મૉર્ગેન્સ્ટર્ન, ઑસ્કર (જ. 1902; અ. 1977) : અર્થશાસ્ત્રમાં રમતનો સિદ્ધાંત દાખલ કરનાર અર્થશાસ્ત્રી. 1933માં ડૉક્ટરેટની પદવી મેળવ્યા પછી તેઓ તરત જ વિયેના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકના પદ પર નિમાયા, જ્યાં તેમણે ત્રણ વર્ષ કામ કર્યું. ત્યારબાદ રજા લઈને તેઓ અમેરિકા જતા રહ્યા. વિયેના પર નાઝી જર્મનીએ સત્તા સ્થાપ્યા પછી રાજકીય કારણોસર મૉર્ગેન્સ્ટર્નને બરતરફ કરવામાં આવ્યા; જેને લીધે તેમણે અમેરિકાને જ પોતાની કર્મભૂમિ બનાવી. 1938–70 દરમિયાન તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકના પદ પર કામ કર્યું અને ત્યાંથી નિવૃત્ત થયા.
જાણીતા જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ જૉન વૉન ન્યૂમને (1903–57) 1928માં ગણિતશાસ્ત્રમાં રમતનો સિદ્ધાંત સર્વપ્રથમ જર્મન ભાષામાં રજૂ કર્યો. આ સિદ્ધાંત માત્ર ગણિતશાસ્ત્રને જ નહિ, પરંતુ અર્થશાસ્ત્રને પણ લાગુ પડે છે તેના વિશે ન્યૂમનને મૉર્ગેન્સ્ટર્ને ખાતરી કરાવી. મૉર્ગેન્સ્ટર્નની ઉપર્યુક્ત રજૂઆતની યથાર્થતાની ખાતરી થયા પછી તે બંનેએ ´થિયરી ઑવ્ ગેમ્સ ઍન્ડ ઇકૉનૉમિક બિહેવ્યર´ નામનું પુસ્તક લખ્યું, જેને વિશ્વભરમાં આવકાર મળ્યો. તેમના આ ગ્રંથનો સારાંશ એ હતો કે કોઈ પણ બે અથવા વધુ રમનારાઓ વચ્ચે હારજીતનો જે ફેંસલો થાય તેના દ્વારા કોઈ પણ આર્થિક પરિસ્થિતિનું વિશ્લેષણ પણ કરી શકાય તેમ છે. રમતના સિદ્ધાંત ઉપરાંત તેમના ગ્રંથ પરથી તુષ્ટિગુણનો આધુનિક સિદ્ધાંત પણ તારવવામાં આવ્યો છે. તુષ્ટિગુણના સિદ્ધાંતના આ નવસંસ્કરણને કારણે ફ્રૅન્ક હાઇનેમન નાઇટે (1885–1973) 1921માં રજૂ કરેલ જોખમની વિભાવના વધુ સ્પષ્ટ થઈ હતી.
મૉર્ગેન્સ્ટર્ન અને ન્યૂમને સંયુક્ત રીતે રજૂ કરેલ રમતનો સિદ્ધાંત હવે ગણિત અને અર્થશાસ્ત્ર ઉપરાંત રાજ્યશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા વિષયોને પણ લાગુ પાડવામાં આવે છે.
રમતના સિદ્ધાંતને લગતા તેમના સહિયારા ગ્રંથ ઉપરાંત મૉર્ગેન્સ્ટર્નનો એક અન્ય પણ સ્વતંત્ર ગ્રંથ ´ઑન ધી ઍક્યુરસી ઑવ્ ઇકૉનૉમિક ઑબ્ઝર્વેશન્સ´ જાણીતો છે, જેની બીજી આવૃત્તિ 1963માં પ્રકાશિત થઈ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે