મૉન્સૂન વેડિંગ (ચલચિત્ર) (2001) : આધુનિક ભારતમાં પંજાબી પરિવારની પરંપરાગત લગ્નવિધિ પર આધારિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત રંગીન સામાજિક હાસ્ય-ચલચિત્ર. ભાષા : પંજાબી, હિંદી, અંગ્રેજી. નિર્માત્રી : કેરોલિન બરેન, મીરા નાયર. દિગ્દર્શન : મીરા નાયર. પટકથા : સાબરિના ધવન. મુખ્ય કલાકારો : નસીરુદ્દીન શાહ, લિલેટ દુબે, શેફાલી શેટ્ટી, કુલભૂષણ ખરબંદા, પરવીન દાબસ, વિજય રાજ, વસુંધરા દાસ, રજત કપૂર, રોશન શેઠ.
દસ્તાવેજી શૈલીના આ ચલચિત્રમાં આધુનિક ભારતમાં પણ જે રીતે પરંપરાઓ જળવાઈ રહી છે તેને પંજાબી પરિવારમાંની લગ્નવિધિ મારફત હળવી શૈલીમાં કંડારાયું છે. નવી દિલ્હીમાં વસતા વર્મા પરિવારમાં દીકરી અદિતિનાં લગ્ન લેવાય છે ત્યારે દુનિયાભરમાં વસતાં નિકટનાં સગાંઓ લગ્ન માણવા એક પછી એક આવી પહોંચે છે. આ દરેક પાત્રની પોતપોતાની નોખનોખી કહાણીઓ છે. તેઓ ચાર દિવસ અને ચાર રાત સાથે રહે છે એ દરમિયાન તેમની વિવિધ કહાણીઓમાંથી કેટલાંક રહસ્યો પણ ઉજાગર થાય છે; જે ચિત્રની કથાને રસપ્રદ બનાવે છે. જેનાં લગ્ન થઈ રહ્યાં છે તે અદિતિ ટૅક્સાસના હસ્ટનમાં નોકરી કરતા એક યુવાન સાથે પરણવા તૈયાર થઈ છે, પણ હકીકતમાં તે જ્યાં નોકરી કરે છે તે સંસ્થાના વડાના પ્રેમમાં પડી ચૂકી છે. આ વ્યક્તિ પરિણીત છે. આવા બીજા પણ નાનામોટા પ્રશ્નો છે, જેને કારણે વર્મા પરિવારને ચિંતા થવા માંડે છે કે આ લગ્નપ્રસંગ વિના વિઘ્ને પૂરો થશે કે કેમ ?
હિંદી ચિત્રોમાં જે રીતે લગ્નપ્રસંગોનું નિરૂપણ કરવામાં આવે છે તેના પરથી પ્રેરણા લઈને આ ચલચિત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચિત્રનું શૂટિંગ માત્ર 30 દિવસમાં પૂરું કરવામાં આવ્યું હતું, પણ એ પહેલાં તમામ કલાકારો પાસે આખા ચિત્રનું પંદર દિવસ સુધી રિહર્સલ કરાવાયું હતું, જેથી કલાકારોના અભિનયમાં ક્યાંય કૃત્રિમતા ન જણાય.
ચિત્રને લગ્નપ્રસંગનું વાસ્તવિક રૂપ આપવા માટે અને તે લગ્નપ્રસંગે ઉતારાતી વીડિયો કૅસેટ જેવું દેખાય તે માટે તેને વીડિયો કૅમેરાથી શૂટ કરાયું હોય એ રીતે રજૂ કરવામાં આવ્યું છે.
‘મોન્સૂન વેડિંગ’ ચિત્રને પ્રતિષ્ઠિત વેનિસ ચલચિત્ર મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ ચિત્રનું ‘ગોલ્ડન લાયન’ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ પારિતોષિક મેળવનાર મીરા નાયર માત્ર ભારતનાં જ નહિ, વિશ્વમાં પ્રથમ નિર્દેશિકા બન્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ‘ગોલ્ડન ગ્લોબ’ પારિતોષિક માટે પણ આ ચિત્રને શ્રેષ્ઠ વિદેશી ચિત્ર તરીકે નામાંકન મળ્યું હતું.
મીરા નાયર દિગ્દર્શિત ‘સલામ બૉમ્બે’ને પણ ‘ફૉરેન લૅન્ગ્વેજ’ ચલચિત્રોનાં વર્ગમાં ઓસ્કાર માટે નામાંકન મળ્યું હતું.
હરસુખ થાનકી