મૉન્ટસેરૅટ (Montserrat) : કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝના ભાગરૂપ લઘુ ઍન્ટિલ્સ (Lesser Antilles) ટાપુજૂથની લીવર્ડ દ્વીપશૃંખલા પૈકીનો એક ટાપુ. તે આશરે 16° 40´ ઉ. થી 16° 50´ ઉ. અક્ષાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલો છે અને તેના મધ્ય ભાગેથી 62° 12´ પ. રેખાંશવૃત્ત પસાર થાય છે. આ ટાપુ ઍન્ટિગુઆ ટાપુથી લગભગ 43 કિમી. દૂર નૈર્ઋત્યખૂણામાં આવેલો છે અને તે આશરે 18 કિમી. લંબાઈ તથા 11 કિમી. પહોળાઈ ધરાવે છે. તેનું કુલ ક્ષેત્રફળ લગભગ 102 ચોકિમી. જેટલું છે.

આ આખો ટાપુ જ્વાળામુખી-પ્રક્રિયાથી રચાયેલો છે; એટલે તે સૃષ્ટિસૌંદર્યથી ભરપૂર છે. દક્ષિણમાં આવેલું 915 મીટર ઊંચાઈ ધરાવતું તેનું સર્વોચ્ચ શિખર ‘ચાન્સિસ’ સોઉફ્રિરે નામના સક્રિય જ્વાળામુખીનું બનેલું છે. અહીંના ડુંગરાળ ભાગો પરથી સંખ્યાબંધ ઝરણાં વહીને સમુદ્રને મળે છે. ઊંચા-નીચા ભૂપૃષ્ઠને લીધે ઝરણાંના માર્ગ વચ્ચે જળધોધ અને જળપ્રપાતની રચના થયેલી છે. વળી અહીં ઠેર ઠેર ગરમ પાણીના ઝરા પણ જોવા મળે છે.

મૉન્ટસેરૅટ

ટાપુની ચારેય બાજુ સમુદ્રનાં જળ ઘૂઘવતાં હોવાથી સમુદ્રની શીતળ લહેરોની અસરને કારણે તેની આબોહવા નરમ અને ખુશનુમા રહે છે. અહીંનું સરેરાશ લઘુતમ તાપમાન 21° સે. થી 25° સે. તેમજ મહત્તમ તાપમાન 27° સે. થી 30° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ લગભગ 1,448 મિમી. રહે છે. આ ઉપરાંત આ ટાપુ પર ઉનાળામાં જૂનથી નવેમ્બર વચ્ચેના સમયગાળામાં વંટોળ-હરિકેન ત્રાટકે છે અને કેટલીક વાર જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે. અહીંના ઊંચા પહાડી ઢોળાવો પર ગીચ ઉષ્ણકટિબંધીય જંગલો છવાયેલાં છે અને નીચા ઢોળાવો ઝાંખરાંથી આચ્છાદિત છે. વળી કેટલાક ભાગોમાં ખેતી કરવામાં આવે છે.

આ ટાપુનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી તથા પ્રવાસન પર આધારિત છે. અહીંની લાવાની બનેલી કાળી ફળદ્રૂપ જમીનોમાં ભૂતકાળમાં સમુદ્રદ્વીપના કપાસ(sea island cotton)ની ખેતી અગત્ય ધરાવતી હતી; પણ આજે હવે શેરડી, બટાટા, ડુંગળી, ગાજર, ટમેટાં, મરી, અનેનાસ, લીંબુ વગેરે પાકોની નિકાસલક્ષી ખેતી મહત્ત્વ ધરાવે છે. વળી ખેતીની સાથે સાથે પશુપાલનપ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. અહીંથી પશુપેદાશોની પણ નિકાસ થાય છે.

આ ટાપુ પરની હરિયાળી વનરાજિ, કલકલ નિનાદ કરતાં ઝરણાં અને એ જ ઝરણાંના માર્ગ પર ધોધરૂપે ઊંચાઈએથી ખાબકતો ગર્જના કરતો જળપ્રવાહ, ગરમ પાણીના ઝરા વગેરે પર્યટકોને નિતાંત આકર્ષતાં રહે છે. વધુમાં પર્યટકો અહીં સક્રિય જ્વાળામુખી જોવાનો લહાવો પણ મેળવે છે. આ ટાપુના અર્થતંત્રમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો અગત્યનો છે અને તેના દ્વારા તે 15 ભાગની આવક મેળવે છે. મોટેભાગે કૅનેડા અને યુ. એસ.ના નોકરીમાંથી નિવૃત્ત થયેલા લોકો અહીં આવે છે અને લાંબો સમય રોકાય છે. અહીં પ્રવાસન માટેની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ટાપુ સારા પ્રમાણમાં પાકી સડકો પણ ધરાવે છે. પ્લિમથ (plymouth) બંદરનું બારું, એ આ ટાપુમાં પ્રવેશ કરવા માટેનું એકમાત્ર દ્વાર છે. પ્લિમથથી આશરે 13 કિમી. દૂર બ્લૅકબર્ન હવાઈ મથક આવેલું છે. પ્રવાસન ઉપરાંત અહીં તૈયાર વસ્ત્રો, પ્લાસ્ટિકની થેલીઓ, વાહનોના ભાગો (automotive parts), વીજાણુ-ભાગો (electronic components), વાતશૂન્ય ડબ્બામાં અનેનાસનું પૅકિંગ વગેરેને લગતા નાના પાયાના ઉદ્યોગો ચાલે છે.

આ ટાપુની વસ્તી આશરે 4,900 (2012) છે. આ પૈકીના મોટાભાગના લોકો આફ્રિકન ગુલામોના વંશજો છે અને તેઓ રંગે શ્યામ છે. ગોરા યુરોપિયનો સંખ્યાની ર્દષ્ટિએ બીજા ક્રમે તેમજ મિશ્ર જાતિના લોકો ત્રીજા ક્રમે આવે છે. અહીંની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને પૅટોઇસ (Patois) ભાષા પણ ઉપયોગમાં લેવાય છે. અહીં શિક્ષણનું પ્રમાણ લગભગ 53 % જેટલું છે. અહીંના લોકો ખ્રિસ્તી ધર્મના વિવિધ સંપ્રદાયોનું અનુસરણ કરે છે. આ ટાપુનું મુખ્ય વહીવટી મથક અને બંદર પ્લિમથ છે. તેમાં આ ટાપુની આશરે આઠમા ભાગની વસ્તી વસવાટ કરે છે. પશ્ચિમ કાંઠા પરનું તેનું ભૌગોલિક સ્થાન તેને વંટોળ (હરિકેન) સામે સુરક્ષા પૂરી પાડે છે.

ઐતિહાસિક ભૂમિકા : ઈ. સ. 1493ની નવી દુનિયાની તેની બીજી સફરમાં ક્રિસ્ટોફર કોલંબસ આ ટાપુ પર જ્યારે આવ્યો ત્યારે તેને જોતાવેંત જ તેની સમક્ષ સ્પેનના મૉન્ટસેરૅટનું પહાડી ભૂમિર્દશ્ય ખડું થયું. આથી એકસમાન ભૂસપાટીને અનુલક્ષીને તેણે આ ટાપુને ‘મૉન્ટસેરૅટ’ નામ આપ્યું.

ઈ. સ. 1632માં સેન્ટ કિટ્સ (સેન્ટ ક્રિસ્ટોફર) ટાપુમાંથી સૌપ્રથમ અહીં કેટલાક અંગ્રેજો અને આઇરિશ વસાહતીઓએ વસવાટ કર્યો અને પાછળથી વર્જિનિયામાંથી આવેલા વધુ આઇરિશ વસાહતીઓનો ઉમેરો થયો. શરૂઆતમાં તેમણે અહીં તમાકુ અને ગળીની અને ત્યારબાદ કપાસ તથા શેરડીની ખેતીનો વિકાસ કર્યો. ઈ. સ. 1664માં ખેતીમાં મજૂરી કરાવવા માટે આફ્રિકાના હબસી ગુલામોને લાવવામાં આવ્યા અને ટાપુની વસ્તીમાં ધીમે ધીમે વધારો થતો ગયો. ઈ. સ. 1805માં અહીંની વસ્તીનો આંક 9,000 સુધી પહોંચી ગયો. અહીંના સફિયેર જ્વાળામુખીનાં પ્રસ્ફુટનોને કારણે વસ્તી ઘટી જવા પામી છે. 2007 મુજબ તેની વસ્તી 4,800 જેટલી છે. જોકે કોઈ કોઈ વાર ફ્રેંચ દળો અને કૅરિબ ઇન્ડિયનો દ્વારા અહીંના વસાહતીઓની પજવણી પણ થતી હતી. ઈ. સ. 1664, 1667 અને 1782માં ટૂંકા સમયગાળા માટે ફ્રેંચોએ આ ટાપુને પોતાને હસ્તક લઈ લીધો હતો, પણ ઈ. સ. 1783માં બ્રિટને તેને પરત મેળવેલો.

ઈ. સ. 1871થી 1956 સુધી તે બ્રિટનનું સંયુક્ત સંસ્થાન (federal colony) બન્યો. ઈ. સ. 1958માં તે બ્રિટનના વેસ્ટ ઇન્ડિઝના સંઘમાં જોડાયો, પણ ઈ. સ. 1962માં આ સંઘ બરખાસ્ત થયો. તે તેના નબળા અર્થતંત્રને લીધે બ્રિટન પાસેથી સ્વાતંત્ર્ય મેળવી શક્યો નથી. જોકે હવે તે આત્મનિર્ભર જરૂર બન્યો છે.

બીજલ પરમાર