મૉરિસ, ડૅસમંડ (જૉન) (જ. 24 જાન્યુઆરી 1928 Wilt Shire England U.K.) : બ્રિટનના નિપુણ પ્રાણીવિશારદ અને લેખક. તેમણે બર્મિગહામ અને ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; તે પછી નિકોલસ ટિંબરગનના હાથ નીચે પ્રાણી-વર્તન વિશે સંશોધન કર્યું. પછી લંડન ઝૂ ખાતે ગ્રેનાડા ટી.વી. ફિલ્મ યુનિટના વડા તરીકે 1956 –59 દરમિયાન કાર્ય કર્યું. 1959–67 સુધી તે ઝૂઓલૉજિકલ સોસાયટીમાં સસ્તન પ્રાણીઓના વિભાગના ક્યૂરેટર તરીકે રહ્યા. તે પછી તે જાહેર પ્રજા સમક્ષ પ્રાણીજગતની વર્તણૂક વિશે નિદર્શન આપીને સમજૂતી આપતા.
તેમણે વૈજ્ઞાનિક ઢબે અને શાસ્ત્રીય ર્દષ્ટિએ તૈયાર થયેલા અનેક શોધ-નિબંધો પ્રગટ કર્યા હતા. માનવ-વર્તનને લગતું તેમનું પુસ્તક ‘ધ નેકેડ એપ’ (1967) શ્રેષ્ઠ વેચાણ (bestseller) માટેનું પુસ્તક નીવડ્યું હતું. તેમણે સમાજવિજ્ઞાન અને પ્રાણીવિજ્ઞાનને લોકભાગ્ય બનાવ્યાં. વળી પ્રાણીવર્તન અને સામાજિક વર્તણૂકના વિષયને અનુલક્ષીને ટી.વી.ના અનેક કાર્યક્રમો તૈયાર કર્યા હતા. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘ધ હ્યૂમન ઝૂ’ (1969), ‘મૅનવૉચિંગ’ (1977), ‘ધ સૉકર ટ્રાઇબ’ (1981), ‘કૅટવૉચિંગ’ તથા ‘ડૉગવૉચિંગ’ (બંને 1986), ‘ઍનિમલ-વૉચિંગ’ (1990) તેમજ ‘ઇલસ્ટ્રેટેડ બેબીવૉચિંગ’(1995)નો સમાવેશ થાય છે.
મહેશ ચોકસી