મૉર્ગન, લોવી હેન્રી (જ. 21 નવેમ્બર, 1818, ન્યૂયૉર્ક; અ.17 ડિસેમ્બર, 1881, ન્યૂયૉર્ક; ) : અમેરિકન ઉત્ક્રાંતિવાદી માનવશાસ્ત્રી અને સગાઈ-વ્યવસ્થાના અભ્યાસના પિતા. તેમનો જન્મ ન્યૂયૉર્કના અઉરોરા વિસ્તારમાં થયો હતો. કાયદાનો અભ્યાસ કરીને તેઓ એક સારા વકીલ તરીકે રોચેસ્ટરમાં સ્થાયી થયા હતા. વકીલાતના વ્યવસાય દરમિયાન તેમને અમેરિકન ઇન્ડિયન-ઇરોક્યુઅસ જાતિનો સંપર્ક થયો. તેમણે એક ક્લબ દ્વારા આ જાતિનાં ખાન-પાન, રિવાજો, ગીતો, ધાર્મિક માન્યતાઓ વગેરેની માહિતી મેળવી તેમની રજૂઆત લોકો આગળ કરવાનું ગોઠવ્યું હતું. તેમાંથી આ જાતિના શોષણના પ્રશ્નોની જાણ થતાં તેમને મદદ કરવાના હેતુથી તેમની સાથે વધુ ગાઢ સંબંધમાં આવવાનું તેમને થયું. તેમનો અભ્યાસ કરવાનો રસ જાગ્યો. તેમનો મુખ્ય રસ તો સગાઈ-વ્યવસ્થા તથા તેમની સામાજિક સંસ્થાઓના વિકાસને સમજવાનો રહ્યો હતો. તેમણે એ સંદર્ભમાં આ પુસ્તકો આપ્યાં : ´લીગ ઑવ્ ઇરૉક્વિસ´ (1851); ´સીસ્ટીમ્સ ઑવ્ કૉન્સૅન્ગ્વેનિટી ઍન્ડ એફિનિટી ઑવ્ હ્યૂમન ફૅમિલી´ (1870); ´એન્શન્ટ સોસાયટી : રિસર્ચ ઇન દ લાઇન્સ ઑવ્ હ્યુમન પ્રોગ્રેસ ફ્રૉમ સૅવેજરી થ્રુ બાર્બ્યારિઝમ ટુ સિવિલિઝેશન´ (1877); અને ´હાઉસ ઍન્ડ હાઉસ લાઇફ ઑવ્ દ અમેરિકન ઍબૉરિજિન્સ´ (1881).
તેમણે પ્રજાતીય અભ્યાસો દ્વારા માનવશાસ્ત્રમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેમના 1851ના પ્રથમ અભ્યાસમાં અમેરિકન ઇન્ડિયન-ઇરોક્યુઅસ જાતિની ભાષા, ભૌતિક સંપત્તિ જેવાં પાસાં ધ્યાનમાં લેવા ઉપરાંત તેઓ માતૃવંશીય હોઈ તેમની કુટુંબ અને સગાઈ-વ્યવસ્થામાં તેમણે વધુ રસ દાખવ્યો. અમેરિકન ઇન્ડિયન પરનો આ સૌપ્રથમ અભ્યાસ હતો. તેમણે તેમાં સગાઈ-વ્યવસ્થા વિશે વૈજ્ઞાનિક રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો અને તેમની સગાઈ-વ્યવસ્થાને વર્ગીકૃત વ્યવસ્થા (Classificatory) તરીકે ઓળખાવી; જ્યારે બીજી વ્યવસ્થાને વર્ણનાત્મક વ્યવસ્થા (Discriptive) તરીકે દર્શાવી. આ સંદર્ભમાં વધુ માહિતી મેળવવા અને તુલનાત્મક ખ્યાલ મેળવવા તેમણે 7 પાનાંની એક પ્રશ્નાવલી તૈયાર કરી 200 વ્યક્તિઓને પરદેશમાં મોકલી. વળી, કૅનસાસ, નબ્રાસ્કા, ઉત્તર