મૉરિસન, હર્બર્ટ સ્ટૅન્લી (જ. 3 જાન્યુઆરી 1885, લંડન; અ. 6 માર્ચ 1965, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રાજનીતિજ્ઞ. ગરીબ પોલીસ કર્મચારીનું સંતાન હોવાથી 14 વર્ષની નાની વયે જ તેમણે કામ કરવાનું શરૂ કર્યું અને યુવાન તરીકે મજૂર-પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તેઓ 1915માં સ્થાનિક મજૂર-પક્ષના નેતા બન્યા અને 1947 સુધી આ પક્ષમાં સક્રિય કામગીરી બજાવી. 1920માં લંડનના હૅકની (Hackney) પરગણાના નગરપતિ ચૂંટાયા. ત્યારબાદ 1922માં લંડન કાઉન્ટી કાઉન્સિલના સભ્ય બન્યા. આ કામગીરી દરમિયાન લંડનની આસપાસના વિસ્તારની ઝૂંપડપટ્ટીની નાબૂદીનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધર્યો. લંડન ફરતે હરિત-પટ્ટા વિસ્તાર (green-belt area) જાળવવા માટેનો કાયદો ઘડવામાં તેમની ભૂમિકા મહત્વની હતી.
1923માં તેઓ પ્રથમ વાર સાંસદ તરીકે ચૂંટાયા અને ત્યારબાદ 1929માં અને 1931માં ફરીફરીને સાંસદ તરીકે ચૂંટાયેલા. 1930માં રોડ ટ્રાફિક ઍક્ટ અને 1931માં લંડન પૅસેન્જર ટ્રાન્સપૉર્ટ ઍક્ટના ઘડતરમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન 1940માં બ્રિટનમાં રચાયેલી સંયુક્ત સરકારમાં તેઓ ગૃહપ્રધાન થયા અને 1942થી 1945ના વિન્સ્ટન ચર્ચિલના યુદ્ધ-મંત્રીમંડળના સભ્ય રહ્યા.
1945માં ક્લેમન્ટ ઍટલીની મજૂર સરકારના શાસન દરમિયાન આમસભાના મજૂર-પક્ષના નેતા અને નાયબ વડાપ્રધાન હતા. આ ગાળા દરમિયાન મજૂર-પક્ષે સમાજવાદની સ્થાપના માટે જે મધ્યમમાર્ગી નીતિઓ સ્વીકારી તેમાં તેમણે મહત્ત્વનું પ્રદાન કરેલું. 1951માં અલ્પજીવી મજૂર સરકારમાં વિદેશમંત્રી હતા અને આ જ વર્ષે રૂઢિચુસ્ત પક્ષની સરકારની રચના થઈ ત્યારે તેઓ વિરોધપક્ષના નાયબ નેતા વરાયા હતા. 1959માં તેઓ આમસભામાંથી નિવૃત્ત થયા ત્યારે તેમને ઉમરાવપદની નવાજેશ કરવામાં આવી હતી.
‘સોશ્યલાઇઝેશન ઍન્ડ ટ્રાન્સપૉર્ટ’ (1933), ‘હાઉ લંડન ઇઝ ગવર્ન્ડ’ (1949) અને ‘ઑન ગવર્નમેન્ટ ઍન્ડ પાર્લમેન્ટ’ (1954) તેમના મહત્વના ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