મૉરેવિયા, આલ્બર્તો (જ. 28 નવેમ્બર 1907, રોમ; અ. 1990) : ઇટાલીના વાર્તાકાર, નવલકથાકાર અને પત્રકાર. તેમના કથાસાહિત્યમાં આલેખાયેલાં સામાજિક અળગાપણા તથા પ્રેમવિહીન કામુકતા બદલ તેઓ જાણીતા છે.
તેમને 16 વર્ષની વયે ક્ષય લાગુ પડ્યો પણ સૅનેટૉરિયમમાંનાં બે વર્ષ દરમિયાન તેમણે ફ્રેન્ચ અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો; બૉકાચિયો, ઍરિયૉસ્ટો, શેક્સપિયર તથા મૉલિયેરની કૃતિઓનું વાચન કર્યું અને ત્યારબાદ તેમણે લખવાનો પ્રારંભ કર્યો. થોડો વખત તેઓ તુરીનમાં પત્રકાર તરીકે રહ્યા તથા લંડનમાં વિદેશી ખબરપત્રી તરીકે કામ કર્યું.
તેમની પ્રથમ નવલ ´ગ્લિ ઇન્ડિફરન્ટ´(1929 – ´ટાઇમ ઑવ્ ઇન્ડિફરન્સ´, 1953)માં એક મધ્યમવર્ગીય માતા અને તેનાં બે બાળકોના નૈતિક ભ્રષ્ટાચારનું વાસ્તવલક્ષી અને કડવાશભર્યું આકરું આલેખન છે. આ પુસ્તકે ખળભળાટ મચાવી મૂક્યો હતો. તેમની બીજી કેટલીક મહત્વની નવલકથાઓમાં ´ચૅગૉસ્ટિનો´ (1944 – ´ટુ ઍડોલેસન્ટ´, 1950), ´લા ડિસઅબિડિએન્ઝા (1948 – ડિસઓબીડિયન્સ, 1950) તથા ´ઇલ કન્ફર્મિસ્તા´(1951 – ´ધ કન્ફર્મિસ્ટ´, 1952)નો સમાવેશ થાય છે. એ તમામમાં એકાકીપણાનો અને અળગાપણાનો વિષય વણાયેલો છે. ´લા સિયોસિયારા´ (1957 – ´ટુ વિમેન´, 1974)માં બીજા વિશ્વયુદ્ધ પછીની ઇટાલીની જીવનશૈલીનું કથાવસ્તુ છે; તેના પરથી પ્રખ્યાત ચલચિત્રનું પણ નિર્માણ થયું હતું.
ટૂંકી વાર્તાઓના સંગ્રહમાં ´રોમન ટેલ્સ´ (1956) તથા ´મૉર રોમન ટેલ્સ´(1963)નો સમાવેશ થાય છે. ´રિકૉન્તી દિ આલ્બર્તો મૉરેવિયા´માં અગાઉની ટૂંકી વાર્તાઓનો સંચય છે. ઉત્તરાર્ધના વાર્તાસંગ્રહમાં ´ઇલ પૅરડિસો´ 1970, (´પૅરડાઇઝ´), ´લેડી ગોડિવા´ (1973) તથા ´બૉહ´ (1976), ´ધ વૉઇસ ઑવ્ ધ સી ઍન્ડ અધર સ્ટૉરિઝ´ (1978) મુખ્ય છે.
તેમની મોટાભાગની નવલકથાઓમાં લાગણીઓની શુષ્કતા, એકાકીપણું તથા અસ્તિત્વની હતાશાનું મુખ્ય કથાવસ્તુ હોય છે. લૈંગિક સહવાસ કે કામસંબંધો તથા લગ્નસ્થ પ્રેમોપચારને એક પલાયનવૃત્તિ (escape) તરીકે લેખવાની વ્યર્થતા આલેખી છે. વિવેચકોએ તેમની કોઈ પણ જાતના છોછ અને અલંકાર વગરની શૈલીની, તેમની મનોવૈજ્ઞાનિક પારગામિતાની, તેમના વર્ણનકૌશલ્યની તથા સાચુકલાં લાગતાં પાત્રો સર્જવાની નિપુણતાની તથા વાસ્તવલક્ષી સંવાદબાનીની પ્રશંસા કરી છે.
સાહિત્ય તથા વાસ્તવવાદ અંગેનાં તેમનાં મંતવ્યો ´મૅન ઍઝ ઍન એન્ડ´ (1966) નામના અત્યંત રસપ્રદ નિબંધસંગ્રહમાં વાંચવા મળે છે.
મહેશ ચોકસી