મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ

February, 2002

મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ (જ. 1612; અ. 20 મે 1650, એડિનબરો) : સ્કૉટલૅન્ડના કૅપ્ટન-જનરલ, માત્ર 14 વર્ષની વયે તેઓ તેમના પિતા પછી મૉન્ટરોઝના પાંચમા અર્લ (ઉમરાવ) બન્યા હતા. તેમણે સેન્ટ ઍન્ડ્રુઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને 17 વર્ષની વયે સૉથેસ્કના ભાવિ અર્લની પુત્રી મૅગ્ડેલિન કાર્નેગી સાથે લગ્ન કર્યાં હતાં. 1637માં ચાર્લ્સ પહેલાએ ધર્મનું એકસરખી રીતે પાલન કરાવવાના પ્રયત્નથી સ્કૉટલૅન્ડમાં અશાંતિ સર્જાઈ હતી. મૉન્ટરોઝ વિરોધ પક્ષના હિમાયતી હતા અને 1638માં તેમણે ધર્મોપદેશક સંબંધી ફેરફાર સામે વિરોધ દર્શાવતા દસ્તાવેજ-કરાર પર સહી કરી હતી. તે તેમના રાજાને વફાદાર હતા, પરંતુ રાજાએ પક્ષાપક્ષીથી પર રહેવું જોઈએ અને પાદરીઓનો સમૂહ જ ધાર્મિક ફરજો સાથે સંપૂર્ણપણે જોડાયેલો હોવો જોઈએ એમ તેઓ માનતા હતા. આ કરારનો વિરોધ થતાં તેને મૉન્ટરોઝે સખત હાથે દાબી દીધો હતો.

જેમ્સ ગ્રેહામ મૉન્ટરોઝ

1642માં ઇંગ્લિશ આંતરવિગ્રહ ફાટી નીકળ્યો ત્યારે કરાર કરનારાઓએ સામાન્ય રીતે ઇંગ્લિશ પાર્લમેન્ટનો પક્ષ લીધો હતો. મૉન્ટરોઝ ચાર્લ્સ પહેલાને વફાદાર રહ્યા હતા, પરંતુ સ્કૉટલૅન્ડમાં રાજાના સમર્થનમાં નવો મોરચો ઊભો કરવામાં ડ્યૂક ઑવ્ હૅમલ્ટને તેમને અટકાવ્યા હતા. જોકે 1644માં કરાર કરનારાઓનું સૈન્ય ક્રૉમવેલને મદદ કરવા અને મૉન્ટરોઝ સાથે ટકરાવા દક્ષિણ તરફ કૂચ કરી ગયું હતું.

મૉન્ટરોઝનો પ્રથમ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો હતો, પરંતુ 3,500 જેટલા સૈનિકો સાથે તેઓ પહાડી પ્રદેશમાં ચડી ગયા અને આઇરિશ સૈનિકોના અંતરંગ ભાગને ઘેરો ઘાલ્યો. કરાર કરનારાઓએ મૉન્ટરોઝને શોધી કાઢી તેમને મારી નાખવાના ભારે પ્રયાસો કર્યા; પણ તેઓ કુશળતાપૂર્વક છટકી ગયા. મૉન્ટરોઝ મારીને ભાગી જવાની નીતિથી તેઓની સામે લડ્યા. 1644માં તેમણે લૉર્ડ એલ્કોને શિકસ્ત આપી અને તેની તોપો અને શસ્ત્રસરંજામ કબજે કર્યો. તેમણે 2,700 જેટલા કરાર કરનારાઓને હરાવ્યા અને ખૂબ ઘાતકી રીતે હણી નાખ્યા. આમ તેમણે 1645ના જાન્યુઆરી સુધી તલવાર મ્યાન કરી નહોતી. 2જી ફેબ્રુઆરીએ ઇન્વરલોચી ખાતે જે ફતેહ મેળવી તેથી તેમને ગૉર્ડન્સનો કાયમ માટે ટેકો મળ્યો અને તેમણે ઉત્તરપ્રદેશ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. મે, 1645માં તેમણે બીજો વિજય મેળવ્યો. બીજી જુલાઈએ આલ્ફર્ડ ખાતે અને ઑગસ્ટની 15મીએ કિલ્સીથ ખાતે લગભગ 5,000 શત્રુઓનો સંહાર કરી તેમણે વિજયો મેળવ્યા હતા.

14મી જૂને નાલેબી ખાતે ક્રૉમવેલની લોખંડી પાંખે રાજાના વફાદાર સૈન્યને કચડી નાખ્યું. મૉન્ટરોઝે યુદ્ધભૂમિ પર રહેવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોટી સંખ્યામાં તેમના ‘હાઇલૅન્ડરો’ ભાગી ગયા. જનરલ ડૅવિડ લેસ્લીએ મજબૂત દળો સાથે તેમનો પીછો કર્યો. મૉન્ટરોઝને પહાડીમાં છુપાઈ જવું પડ્યું. તેઓ 1646માં નૉર્વે ને પછી 1647માં પૅરિસ ચાલ્યા ગયા.

માર્ચ, 1650માં માત્ર 1,200 સૈનિકો સાથે શત્રુઓને હાથે સખત હાર્યા. એપ્રિલ 1650ની કાર્બિસ્ડેલ ખાતેની સખત હારે તેમને ભટકતા કર્યા; અને એસીન્ટના મેક્લિયોડનો આશ્રય લેવો પડ્યો, જેણે 25,000 ડૉલરના બદલામાં તેમની સામે દગો કર્યો. પરિણામે 1650ની 20મી મેના રોજ તેમને રાજદ્રોહ માટે ફાંસીની સજા ભોગવવી પડી.

બળદેવભાઈ કનીજિયા