મૉરેસ, ડૉમ (જ. 19 જુલાઈ 1938, મુંબઈ; અ. 2 જૂન, 2004 મુંબઈ) : અંગ્રેજીમાં લખતા ભારતીય કવિ. તેમના કાવ્યસંગ્રહ ´સેરેન્ડિપ´ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1994ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. તેમના લેખક-પિતા (અને એક વખતના ´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´ના તંત્રી) ફ્રૅન્ક મૉરેસ સાથે તેમણે નાનપણમાં જ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને અગ્નિ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો. શાળાનો અભ્યાસ મુંબઈમાં પૂરો કર્યા પછી, તેમણે ઑક્સફર્ડમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો (1956–59).
લંડનમાં પ્રસિદ્ધ થયેલા તેમના સર્વપ્રથમ કાવ્યસંગ્રહ ´એ બિગિનિંગ´ને 1958માં હૉથૉરડન પ્રાઇઝ સાંપડ્યું હતું. આ પ્રતિષ્ઠિત ઍવૉર્ડ મેળવનાર તેઓ સૌથી નાની વયના અને સર્વપ્રથમ બિન-બ્રિટિશ લેખક હતા. તે પછીની તેમની કૃતિ ´પોએમ્સ´(1960)ને પોએટ્રી બુક ઍવૉર્ડ મળ્યો હતો. તે પછી ´જૉન નૉબડી ઍન્ડ બેડલૅમ ઍન્ડ અધર્સ´ કાવ્યસંગ્રહ લંડનમાં અને ´પોએમ્સ 1955–65´ અમેરિકામાં પ્રગટ થયા. 15 વર્ષના ગાળા પછી, 1982માં ´ઍબ્સન્સ´ પ્રકાશન પામ્યો. તેના પગલે પૅંગ્વિન તરફથી ´ક્લેક્ટેડ પોએમ્સ 1957–87´ બહાર પડ્યો. ´સેરેંડિપ´ એ 1990માં પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ છે. તેમના 9 કાવ્યસંગ્રહોમાં ´ધ બ્રાસ સર્પન્ટ´ નામક હિબ્રૂ ભાષાના અનુવાદોના સંગ્રહ પણ સમાવિષ્ટ છે. તેમણે 20 ગદ્યકૃતિઓનું પણ સર્જન કર્યું છે અને તેમાં કેટલાંક પ્રવાસવર્ણનો, શ્રીમતી ઇંદિરા ગાંધીની જીવનકથા તેમજ બહુ જાણીતી બનેલી તેમની 2 ગ્રંથની આત્મકથાનો સમાવેશ થાય છે. અખબારના ફરતા વૃત્તાંતનિવેદક તરીકે, બી.બી.સી. અને ટી.વી. ડૉક્યુમેન્ટરી સ્ક્રિપ્ટ-લેખક તરીકે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના સાહિત્યિક પરામર્શક તરીકે તેમણે વિશ્વના લગભગ તમામ ભાગોમાં પ્રવાસ કર્યો છે. એક કટારલેખક તરીકે ભારતમાં તથા ઇંગ્લૅન્ડમાં તેમની ભારે માગ છે.
તેમનો પુરસ્કૃત કાવ્યસંગ્રહ ડૉમ મૉરેસની કાવ્યકલાનાં તમામ ઉત્કૃષ્ટ તત્વોનાં અને ખાસ કરીને તો તેમની સંકેતપરક વિશેષતા તથા સંયત કથનના સર્વોત્તમ પ્રતીકરૂપ છે. આ સંગ્રહનાં કેટલાંક કાવ્યોની ઑડેન તથા સ્પેન્ડર જેવા નામી કવિઓએ પણ પ્રશંસા કરી હતી. પ્રતિભાસંપન્ન કાવ્યકસબ, ઇતિહાસ તથા પુરાણ-પ્રસંગોમાંનું તેમનું અવગાહન, નિ:શબ્દ લયાત્મકતા, કાવ્યવિષયો તથા ઊર્મિભાવોનું વ્યાપક વૈવિધ્ય, જીવન પરત્વેનો પરિપક્વ તથા ભાવુકતામુક્ત અભિગમ જેવી તેમની લાક્ષણિકતાને કારણે અંગ્રેજીમાં લખાયેલ ભારતીય કવિતામાં તે મૂલ્યવાન યોગદાન લેખાય છે.
મહેશ ચોકસી