મૉરો, ગુસ્તાવ (જ. 6 એપ્રિલ, 1826, પૅરિસ; અ. 18 એપ્રિલ, 1898 પૅરિસ) : ફ્રેન્ચ પ્રતીકવાદી ચિત્રકાર. તેમણે ´ઇમૅલ દે બ્યૉં આર્ટ્ઝ´માં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યાં જ તે 1892માં ચિત્રકલાના પ્રોફેસર નિમાયા. આ કલાસંસ્થાને રાજા લૂઈ ચૌદમાએ રાજકીય માન્યતા આપી હતી. બહુધા તે પ્રાચીન પુરાણપ્રસંગો તથા બાઇબલમાંથી મોટેભાગે દુષ્ટ ભાવો પ્રેરનારાં ચિત્રો માટે જાણીતા હતા. ´ધી ઍપેરિશન´ ચિત્રથી તે જાણીતા બન્યા. આ ચિત્રમાં નૃત્યમગ્ન રાણી સલોમીને ઝળહળતા પ્રકાશમાં જૉન ધ બૅપ્ટિસ્ટનું મસ્તક દેખાય છે, તે પ્રસંગનું નિરૂપણ છે. સલોમીનો આકર્ષક દેહ, લોહી નીંગળતું કપાયેલ મસ્તક તથા મહેલનું રહસ્યમય વાતાવરણ ઘાતકી હિંસા અને કામભાવ જગાડનાર પરાવાસ્તવવાદી સ્વપ્ન ખડું કરે છે. યુવાનીમાં ખ્યાતિથી દૂર રહેનાર મૉરોને પાછલી જિંદગીમાં સામાજિક સ્વીકૃતિ મળી હતી. મૉરોને માતિસ અને રૂઓ જેવા પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓ મળ્યા અને તેમણે અગ્રેસર આધુનિક ચિત્રકારોમાં સ્થાન મેળવ્યું.
અમિતાભ મડિયા