદાર્થ છે. મૉલિબ્ડિનમ અલ્પ પ્રમાણમાં હાઇડ્રોજનનું અધિશોષણ કરે છે અને હાઇડ્રાઇડ બનાવે છે. 300° સે. તાપમાને આ હાઇડ્રોજન પાછો મુક્ત થાય છે.
સંયોજનો : મૉલિબ્ડિનમ +2થી +6 ઉપચયન-સ્થિતિ ધરાવતાં સંયોજનો આપે છે, જે પૈકી ઊંચી ઉપચયન-સ્થિતિ ધરાવતાં સંયોજનો જ સ્થાયી હોય છે. નીચી ઉપચયન-અવસ્થા ધરાવતાં સંયોજનો અસ્થાયી હોય છે અને તેમને ઊંચી સંયોજકતાવાળાં સંયોજનોમાંથી મેળવવામાં આવે છે.
(i) ઑક્સાઇડ : મૉલિબ્ડિનમ મોનૉક્સાઇડ MoO, સેસ્ક્વીઑક્સાઇડ Mo2O3, ડાયૉક્સાઇડ MoO2, પેન્ટૉકસાઇડ Mo2O5 અને ટ્રાયૉક્સાઇડ MoO3 જેવા ઑક્સાઇડ બનાવે છે; જે પૈકી મૉલિબ્ડિનમ ટ્રાયૉક્સાઇડ મહત્વનો છે. મૉલિબ્ડિનમ ધાતુને હવામાં તપાવવાથી, મૉલિબ્ડિનાઇટ ખનિજ(MoS2)ના ભુંજનથી કે એમોનિયમ મૉલિબ્ડેટને ગરમ કરવાથી તે મેળવી શકાય છે.
2Mo + 3O2 → 2MoO3
2MoS2 + 7O2 → 2MoO3 + 4SO2
(NH4)2MoO4 → MoO3 + 2NH3 + H2O
કુદરતમાં મુક્ત સ્વરૂપે પણ તે મળે છે. Moની નાઇટ્રિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી પણ તે બને છે.
MoO3 સફેદ રંગનો પદાર્થ છે. ગરમ હોય ત્યારે તે પીળા રંગનો હોય છે. હવામાં ગરમ કરતાં તેનું ઊર્ધ્વીકરણ થાય છે. તે પાણીમાં સહેજ દ્રાવ્ય છે, જ્યારે એમોનિયા અને આલ્કલીમાં સરળતાથી દ્રાવ્ય છે. જલીય દ્રાવણ H2MoO4 બનવાને કારણે એસિડિક હોય છે.
(ii) મૉલિબ્ડિક ઍસિડ (H2MoO4) : પૅરાએમોનિયમ મૉલિબ્ડેટ અને નાઇટ્રિક ઍસિડ વચ્ચેની પ્રક્રિયા દ્વારા તે બનાવી શકાય છે. નીચા તાપમાને દ્રાવણનું સ્ફટિકીકરણ કરવાથી પીળા રંગના સ્ફટિક રૂપે તે મળે છે. તે પીળા રંગનો, સ્ફટિકમય, પાણીમાં થોડોક દ્રાવ્ય પદાર્થ છે. આલ્કલીમાં તે સરળતાથી ઓગળી મૉલિબ્ડેટ ક્ષારો બનાવે છે. તેના સ્ફટિક ગરમ કરતાં તે સ્ફટિકજળ ગુમાવે છે. જલવિહીન ઍસિડને રંગ હોતો નથી. ઝિંક, સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ, કે એવા અપચાયકો દ્વારા અપચયન કરવાથી મૉલિબ્ડિનમ બ્લૂ તરીકે ઓળખાતો ભૂરો અથવા કાળાશપડતો પદાર્થ મળે છે.
મૉલિબ્ડિક ઍસિડનો ઉપયોગ કાર્બનિક પદાર્થોના પૃથક્કરણમાં; ફૉસ્ફેટ, લેડ અને ફૉસ્ફરસના પરીક્ષણમાં; તથા સિરામિક ઉદ્યોગમાં ગ્લેઝ બનાવવા થાય છે.
(iii) મૉલિબ્ડેટ ક્ષારો : M1MoO4 અને M2MoO4 – એમ બે પ્રકારનાં મૉલિબ્ડેટ સંયોજનો બને છે. MoO3 સાથે સોડિયમ કાર્બોનેટની પ્રક્રિયાથી સોડિયમ મૉલિબ્ડેટ (Na2MoO4), એમોનિયમ હાઇડ્રૉક્સાઇડની પ્રક્રિયાથી એમોનિયમ મૉલિબ્ડેટ [(NH4)2MoO4], જ્યારે કૅલ્શિયમ ઑક્સાઇડ સાથે પિગાળવાથી કૅલ્શિયમ મૉલિબ્ડેટ (CaMoO4) મળે છે. સાદા મૉલિબ્ડેટ સહેલાઈથી સંકીર્ણ પૅરામૉલિબ્ડેટ અથવા પૉલિ-મૉલિબ્ડેટ આપે છે.
એમોનિયમ મૉલિબ્ડેટ રંગવિહીન, સ્ફટિકમય, પાણીમાં દ્રાવ્ય, ઘન પદાર્થ છે. તે ફૉસ્ફેટ ક્ષારોના પરીક્ષણમાં વપરાય છે. તે અગ્નિપ્રતિરોધક તરીકે વપરાય છે. સોડિયમ મૉલિબ્ડેટ સિરામિક ઉદ્યોગમાં પાત્રોને રંગવા, તેમજ રેશમ અને ઊનને રંગવા માટે વપરાય છે. રંગબંધક તરીકે પણ તે ઉપયોગી છે.
(iv) હેલાઇડ સંયોજનો : Moને હેલોજન (ફ્લોરિન, ક્લોરિન કે બ્રોમિન) સાથે ગરમ કરવાથી અનુવર્તી હેલાઇડ બને છે. મૉલિબ્ડિનમ હેક્ઝાફ્લોરાઇડ (MoF6) સફેદ, સ્ફટિકમય પદાર્થ છે અને પાણી વડે તેનું જલદીથી વિઘટન થાય છે.
(v) મૉલિબ્ડિનમ ડાઇસલ્ફાઇડ (MoS2) : કુદરતમાં તે મૉલિબ્ડિનાઇટ ખનિજ તરીકે મળી આવે છે. મૉલિબ્ડિનમ ધાતુને સલ્ફર સાથે પિગાળવાથી અથવા મૉલિબ્ડિનમ ટ્રાયૉક્સાઇડ ઉપર હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની પ્રક્રિયાથી તે મેળવી શકાય છે. તેને બનાવવાની એક વધુ સારી રીત થાયોમૉલિબ્ડેટ[(NH4)2MoS4]ના ઉષ્મીય વિભાજનની છે. તે કાળા રંગનો, હળવો ધાત્વિક ચળકાટ ધરાવતો ઘન પદાર્થ છે. હવામાં નિસ્તાપન કરતાં તે ટ્રાયૉક્સાઇડ (MoO3) બનાવે છે. હાઇડ્રોજન વડે MoS2નું અપચયન થાય છે. MoS2નો ઉપયોગ લાલ અથવા પીળા રંગના કાચ બનાવવા તથા ઉદ્યોગોમાં ઘન સ્નેહક (lubricant) તરીકે થાય છે. હાઇડ્રોજનીકરણની પ્રક્રિયાઓ માટે તે ઉદ્દીપક તરીકે વપરાય છે.
(vi) Moનાં કાર્બાઇડ, નાઇટ્રાઇડ અને હાઇડ્રાઇડ સંયોજનો : કાર્બન સાથેની સીધી પ્રક્રિયાથી MoC અને MoC2 –એમ બે પ્રકારના કાર્બાઇડ બને છે. MoCને ગરમ કરતાં તેનું વિઘટન થઈ કાર્બન છૂટો પડે છે. કાર્બાઇડ અત્યંત સખત, સફેદ ઘન પદાર્થો છે. ઊંચાં ગ.બિં. હોવાથી તેમનો ઉપયોગ મશીનોમાં તથા ઓજારો અને બેરિંગ બનાવવામાં થાય છે.
મૉલિબ્ડિનમ ધાતુના ભૂકાને એમોનિયા વાયુમાં ગરમ કરવાથી નાઇટ્રાઇડ ઉત્પન્ન થાય છે. MoN અને Mo2N બંને અસ્થાયી છે.
હાઇડ્રોજન વાયુમાં Moના ભૂકાને ગરમ કરવાથી તે હાઇડ્રોજનનું અધિશોષણ કરી હાઇડ્રાઇડ બનાવે છે. 300° સે. તાપમાને તેનું વિઘટન થઈ હાઇડ્રોજન મુક્ત થાય છે.