મિસૂરીથી હસનના પથરાળ દરિયાઈ અને પર્વતીય વિસ્તારોમાં તેઓ જાતે તપાસ કરવા ગયા. ભારતમાં પણ માતૃવંશી સમુદાયોની જાણ થતાં ત્યાં પણ પ્રશ્નાવલી મોકલી માહિતી મંગાવી. આ બધાંના સંદર્ભમાં તેમનું 1870નું બીજું પુસ્તક બહાર આવ્યું. જેમાં તેમણે તુલનાત્મક પદ્ધતિ દ્વારા અમેરિકન ઇન્ડિયનો જેવું સગાઈ-વ્યવસ્થાનું વર્ગીકૃત માળખું ભારત-એશિયામાં પણ હોઈ રેડ ઇન્ડિયનોનું મૂળ એશિયામાં હોવાનું અને સ્થળાંતર પછી ત્યાં પહોંચ્યાનું અનુમાન કર્યું. વળી હવાઈયન સગાઈ-વ્યવસ્થા રેડઇન્ડિયનો કરતાં વધુ વર્ગીકૃત વ્યવસ્થા છે તેમ પણ તેમણે દર્શાવ્યું. આ પુસ્તકના અંતમાં લગ્નની ઉત્ક્રાંતિ વિશે પણ નોંધ કરે છે. તદનુસાર સુક્ત જાતીય સંબંધની સ્થિતિમાંથી સંસ્કૃતિનો વિકાસ થતાં ઉત્ક્રાંતિના 15 તબક્કાઓ પછી એકસાથી-લગ્નપ્રથાનો વિકાસ થયાનું માને છે. તેમના 1877ના પુસ્તકમાં તેઓ માનવજીવનની ઉત્ક્રાંતિના 3 ભાગ પાડી તેના 7 તબક્કાઓ દર્શાવે છે અને જંગલિયનની સ્થિતિમાંથી સભ્યતાના વિકાસક્રમનો એક નકશો દોરી આપે છે. તેઓ તેમના ´હાઉસ ઍન્ડ હાઉસ-લાઇફ ઑવ્ ધી અમેરિકન ઍબ્ઓરિજિન્સ´માં ભૌતિક સંસ્કૃતિને સામાજિક વિકાસ-સભ્યતાના વિકાસ સાથે સાંકળી આપે છે અને પુરાતત્વીય નમૂનાઓ સમાજ અને કુટુંબવ્યવસ્થા સાથે કઈ રીતે સંકળાયેલા છે તે સ્પષ્ટ કરે છે.
આમ તેઓ પ્રથમ તજ્જ્ઞ હતા, જેમણે વિશાળ પાયા પર માહિતીનું સંકલન કર્યું. સંસ્કૃતિની સમગ્ર સંકુલ વ્યવસ્થા દર્શાવી સંસ્થાઓ તેમાં કેવી રીતે આંતર-ગુંફિત છે તે દર્શાવ્યું. વળી ખાસ પ્રકારના પ્રશ્નને સમજવા માટે વ્યવસ્થિત પ્રશ્નાવલી-પદ્ધતિનો પ્રત્યક્ષ ક્ષેત્રકાર્યમાં સૌપ્રથમ ઉપયોગ તેમણે કર્યો. તેમણે સગાઈ-વ્યવસ્થાનું સૌપ્રથમ વૈજ્ઞાનિક વર્ગીકરણ દર્શાવ્યું અને વર્ગીકૃત સગાઈ-વ્યવસ્થા(Classificatory kinship system)ને સ્પષ્ટ કરી અને તે દ્વારા માનવશાસ્ત્રમાં આ પ્રકારના અભ્યાસનાં દ્વાર ખોલી આપ્યાં. મોર્ગને સગાઈ-વ્યવસ્થાના અભ્યાસ માટે વિવિધ વિસ્તારોમાંથી માહિતી મેળવી તુલનાત્મક અભ્યાસપદ્ધતિનો પ્રથમ વાર ઉપયોગ કર્યો. એ રીતે માનવશાસ્ત્રમાં તેમનું પ્રદાન ઘણું મહત્વનું રહ્યું છે.
અરવિંદ ભટ્ટ