મૉન્ટ-ફર્ડ સુધારા (1919) : પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું એ દરમિયાન ઇંગ્લૅન્ડની સરકારને હિંદના સહકારની જરૂર હતી, તેથી હિંદી વજીર (સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા) લૉર્ડ મૉન્ટેગ્યુએ બ્રિટનની પાર્લમેન્ટમાં 20મી ઑગસ્ટ, 1917ના રોજ એવી જાહેરાત કરી હતી કે હિંદમાં ક્રમે ક્રમે વહીવટી સુધારા દાખલ કરી અંતે જવાબદાર રાજ્યતંત્ર દાખલ કરવામાં આવશે. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી આ જાહેરાતને અમલમાં મૂકવા માટે ઇંગ્લૅન્ડની સરકારે ઈ. સ. 1919માં મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારાની જાહેરાત કરી. એ સમયે હિંદી વજીર તરીકે લૉર્ડ મૉન્ટેગ્યુ અને ગવર્નર જનરલ તરીકે લૉર્ડ ચેમ્સફર્ડ હોવાથી એ સુધારા મૉન્ટ-ફર્ડ સુધારા તરીકે ઓળખાય છે. આ સુધારાઓની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે હતી :
(1) આ બંધારણીય કાયદાથી હિંદની કેન્દ્રીય ધારાસભા અને પ્રાંતોની ધારાસભાઓમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા. કેન્દ્રીય ધારાસભાને દ્વિગૃહી બનાવવામાં આવી. નીચલા ગૃહ(લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી)ની સભ્યસંખ્યા વધારીને 145 કરવામાં આવી. એમાં 104 સભ્યોની ચૂંટણી અને 41 સભ્યોની નિમણૂક થવાની હતી. ઉપલા ગૃહ(કાઉન્સિલ ઑવ્ સ્ટેટ)ની કુલ સંખ્યા 60ની રાખી હતી, જેમાં 33 સભ્યોની ચૂંટણી અને બાકીનાની નિમણૂક થવાની હતી. બજેટની 15 ટકા રકમો મંજૂરીની જરૂરવાળી (votable) અને 85 ટકા રકમો મંજૂરીની જરૂર વગરની (non-votable) હતી.
(2) વહીવટના વિષયોની કેન્દ્ર-સરકાર અને રાજ્ય-સરકારો વચ્ચે વહેંચણી કરવામાં આવી. આવકનાં સાધનોની પણ બંને વચ્ચે વહેંચણી કરવામાં આવી હતી.
(3) કેન્દ્રસરકારમાં બિનજવાબદાર વહીવટી તંત્ર ચાલુ રહ્યું, જ્યારે પ્રાંતોમાં અર્ધજવાબદાર રાજ્યતંત્ર અથવા દ્વિરાજ્ય પદ્ધતિ (ડાયાર્કી) દાખલ કરવામાં આવી. પ્રાંતોનાં ખાતાંઓને અનામત (reserved) ખાતાંઓ અને સુપરત (trasnferred) ખાતાંઓ – એમ બે વિભાગોમાં વહેંચવામાં આવ્યાં. અનામત ખાતાંઓનો વહીવટ ગવર્નરે નીમેલા સભ્યો દ્વારા અને સુપરત કરેલાં ખાતાંઓનો વહીવટ હિંદી પ્રધાનો દ્વારા કરવાનો હતો. હિંદી પ્રધાનો ઉપર ગવર્નરનો સંપૂર્ણ અંકુશ હતો.
(4) પ્રાંતોની ધારાસભાની સભ્યસંખ્યા વધારવામાં આવી. મતાધિકારનો વિસ્તાર કરવામાં આવ્યો. કેટલાક સભ્યોની ચૂંટણી કોમો અને વર્ગો દ્વારા થવાની હતી. ધારાસભાની મુદત ત્રણ વર્ષની રાખવામાં આવી. ધારાસભા કોઈ ખરડો નામંજૂર કરે તો ગવર્નર ખાસ સત્તાથી તેને મંજૂર કરી શકતો. પ્રાંતના બજેટની રકમોને પણ વોટેબલ અને નૉન-વોટેબલ – એમ બે વિભાગોમાં વહેંચવામાં આવી હતી. ગવર્નરને કેટલીક ખાસ સત્તાઓ અને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
(5) ઇંગ્લૅન્ડમાંના હિંદી વજીરની કાઉન્સિલને સલાહકાર સમિતિમાં ફેરવી નાખવામાં આવી. હિંદી વજીરની ઑફિસનો ખર્ચ બ્રિટિશ તિજોરીમાંથી આપવાનું નક્કી થયું. હિંદની સરકારને જવાબદાર હોય એવા એક કમિશનરની ઇંગ્લૅન્ડમાં નિમણૂક થઈ.
(6) આ કાયદાથી હિંદમાં દેશી રાજ્યોના રાજાઓનું એક નરેન્દ્રમંડળ (Chamber of Princes) રચવામાં આવ્યું, જે રાજકીય અને વહીવટી બાબતોમાં હંમેશાં અંગ્રેજ સરકારને ટેકો આપતું હતું. દર વર્ષે એની નિયમિત બેઠકો મળતી હતી.
આમ, આ મૉન્ટ-ફર્ડ સુધારાથી હિંદમાં કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાનો વિસ્તાર થયો. પ્રાંતોમાં કેટલાંક ખાતાંઓ હિંદીઓને સોંપવામાં આવ્યાં. તેથી તેમને વહીવટી અનુભવ મળ્યો. એક તરફ કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓને થોડી સત્તા આપવામાં આવી અને બીજી તરફ ગવર્નર જનરલ તથા ગવર્નરોની સત્તા વધારી ધારાસભાઓને બિનઅસરકારક બનાવવામાં આવી. તેથી આ સુધારાઓ કાગ્રેસને કે હિંદની પ્રજાને સંતોષી શક્યા નહિ અને જવાબદાર રાજ્યતંત્ર માટેની એમની માગણી ચાલુ જ રહી.
મુગટલાલ પોપટલાલ બાવીસી