મૉન્ટસેરૅટનું જ્વાળામુખી-પ્રસ્ફુટન અને તેની અસરો : કૅરિબિયન સમુદ્રના લઘુ ઍન્ટિલીઝના ટાપુ મૉન્ટસેરૅટમાં 1995ના જુલાઈમાં ચાર સૈકા સુધી શાંત રહેલો જ્વાળામુખી એકાએક ક્રિયાશીલ બની ગયો. શરૂઆતમાં તો થોડાક ધડાકા થયા, પછી તો કલાકના 160 કિમી.ના વેગથી વરાળ, વાયુઓ, ભસ્મ, ખડકટુકડા અંદરથી બહાર ફેંકાતાં ગયાં. નજીકની ટાર નદીખીણ ખરાબામાં ફેરવાઈ ગઈ. આજુબાજુનાં ગામડાંની આશરે 5,000 જેટલી વસ્તી ટાપુના ઉત્તર ભાગમાં ખસી ગઈ. 1996ના સપ્ટેમ્બરમાં ફરી ધડાકા થયા. લખોટીના કદના પ્યુમિસના ટુકડા વેરાયા. વૃક્ષોનાં લીલાં પાંદડાં ગરમ વાયુઓની રાસાયણિક અસરથી કથ્થાઈ રંગનાં થઈ ગયાં. મૉન્ટસેરૅટની ધરતી નીચે જાણે કે ધગધગતું ભૂસંચલન–એંજિન કાર્યશીલ બની ગયું.
ઉત્તર અમેરિકી અને દક્ષિણ અમેરિકી ભૂતકતીઓ વચ્ચે આવેલી મધ્ય અમેરિકી ભૂતકતી ભીંસાતી નીચે ધરબાતી જાય છે. ધરબાતો જતો ભૂભાગ અંદરની પ્રચંડ ગરમીથી ભૂરસ(મૅગ્મા)માં ફેરવાઈ જાય છે. આ મૅગ્મા ઉપરના પડને તોડીને વિસ્ફોટ સહિત બહાર આવવા પ્રયત્ન કરે છે. આ જ કારણે લઘુ ઍન્ટિલીઝના ટાપુઓ ઊપસેલા છે. મૉન્ટસેરૅટ ટાપુ પર થયેલા આ ધડાકાઓ સહિતના પ્રસ્ફુટન માટે ભૂતકતીસંચલનને કારણભૂત માનવામાં આવે છે.
પેટાળમાં ધરબાતો જતો મધ્ય અમેરિકાનો આ ભૂતકતી-વિભાગ 5 કરોડ વર્ષ જૂનો છે. મૉન્ટસેરૅટની સૂફ્રિયેર ટેકરીઓ આજથી એક લાખ વર્ષ અગાઉ સર્વપ્રથમ વાર પ્રસ્ફુટન પામેલી, જે ત્યાંના ખડકો પરથી કહી શકાય છે. મૉન્ટસેરૅટમાં આવેલાં ત્રણ જૂનાં જ્વાળામુખી-કેન્દ્રો – સિલ્વર હિલ, સેન્ટર હિલ અને દક્ષિણ સૂફ્રિયેર હિલ – આમ તો નિષ્ક્રિય જણાય છે. અહીં ભસ્મના જૂના શંકુઓ પર શંકુઓ રચાયા છે, શંકુ ઘૂમટની ઉપર નવો ઘૂમટ રચાયેલો છે. 1995 અને 1996ના આ નવા પ્રસ્ફુટનથી કોઈ જાનહાનિ તો થઈ નથી, પરંતુ તે બે વર્ષો દરમિયાન અહીંથી હજારો લોકો ઉત્તર ભાગ તરફ ખસતા ગયા છે. આ ટેકરીઓ ફરીથી ક્યારે અને કેટલા જોશથી ફાટશે તે કહી શકાતું નથી. અહીંના નિવાસીઓનાં જીવન વેરવિખેર થઈ જવાની બીકથી ખાલી કરીને જનારાઓને પાછા દક્ષિણના પોતાના આવાસોમાં આવવાની છૂટ અપાઈ નથી. કેટલાક તો પોતાની બધી મિલકતો છોડીને બ્રિટન તરફ પણ ગયા છે.
