મૉન્ટિસીલાઇટ (Monticellite) : ઑલિવિન સમૂહનું ખનિજ. રાસા. બંધારણ : CaMgSiO4. સ્ફ. સ્વ. : નાના પ્રિઝ્મૅટિક સ્ફટિકો કે કણ સ્વરૂપમાં મળે. રંગ : રંગવિહીનથી રાખોડી. કઠિનતા : 5. વિ. ઘ. 3.2. પ્રકા.-સંજ્ઞા : –Ve, 2V = 75°. પ્રકા. અચ. : α = 1.65, β = 1.66, γ = 1.67. પ્રકાશીય દિક્સ્થિતિ ઑલિવિન જેવી. પ્રાપ્તિસ્થિતિ : તે મોટેભાગે કણશ: વિસ્થાપન પામેલા ચૂનાખડકોમાં મળે છે. કુદરતમાં પણ લોહસમૃદ્ધ ઑલિવિન કરતાં મૅગ્નેશિયમ-સમૃદ્ધ ઑલિવિનનું પ્રમાણ વધુ હોય છે. પ્રાપ્તિસ્થાનો : તે વિસુવિયસના માઉન્ટ સોમાના ચૂનાખડકોમાં જડાયેલા સ્ફટિકો રૂપે મળે છે. ઇટાલીના ટ્રેન્ટિનોમાં મૉન્ઝોની પાસે નાના નાના દળદાર કણો રૂપે, આર્કાન્સાસમાં ગાર્લૅન્ડના ગરમ પાણીના ઝરાઓ નજીક મૅગ્નેટ ખાતે કૅલ્સાઇટમાં સ્ફટિકો તેમજ દાણાઓ રૂપે, તથા કૅલિફૉર્નિયામાં ક્રેસ્ટમૉર ખાતે અને ટાસ્માનિયામાં મળે છે.
ગિરીશભાઈ પંડ્યા