મૉરિસ, વિલ્સન (જ. 21 એપ્રિલ 1898, બ્રૅડફર્ડ, ઇંગ્લૅન્ડ; અ. 31 મે 1934, એવરેસ્ટ, હિમાલય) : અજોડ સાહસિક પર્વતારોહક. સામાન્ય કારીગર-પરિવારમાં જન્મ. વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અધવચ્ચે અભ્યાસ છોડી દઈને 18 વર્ષની વયે લશ્કરમાં જોડાયા અને ધીમે ધીમે સેકન્ડ લેફ્ટનન્ટના પદે પહોંચ્યા. 1917માં ફ્રાન્સમાં યુદ્ધમાં બતાવેલ વીરત્વ બદલ તેમને લશ્કરી ´ક્રૉસ´ અપાયો હતો.
1919માં યુદ્ધ પૂરું થતાં લશ્કરમાંથી છૂટા કરાયા બાદ તેઓ બ્રૅડફર્ડ પાછા ફર્યા. પછી લંડન, લંડનથી અમેરિકા ખાતે, ત્યાંથી ન્યૂઝીલૅન્ડ ગયા. 10 વર્ષ પછી લંડન પાછા ફર્યા. રઝળપાટમાં તબિયત લથડતાં પ્રાર્થના અને ઉપવાસનો આશ્રય લીધો. તેમણે 35 જેટલા ઉપવાસ ખેંચી કાઢ્યા, પરિણામે તબિયત સુધરી અને વજન વધ્યું. તેઓ આ રીતે ઉપવાસ ને પ્રાર્થનાના ચમત્કારથી પ્રભાવિત થયેલા.
1924માં ભારતમાં હિમાલયના એવરેસ્ટ પર થયેલ આરોહણનું તથા દુર્ઘટનાનું વર્ણન તેમણે વાંચ્યું અને એકાએક એ દુર્દાન્ત શિખર પર એકલા પહોંચવાનું મનમાં સાહસ જાગ્યું. મનથી ર્દઢ સંકલ્પ કરીને તેઓ લંડન પાછા ફર્યા. તમામ લાઇબ્રેરીઓમાંથી હિમાલયને લગતાં પુસ્તકો ને નકશા તેમણે ઉથલાવવા માંડ્યાં. મનમાં નિર્ધાર કર્યો કે શેરપાઓ કે ખચ્ચરની મદદ વિના જ વિમાનની મદદથી એવરેસ્ટ પહોંચવું.
તે કદી વિમાનમાં બેઠા નહોતા, વિમાન ચલાવતાં પણ આવડતું નહોતું. પહાડનું ચઢાણ પણ કદી કર્યું નહોતું, પરંતુ જરા પણ નાસીપાસ થયા વિના મહાન વિમાની પ્રવાસોનાં વૃત્તાંતો વાંચ્યાં. પાઇલટો સાથે ચર્ચા કરી, વિમાન ઉત્પાદક કંપનીઓની મુલાકાતો લીધી. એ પછી તેમણે ´જિપ્સી મૉથ´ નામનું 55થી 100 હૉર્સપાવરનું વપરાયેલું વિમાન ખરીદ્યું. તેના પર ´એવર-રેસ્ટ´ (ever-wrest) નામ ચિતરાવ્યું. નિગેલ ટૅનગાય પાસેથી ઉડ્ડયનની ઘનિષ્ઠ તાલીમ લીધી. અડગ હિંમત અને અફર નિર્ણય સાથે ઉડ્ડયન અંગેનું ´એ´ પ્રમાણપત્ર મેળવ્યું, પછી આરોહણ માટેની આવશ્યક સામગ્રીની ખરીદી કરી. તેમાં તંબૂ, સ્લીપબૅગ, ગરમ છતાં હવાથી અભેદ્ય કપડાં, ઊંચાઈમાપક યંત્ર, ઑટોમૅટિક કૅમેરા વગેરે ખરીદ્યાં. રોજ પંદર પંદર માઈલ ચાલવા અને વેલ્સ ગિરિમાળાઓમાં ચઢાણો ચઢવાનું શરૂ કર્યું.
21 મે, 1933ના રોજ તેમણે પ્રયાણ કરવાનું જાહેર કર્યું. સરકારે તેમનું ઉડ્ડયન અટકાવવા મોકલેલ તારના ટુકડા કરી તેમણે ઉડ્ડયન શરૂ કર્યું. બ્રિટિશ સરકારે તેમનો પીછો કર્યો. બસરાની વિમાનપટ્ટી તેમને માટે બંધ કરી દેવાતાં તેઓ અરબસ્તાનના રણની સમાંતર ઉડ્ડયન કરી બહેરીન પહોંચ્યા. ત્યાંથી ઇંધન મેળવી ઈરાનને બદલે બલૂચિસ્તાનના માર્ગે અનેક મુસીબતો અને ખતરા ઓળંગી હિંદમાં પૂર્ણિયા મુકામે ઊતર્યા. ત્યાં તેમનું વિમાન બ્રિટિશ સરકારે જપ્ત કર્યું; અને હિમાલય પહોંચવા પર મનાઈ ફરમાવી. ખોટા બહાના હેઠળ વિમાન પાછું મેળવી પૂર્ણિયાથી સીધા તેઓ દાર્જીલિંગ પહોંચ્યા. તેઓ એકાકી આરોહક હોવાથી તેમને સાથ આપવા કોઈ તૈયાર નહોતું. 3 અઠવાડિયાં સુધી ઉપવાસ ખેંચ્યા અને પ્રાર્થના કર્યે રાખી. તેથી 3 અનુભવી શેરપાઓ તેમને સાથ આપવા તૈયાર થયા.
21 માર્ચ, 1934થી આરોહણનો બીજો તબક્કો શરૂ થયો. તિબેટના લામાના વેશમાં દાર્જીલિંગથી ધરાતલ અને ધરાતલથી વહેલી સવારે હજારો મીટર ઊંચે હેમાળા પવનની ઝડીઓ ઝીલતા લાંબી ફલાંગે આગળ વધ્યા, અને પેટ્રોલ-પોલીસના હાથે પકડાઈ જવાની બીકે અંધારામાં કપરાં ચઢાણો ચઢવાનું ચાલુ રાખ્યું. રટલેજની ટુકડીને જ્યાં પહોંચતાં 35 દિવસ લાગેલા તે રૉંગબક મઠે તે 25 દિવસમાં પહોંચી ગયા. બૌદ્ધ મઠમાં 2 દિવસ આરામ કર્યા પછી લામાના વેશનો ત્યાગ કર્યો અને વિન્ડપ્રૂફ સૂટ ચડાવી પ્રયાણની તૈયારી કરી. શેરપાઓ હવે તેમની સાથે આગળ આવવા તૈયાર ન થતાં 45 રતલનો પોતાનો થેલો ખભે ચડાવી એકલવીરે ચઢાણ ચાલુ કર્યું. કૅમ્પ્રોન (લોખંડી નહોર) પણ સાથે ન લીધા હોવાથી રૉંગબક હિમનદની પૂર્વ બાજુએ પહોંચતાં જ કસોટી શરૂ થઈ. બરફના ટુકડા તીરની જેમ માથે ભટકાવા લાગ્યા, શ્વાસ રૂંધાવા લાગ્યો. થેલાનું વજન વધતું જતું લાગતાં ખોરાકનાં કેટલાંક પૅકેટો બહાર ફેંકી દીધાં. કેવળ ર્દઢ મનોબળથી હિમગર્તાઓ વચ્ચે લથડતાં ગબડતાં 6,248.4 મીટરની ઊંચાઈએ પહોંચ્યા. હિમપવનો હાડ થિજાવી દેતા હતા, છતાં આ સાહસને દેવપ્રેરિત માનીને અકડાઈ ગયેલા શરીરે રટલેજના ત્રીજા પડાવ સુધી પહોંચ્યા.
હવે નૉર્થ કોલના કરાળ અને ભારે ખતરનાક માર્ગે લગભગ 8,534.4 મીટરની ઊંચાઈને આંબવા તેમણે ચઢાણ શરૂ કર્યું. 31 મેની સવારે પોતાની ડાયરીમાં ´પુન: પ્રયાણ ! કેવો મહાન આ દિવસ !´ – એવી નોંધ પછી એ રાત્રે શૂન્યથી 50 અંશ નીચેના તાપમાનવાળા સ્થળે ઉન્નત મસ્તકે એવરેસ્ટ પદાક્રાન્ત કરાયાના અનેરા ખ્યાલ સાથે સદાને માટે પોઢી ગયા.
એક વર્ષ બાદ 9 જુલાઈ, 1935ના રોજ પ્રસિદ્ધ પર્વતારોહક એરિક શિપ્ટનની ટુકડીને તેમનું થીજી ગયેલું શબ જેવી ને તેવી હાલતમાં હાથ લાગ્યું હતું. ત્યાંથી તેમના તંબૂનાં તૂટેલાં દોરડાં, થેલો અને થેલામાંથી તેમની ડાયરી હાથ લાગ્યાં હતાં. આમ વિલ્સન પોલાદી ઇચ્છાશક્તિવાળા અણનમ ધ્યેયને વરેલા મરજીવા હતા.
બળદેવભાઈ કનીજિયા