1989માં અહીં હરિકેન(વંટોળ)થી પણ તારાજી થયેલી. આ કારણોસર અહીંનો બેકારીનો આંક અગાઉ જે માત્ર 7 % જેટલો હતો તે વધીને 50 %નો થઈ ગયો છે. પ્રસ્ફુટિત જ્વાળામુખીથી માત્ર 5 જ કિમી. પશ્ચિમે આવેલું અહીંનું પ્લિમથ નગર, જે પહેલાં 4,000ની વસ્તી ધરાવતું હતું તે આજે ભૂતિયું નગર બની ગયું છે. આખાય ટાપુના ધબકતા રહેતા જીવનનો આધાર આ નગર હતું, તેમ છતાં સ્થળાંતરવાસીઓની હિંમતને દાદ દેવા જેવી છે. તેઓ કહે છે કે આજે પ્લિમથ ભલે બિનસલામત બની ગયું, અનુકૂળતાએ અમે જરૂર પાછા ફરી શકીશું. લોકોના મનમાં શરૂઆતમાં જે બીક અને ફફડાટ હતાં, તેનાથી તેઓ હવે ટેવાઈ ગયા છે. નવા પ્રસ્ફુટનસ્થાનથી પાંચ કિમી. દૂર આવેલા આ પ્લિમથ નગરનાં મકાનોનાં પ્રાંગણમાં, માર્ગો પર રાખના તકિયાઓ જામેલા – પથરાયેલા નજરે પડે છે.
1997ની ઉપલબ્ધ માહિતી અનુસાર, આ બે પ્રસ્ફુટનો પછી પણ ધ્રુજારીઓ થતી રહી છે, અવારનવાર વરાળ, વાયુઓના ગોટા, કાદવ તેમજ ભસ્મ બહાર આવતાં રહ્યાં છે. હવામાં ફેલાતી ભસ્મથી દિવસનું અજવાળું જાણે કે રાત્રિના અંધકારમાં ફેરવાઈ જાય છે. કરાનો વરસાદ પડતો હોય તેમ પથ્થરના ટુકડાઓ પણ ફેંકાય છે. યુદ્ધમાં થતી બૉંબવર્ષા દરમિયાન લોકોની નાસભાગ જેવું ર્દશ્ય પણ ક્યારેક સર્જાય છે. આ જ્વાળામુખી-ક્રિયા જ્યારે પણ થાય ત્યારે થોડાક કલાકો ચાલે છે, વળી પાછું બધું શાંત થઈ જાય છે. લોકોમાં એવી ભીતિ રહે છે કે 1995થી 1997 દરમિયાન જે કંઈ થયું તે હજી કેટલાંક વર્ષ વધુ ચાલે પણ ખરું. ભસ્મ અને પાષાણો જો પડતાં જ રહે તો તો આ જગા વસવાટયોગ્ય ન રહે. આ કારણે અહીંની સરકારે બ્રિટનની 3.7 કરોડ પાઉન્ડની સહાયથી ટાપુના અન્ય કોઈ ઉત્તર તરફના સ્થળે નવું પ્લિમથ વસાવવાની યોજના પણ વિચારી રાખી છે. ઉત્તર તરફ એટલા માટે કે ત્યાં છેલ્લાં લગભગ 20 લાખ વર્ષથી કોઈ પ્રકારની જ્વાળામુખી ક્રિયાની અસર વરતાયેલી નથી. સ્થળાંતરવાસીઓ માટે તાત્કાલિક તો ઈશાન તરફના સેન્ટ જૉન્સ ટાપુ પરની શાળાને દવાખાનાના ખંડોમાં ફેરવી નાખવામાં આવેલી અને ક્રિકેટના મેદાનમાં જનરેટરો ગોઠવીને વીજળી પૂરી પાડવામાં આવેલી. ‘લિટલ બે’ પર નવી જેટીની યોજના સાકાર થઈ છે અને તેથી આકસ્મિક આફત આવી પડે અને લોકોને જવું હોય તો જરૂરી સગવડ પૂરી પાડી શકાય એમ છે. નવા વસવાટ માટે વધુ સારી અને સલામત જગાની ખોજ ચાલી રહી છે. અહીં રોજેરોજ લોકો રેડિયો પર જ્વાળામુખીના અહેવાલની રાહ જોતા બેઠા હોય છે. સેન્ટ જૉન અને સેન્ટ માર્ટિન ગયેલા બધા જ લોકોના માનસમાં એક જ સ્થિતિ પ્રવર્તે છે. અહીં ટકી રહેલા ટાપુવાસીઓનો એકમાત્ર સધિયારો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જ છે, કારણ કે જ્વાળામુખી ક્યારે શું કરશે તે ભાખી શકાય તેમ નથી.
ગિરીશભાઈ પંડ્યા