મૉલિબ્ડિનમનાં કાર્બધાત્વિક સંયોજનો [દા.ત., Mo(CO)6] પણ જાણીતાં છે. Mo(CO)6 આલ્કીન વિનિમય(metathesis)ને ઉદ્દીપિત કરે છે. અહીં આલ્કાઇલિડીન મધ્યવર્તી (intermediate) બનતો હોવાનું માનવામાં આવે છે. 8–હાઇડ્રૉક્સિક્વિનોલિન (ઑક્ઝિન) સાથે તે [MoO2(ઑક્ઝિનેટ)2] આપે છે. આ પ્રક્રિયા મૉલિબ્ડિનમના ભારમાપક (gravimetric) પૃથક્કરણ માટે વપરાય છે.
ઉપયોગો : ધાતુ તરીકે મૉલિબ્ડિનમનો સીધો ઉપયોગ 4 % જેટલો છે. પણ તેનો વધુમાં વધુ ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્રધાતુઓ બનાવવામાં થાય છે. 9 % જેટલી ધાતુ રસાયણો અને અન્ય ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાય છે. સ્ટેઇનલેસ સ્ટીલમાં Mo ઉમેરવાથી સ્ટીલનાં તનન-સામર્થ્ય અને સ્થિતિસ્થાપકતાની હદમાં વધારો થાય છે તેમજ ક્ષારણ-પ્રતિરોધ પણ વધે છે. મૉલિબ્ડિનમ-સ્ટીલનો ઉપયોગ શાફ્ટ, સળિયા, ઊંચા દબાણવાળા બૉઇલરની પ્લેટો તથા મોટરવાહનોની ફ્રેમ બનાવવામાં, શસ્ત્રોના ઉત્પાદનમાં, વિમાનના ભાગો, કાયમી ચુંબકત્વ ધરાવતાં ચુંબકો બનાવવા તથા ઇલેક્ટ્રિક ઘંટીમાં થાય છે. ટંગસ્ટન સાથેની તેની મિશ્રધાતુ ઊંચા તાપમાન માપવા માટેના તાપવૈદ્યુતયુગ્મો (thermocouples) બનાવવા વપરાય છે. વધારે પ્રતન્ય ધાતુ હોવાથી ઉદ્યોગોમાં ધાતુઓનું રેણ કરવા પણ તે ઉપયોગમાં લેવાય છે. તે વિદ્યુત-ભઠ્ઠીમાં અવરોધક તાર બનાવવા, વિદ્યુતગોળામાં ફિલામેન્ટના ટેકા તરીકે તેમજ તેની મિશ્રધાતુ ચાપ-દીપ(arc lamp)માં વીજધ્રુવ તરીકે વપરાય છે. આ ઉપરાંત બિનતારી સંદેશા-વ્યવહાર(wireless telegraphy)માં એકદિશકારી તરીકે તે વપરાય છે. ન્યૂક્લિયર ઉદ્યોગમાં તે સ્ટીલ અને અન્ય મિશ્રધાતુ તરીકે ઉપયોગમાં લેવાય છે.
Mo ધરાવતાં સંયોજનો (દા. ત., મૉલિબ્ડિક ઑક્સાઇડ અને કેટલાક મૉલિબ્ડેટ) પેટ્રોલિયમ અને કાર્બનિક રસાયણો માટેની હાઇડ્રોજનીકરણ, અપચયન, બહુલીકરણ જેવી પ્રક્રિયાઓમાં વપરાય છે. ઉચ્ચ ઑક્ટેન આંક ધરાવતા ગૅસોલીનના ઉત્પાદનમાં પણ તે ઉદ્દીપક તરીકે વપરાય છે. MoS2 તેની સ્તરીય જાલક(layered lattice)-સંરચનાને કારણે અગત્યનો સ્નેહક બને છે. વિભિન્ન પર્યાવરણીય સંજોગોમાં તે સ્થાયી હોવાથી અવકાશ-ઉપયોગ(space applications)માં આદર્શ પદાર્થ છે. 1969માં ચંદ્ર ઉપર ઊતરનાર વાહનમાં તેનો સ્નેહક તરીકે ઉપયોગ થયેલો.
સિરૅમિક ઉદ્યોગમાં મૉલિબ્ડિનમનો ઉપયોગ સફેદ વર્ણકો બનાવવા તેમજ લોખંડ અને સ્ટીલને કાચાભ ઇનૅમલ (vitreous enamel) સારી રીતે ચોંટી શકે તે માટે થાય છે.
