મૉન્ટે કાર્લો : ફ્રાંસના અગ્નિકોણમાં આવેલું મૉનાકોની હકૂમત હેઠળનું નગર તથા પ્રવાસીઓના મનોરંજન માટેનું વિહારધામ. ભૌગોલિક સ્થાન : 43° 44´ ઉ. અ. અને 7° 25´ પૂ. રે.. તે ફ્રાંસના નાઇસ (Nice) નગરથી 14 કિમી. અંતરે, મૉનાકો નગરથી ઈશાન તરફ, ભૂમધ્ય સમુદ્રકાંઠા પર, મેરિટાઇમ આલ્પ્સની તળેટી પર વસેલું છે. ઓગણીસમી સદીના મધ્યકાળથી મૉન્ટે કાર્લો તેનાં જુગારખાનાં માટે જાણીતું બનેલું છે. અહીં એક સરકારી માલિકીનું અને બે ખાનગી માલિકીનાં જુગારખાનાં આવેલાં છે. મૉનાકોના નાગરિકો માટે અહીં જુગાર રમવાની મનાઈ ફરમાવેલી છે, પરંતુ દર વર્ષે હજારો પ્રવાસીઓ જુગારની વિવિધ રમતો રમવા અહીં આવે છે. 1878માં સ્થપતિ ગાર્નિયર દ્વારા સ્થપાયેલ જુગારખાના માટે, મોટર-સ્પર્ધા તથા મૉનાકો ગ્રાંડ પ્રીક્સ માટે મૉન્ટે કાર્લો દુનિયાભરમાં, વિશેષે કરીને યુરોપીય લોકોમાં, જાણીતું બનેલું છે.
અહીંનાં જુગારખાનાંમાં દર વર્ષે વિદેશી કંપનીઓને આમંત્રીને નૃત્ય-નાટિકાઓનું આયોજન કરવામાં આવે છે. શિયાળામાં તેમજ વસંતઋતુ દરમિયાન બીજા પણ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે છે. વર્ષમાં એક વાર અહીં મૉન્ટે કાર્લોમાં આંતરરાષ્ટ્રીય મોટરસ્પર્ધા (International Monaco Grand Prix) પણ યોજાય છે. અન્ય રમતોમાં ટેનિસ, ગૉલ્ફ, નૌકાસહેલગાહ, કબૂતર-નિશાનબાજીનો સમાવેશ થાય છે. અહીં આખુંય વર્ષ પ્રવાસીઓની અવરજવર રહેતી હોવાથી પહાડી ઢોળાવો પર સંખ્યાબંધ હોટલો તથા અન્ય ઇમારતો છે, જે તેની સુંદરતામાં ઉમેરો કરે છે. અહીં ઘણા બાગબગીચા અને રમતગમતની ક્લબો આવેલાં છે.
મૉન્ટે કાર્લો ભૂમધ્ય સમુદ્રીય ઉપઅયનવૃત્તીય આબોહવા ધરાવે છે. અહીંથી ઑલિવ ઑઇલ, નારંગીઓ અને સુગંધી દ્રવ્યોની નિકાસ થાય છે. મૉન્ટે કાર્લોની વસ્તી 2008ના અંદાજ મુજબ 31,109 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા