મૉર્ફિન (રસાયણશાસ્ત્ર) : અફીણ (opium) વર્ગનું સૌથી અગત્યનું આલ્કેલૉઇડ. ઉમદા પ્રકારના અફીણમાં મૉર્ફિનનું પ્રમાણ સામાન્ય રીતે 10થી 15 % જેટલું (કેટલીક વાર 25 % જેટલું) હોવા ઉપરાંત તેમાં અલ્પ પ્રમાણમાં કોડીન; થિબેઇન, પાપાવરિન અને નાર્કોટિન જેવાં બેઝ રહેલાં હોય છે. મૉર્ફિનનું રાસાયણિક નામ 7, 8 –ડાઇડીહાઇડ્રો–4, 5–ઇપૉક્સી –17–મિથાઇલમૉર્ફિનાન–3,6–ડાયોલ તથા તેનું અણુસૂત્ર C17H19NO3 છે. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે :
મુક્ત બેઝ સ્થિતિમાં મૉર્ફિન સ્ફટિક રૂપે મળે છે જે વિઘટન સાથે 245° સે.એ પીગળે છે તથા ખૂબ ઊંચા શૂન્યાવકાશે 190°થી 200° સે.એ તેનું બાષ્પાયન થાય છે. તેનો મૉનોહાઇડ્રેટ રેશમી (silky) સોયાકાર સ્ફટિક રૂપે મળે છે તથા તેનું 254°થી 256° સે.એ વિઘટન થાય છે. મૉર્ફિનનો ડાઇએસિટેટ વ્યુત્પન્ન હેરૉઇન (heroin) તરીકે જાણીતો છે જેનું ગ.બિં. 171° સે છે. બંધાણીઓમાં તે જાણીતું છે. ઔષધશાસ્ત્રમાં આ આલ્કેલૉઇડનો ટાર્ટરેટ ક્ષાર ખાસ વપરાય છે. જોકે ફૉસ્ફેટ, પ્થેલેટ તથા વેલેરેટ પણ ઓછા અંશે વપરાશમાં છે.
ઔષધ તરીકે આ બેઝ હતાશા દૂર કરીને પીડા સહન કરવાની શક્તિ વધારનાર, સાધારણ ઘેન તથા હર્ષોન્માદ (euphoria) પ્રેરે છે. આ એક ઉત્તમ પીડાહારક ગણાય છે. વારંવાર લેવાથી લોકો તેના બંધાણી થઈ જાય છે. ઘણા દેશોએ આ ઔષધ વાપરવા વિરુદ્ધ કાયદાઓ કર્યા છે અને દાક્તરની પરવાનગી સિવાય તે મળતું નથી. મૉર્ફિનના બંધાણીઓ જો તેનો નિયમિત ડોઝ લેવાનું બંધ કરી દે તો તેઓ ઘણા દિવસો સુધી માંદા જેવા થઈ જાય છે. આને અપનયન બીમારી (withdrawal sickness) કહે છે. આ માંદગીમાં પેઢુમાં તથા પીઠમાં સણકા, ઠંડી લાગવી, અતિસાર (diarrhoea), ઉબકા (વમનેચ્છા nausea) ઊલટી તથા અશક્તિ જણાય છે.
મૉર્ફિન સખત પીડા સહન કરવાની ક્ષમતા આપવા ઉપરાંત સામાન્ય પીડા દૂર કરે છે. તેનાથી કફ અને અતિસાર મટે છે તથા તે રક્તસ્રાવ અટકાવે છે. તે શ્વસનતંત્ર ઉપર તથા હૃદય ઉપર અવળી અસર કરે છે. પરિણામે ઊલટી શરૂ થઈ જાય છે.
ખૂબ ઓછી માત્રામાં મૉર્ફિન લેવાતાં તે મનને એકદમ સતેજ કરે છે, જ્યારે વધુ માત્રામાં લેવાતાં તો મનને ધૂંધળું કરીને બંધાણીને આળસુ બનાવે છે. મૉર્ફિનના બંધાણીઓને થોડી ભૂખ, ગુસ્સો, નિરાશા, ઉદાસીનતા તથા ચિંતાઓ સતાવે છે તથા તેમની કામેચ્છા ખૂબ ઘટી જાય છે.
મૉર્ફિનમાંથી મોટા પાયે હેરૉઇનનું ઉત્પાદન થાય છે. મૉર્ફિન, અફીણ તથા હેરૉઇન – આ ત્રણેય લગભગ સરખી અસરો દર્શાવે છે, જેમાં હેરૉઇનની સૌથી પ્રબળ તથા અફીણની નિર્બળ અસર થાય છે.
જ. પો. ત્રિવેદી