પૃથક્કરણ (analysis) : મૉલિબ્ડેટ ક્ષારો ઍસિડમય દ્રાવણમાં અલ્પ પ્રમાણમાં હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરી આછો વાદળી રંગ આપે છે. વધારે પ્રમાણમાં હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ પસાર કરવાથી લાલ રંગના અવક્ષેપ મળે છે, જે એમોનિયમ સલ્ફાઇડમાં દ્રાવ્ય થાય છે. મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે એસિડિક બનાવેલા મૉલિબ્ડેટ ક્ષારોના દ્રાવણનો રંગ જસત (ઝિંક) કે કલાઈ (ટિન) જેવા અપચાયક દ્વારા વાદળી, લીલો, અને છેલ્લે તપખીરિયો બને છે; જ્યારે એમોનિયમ થાયોસાયનેટ સાથે તે પીળો રંગ આપે છે; જેમાં ઝિંક કે સ્ટેનસ ક્લોરાઇડ જેવા અપચયન-કારકો ઉમેરવામાં આવે તો લોહી જેવો લાલ રંગ ઉત્પન્ન થાય છે. ફૉસ્ફેટ અને મૉલિબ્ડેટ બંને ધરાવતાં દ્રાવણોમાં ઍસિડ ઉમેરવાથી પીળા સ્ફટિકમય અવક્ષેપ આપે છે, જે ફૉસ્ફોમૉલિબ્ડેટ આયન [PMo12O40]3– ધરાવે છે. ભારમાપક પૃથક્કરણ માટે તે વાપરી શકાય છે.
મૉલિબ્ડિનમનું ભારમાપક પૃથક્કરણ તેનું MoO3 અથવા લેડ મૉલિબ્ડેટ તરીકે અવક્ષેપન કરીને તેમજ ઑક્ઝિનેટ તરીકે અવક્ષેપન કરીને થઈ શકે છે. કદમાપક પૃથક્કરણ માટે Mo5+ ક્ષારના સલ્ફ્યુરિક ઍસિડ વડે ઍસિડમય બનાવેલા દ્રાવણને Zn–Hg અપચાયક(reducer)માં પસાર કરીને ફેરિક સલ્ફેટમાં ઉમેરવામાં આવે છે. અપચયનથી બનતા ફેરસ સલ્ફેટનું પોટૅશિયમ પરમૅન્ગેનેટ (KMnO4) વડે અનુમાપન કરવામાં આવે છે.
રંગમિતીય અનુમાપનમાં મૉલિબ્ડિનમના ક્ષારનું ઍસિટોનમાં બનાવેલું દ્રાવણ સ્ટેનસ ક્લોરાઇડની હાજરીમાં પોટૅશિયમ સલ્ફોસાઇનાઇડમાં ઉમેરવાથી ઉદભવતા લાલ રંગનો ઉપયોગ મૉલિબ્ડિનમનું પ્રમાણ જાણવા કરી શકાય છે.
જૈવિક સક્રિયતા અને નાઇટ્રોજન–સ્થિરીકરણ (fixation) : પ્રાણીજ ચયાપચયમાં ઑક્સોમૉલિબ્ડો-ઉત્સેચકો ઘણી અપચયન-વિધિને ઉદ્દીપિત કરે છે. પણ નાઇટ્રોજનના સ્થિરીકરણમાં મૉલિબ્ડિનમના ઉપયોગે વધુ ધ્યાન ખેંચ્યું છે. એમ માનવામાં આવે છે કે દર વર્ષે તે જૈવિક રીતે 15 કરોડ ટન નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે, જ્યારે હેબરની વિધિ દ્વારા ઔદ્યોગિક રીતે 12 કરોડ ટનનું થાય છે. હેબરની વિધિમાં ઊંચા તાપમાન અને દબાણની જરૂર પડે છે; જ્યારે કુદરત 14 ગ્રા. N2ને સ્થિર કરવા માટે 1 કિગ્રા. ગ્લુકોઝ વાપરે છે, પણ તે પરિવેશી (ambient) સંજોગો હેઠળ તેમ કરે છે. આમાં ધાતુ-ઉત્સેચકો (metalloenzymes) ભાગ ભજવે છે. ‘MoFe પ્રોટીન’ અગત્યનું ગણાય છે, જે N ≡ N બંધને નબળો બનાવી અપચયનને મદદરૂપ થાય છે.
ચિત્રા સુરેન્દ્ર દેસાઈ