મૉયનિહૅન, ડૅનિયલ પૅટ્રિક (જ. 16 માર્ચ 1927, ટુલ્સા, ઓક્લહોમા; અ. 26 માર્ચ 2003 વૉશિંગ્ટન) : અમેરિકાના જાણીતા વિદ્વાન અને રાજકારણી. તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં તથા ટફ્ટ્સ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. ત્યારપછી સિરૅકૉઝ, હાર્વર્ડ તથા મૅસચૂસેટ્સના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ખાતે અધ્યાપનકાર્ય કર્યું.
તેમણે પ્રમુખ જૉન્સન તથા પ્રમુખ નિકસનના વહીવટી તંત્રમાં સેવા બજાવી હતી. ‘ધ નિગ્રો ફૅમિલી : ધ કેસ ફૉર નૅશનલ ઍક્શન’ (1965) નામક તેમનું પુસ્તક ભારે ટીકાત્મક અને ચર્ચાસ્પદ બની રહ્યું. 1973–74 દરમિયાન તેઓ ભારત ખાતેના એલચી રહ્યા હતા. 1976માં તેઓ ડેમૉક્રૅટ પક્ષ તરફથી સેનેટમાં ચૂંટાયા હતા.
મહેશ ચોકસી